September 27, 2020
September 27, 2020

સુરતમાં વધુ એક હત્યા..! પાંડેસરામાં ચપ્પુના ઘા ઝીંકી યુવકને ઉતાર્યો મોતને ઘાટ

યુવકને હત્યારાએ જાંઘ પર ચાકુ મારતા વધારે પડતું લોહી વહી જતા મોત 

સુરતમાં સતત હત્યાની ઘટના સામે આવી રહી છે. મારામારીમાં ગત રોજ એક હત્યા બાદ આજે વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. પાંડેસર વિસ્તારમાં કોઇ અજાણ્યા શખ્સોએ એક યુવકને ચાકુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

મળતી વિગત મુજબ, શહેરના સિંગણપોર વિસ્તારમાં ગાંધીનગર સોસાયટીમાં રહેતો નીખીલ રતિલાલ વણકર ઘરેથી નોકરી જાઉં છું તેમ કહી બહાર નિકળ્યો હતો. જો કે બાદમાં પાંડેસરા આવિર્ભાવ સોસાયટી નજીક ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. યુવકનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. યુવક સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં ફરજ બજાવતો હતો. મૃતક યુવાનના પિતાએ આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મૃતકના પિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, નીખીલ નવી સિવિલમાં કોરોના વોર્ડમાં નોકરી કરતો હતા. રોજની જેમ રવિવારે પણ સવારે તે નોકરી જવા માટે નીકળ્યો હતો. રવિવારે સાંજે 5 વાગ્યે આવિર્ભાવ સોસાયટી પાસેથી તે ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. સ્થાનિક લોકો હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યા ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું.

પિતાએ જણાવ્યુું કે, નીખીલ સાથે કોઇ અજાણ્યા શખ્સોએ કારણ વગર ઝઘડો કરી જાંઘ પર ચપ્પુ માર્યું હતું. જેના કારણે વધારે પડતું લોહી વહી જતા મોત થયું છે.

યુવકની હત્યા પાછળનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. કયા કારણોસર યુવકને મોતને ઘાટ ઉતાર્યો તે હજુ સુધી જાણી શકાયું નથી. તો બીજી તરફ પોલીસે આ મામલે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુન્હો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

 67 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર