વિધાનસભા પેટાચૂંટણી : મોરબીમાં સ્મૃતિ ઇરાનીએ કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ પર સાધ્યું નિશાન

મોરબી બેઠક પર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ કર્યો પ્રચાર, કોંગ્રેસને લીધા આડે હાથ

ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણીને લઇને રાજકીય પારો દિવસે ને દિવસે સતત ઉપર જઇ રહ્યો છે. રાજ્યમાં એક તરફ કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત્ છે. તો બીજી તરફ ચૂંટણીને લઇ રાજકારણ ગરમાયો છે. હાલ બન્ને પાર્ટીઓ તરફથી પ્રસાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે આ વચ્ચે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની પણ પ્રચાર માટે ગુજરાતના પ્રવાસે આવ્યા છે.

મોરબીના ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે કેન્દ્રીય બાળ કલ્યાણ અને કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીએ સભા યોજી હતી. જેમાં મોરબીવાસીઓને સંબોધતા કેન્દ્રિય મંત્રીએ પેટા ચૂંટણીમાં તમામ બેઠકો પર ભાજપની જીત થશે તેવી આશા વ્યક્ત કરી હતી. સાથે તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યો હતો.

સ્મૃતિ ઇરાનીએ કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ પર નિશાન સાધ્યું હતું. સ્મૃતિએ ચૂંટણી સભાની સંબોધતા હાર્દિક પટેલને કોંગ્રેસના નોકરિયાત ગણાવ્યા હતા. હાર્દિક પટેલે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ પર કરેલા આક્ષેપોનો જવાબ આપતા સ્મૃતિએ જણાવ્યું હતું કે, “હાર્દિક છ મહિના પૂર્વે જ કોંગ્રેસમાં જોડાયો છે અને બેરોજગારને નોકરી આપી હોય તેમ ખેડૂતોની વાતો કરતાં કરતાં કોંગ્રેસમાં જોડાઇ ગયો હતો. આજે અમારા ભાજપના 40 વર્ષના પાયાના કાર્યકર્તા પર આક્ષેપ તેના મોઢે શોભતા નથી.”

આ ઉપરાંત તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર પેકેજ, મહિલા સેવા આયોગ, કલમ 370 જેવી ઐતિહાસિક ઘટનાઓનો ઉલ્લેખ કર્યો હતો. સ્મૃતિએ કહ્યું હતું કે, કૉંગ્રેસે દેશનું અહિત વિચારી આ તમામનો વિરોધ કર્યો છે, આથી તમારે ભાજપને મત આપીને વિકાસને આગળ વધારવાનો છે.

ઉલ્લેખનીય છે કે મોરબી બેઠક પર ભાજપે બ્રિજેશ મેરજાને ટિકિટ આપી છે. બ્રિજેશ મેરજા કૉંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે. અહીં એ પણ નોંધવું રહ્યું કે સભા દરમિયાન બીજેપીના અનેક કાર્યકરોના ખિસ્સા પણ કપાયા હતા.

રાજ્યમાં યોજાનારી વિધાનસભાની પેટાચૂંટણીને લઇને ભાજપ-કોંગ્રેસ બંને પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. બંને પક્ષો દ્વારા ચૂંટણીને લઇને પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કર્યા બાદ તેઓની ચૂંટણી સભાનું આયોજન કરી રહ્યાં છે.

ભાજપ દ્વારા ગુરૂવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કચ્છની અબડાસા બેઠક પર ચૂંટણી સભાને સંબોધન કરી શ્રીગણેશ કર્યાં છે. ત્યારે હવે આજે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની તેમજ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અલગ-અલગ જગ્યાઓ પર ચૂંટણી સભાઓ ગજવશે.

 46 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર