પેપરલીકમાં હવે રાજકીય ઘમાસાણ, કમલમ પર ટોળું ધસી ગયું…

પોલીસ બોલાવવાની ફરજ પડી, ટીંગાટોળી કરવામાં આવી..

ઇટાલિયાને ઇજા, અનેકનાં માથાં ફૂટ્યાં, ઇસુદાનની અટકાયત

હેડક્લાર્ક પરીક્ષામાં પેપરલીકનો મામલો રાજકિય સ્વરૂપ ધારણ કરતો હોય તેમ યુવાનોએ સત્તાપક્ષ ભાજપના મુખ્ય કાર્યલયને નિશાન બનાવ્યું છે. ગાંધીનગર નજીક કોબા ખાતે આવેલ કમલમ કાર્યાલય ખાતે આજે યુવાનોનું ટોળું ધસી જતાં પોલીસ બોલાવની ફરજ પડી હતી. અને કેટલાક યુવાનોને ટીંગાટોળી કરીને બહાર લઇ જવાની ફરજ પણ પડી હતી. યુવાનોની આગેવાની આમ આદમી પાર્ટીએ લીધી હતી. એક રીતે આપ પાર્ટીએ યુવાનોના આક્રોશને બહાર લાવવાનું કામ કર્યું છે.

રાજ્યમાં ગઈ 12મી ડિસેમ્બરે યોજાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર 3 દિવસ પહેલા જ લીક થઈને કેટલાક લોકો સુધી સર્ક્યુલેટ થયું હતું. સાણંદના પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક થયું હતું. આ બનાવમાં 11 લોકોની પોલીસે ધરપકડ કરી છે.

ત્યારે આપ ગુજરાતના નેતાઓ અને કાર્યકરો ભાજપના પ્રદેશ કાર્યાલય કોબા કમલમ ખાતે વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. જો કે, પોલીસે તેમની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. તો પોલીસે કેટલાક નેતાઓ પર ડંડાઓ વરસાવ્યા હતા. જેમાં કેટલાક ઘાયલ થયાનું સૂત્રો જણાવી રહ્યા છે.

પોલીસ લાઠીચાર્જમાં ગુજરાત AAPના પ્રમુખ ગોપાલ ઈટાલિયાને સોળ ઊપસ્યા હોવાની તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે. પોલીસે દ્વારા લાઠીચાર્જ કરવામાં આવતાં ગોપાલ ઈટાલિયાને પીઠમાં સોળ ઊપસ્યા હોવાનું AAP કાર્યકરો પોલીસ અટકાયત બાદ પોલીસની વાનમાંથી તસવીરો બહાર આવી છે. પોલીસના લાઠીચાર્જમાં કેટલાક કાર્યકરોનાં માથામાં ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. જ્યારે AAP કાર્યકરોને દોડી દોડીને પોલીસે માર માર્યો હોવાના વીડિયો સામે આવ્યા છે.

આજે હેડ ક્લાર્ક પેપર લીક કાંડ મુદ્દે આમ આદમી પાર્ટી ગુજરાત અને યુથ વિંગ દ્વારા કોબા સ્થિત ભાજપ કાર્યાલય કમલમ ખાતે વિરોધપ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં AAP નેતા ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, પ્રવીણ રામ, મનોજ સોરઠિયા સહિતના નેતાઓ જોડાયા હતા. 

અભદ્ર વર્તન આચર્યું હોવાનો આરોપ

ભાજપના મહિલા મોરચાના ઉપાધ્યક્ષ શ્રદ્ધા રાજપૂતે કહ્યું કે, આપના નેતાઓ નશાની હાલતમાં હતા, હું તેમને ડિબેટના માધ્યમથી ઓળખું છું એટલે પોલીસ ફરિયાદ આપી છે. ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, પ્રવીણ રામ આ લોકોએ ખૂબ તોડફોડ કરી નખ માર્યાં છે. ખૂબ અભદ્ર વર્તન કર્યું છે.

ઇસુદાન ગઢવી પર છેડતીનો આરોપ મુકતા જ ચકચાર મચી ગઇ હતી. શ્રદ્ધા રાજપુતની અરજી મળતાની સાથે જ પોલીસે ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને પ્રવીણ રામને ઉઠાવી લીધા હતા. તેમને સીધા જ સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ માટે ખસેડવામાં આવ્યા હતા.

શ્રદ્ધા રાજપૂતે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે સવારે હું અને અન્ય મહિલા કાર્યકર હાજર હતા. અચાનક બહારથી અવાજ આવતા તેઓ બહાર દોડી આવ્યા ત્યારે 500 જેટલા આમ આદમી પાર્ટીના કાર્યકરો ત્યાં હાજર હતા, તેઓ ધીમે ધીમે કાર્યાલયમાં ઘૂસી આવ્યા. જેમાંથી કેટલાક લોકો સેલ્ફી લેવાનો પ્રયાસ કરતા હતા, જેમને રોકતા તેમણે મારી સાથે ઝપાઝપી કરતા મારી કેટલાક અંગત જગ્યાએ ઈજાઓ થઈ છે, જે હું કહી શકું તેમ નથી.

શ્રદ્ધા રાજપૂતે આગળ કહ્યું કે, અમે મહિલાઓને પણ રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેઓ બેફામ અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહ્યા હતા. તેમાંથી કેટલાક લોકો નશો કરીને આવ્યા હતા જે તમામની મેડિકલ તપાસ કરવા માટે હું પોલીસને જણાવું છું મને શરીરના ઘણા એવા અંગે ઉઝરડા પડી ગયા છે જે હું બતાવી કે બોલી શકું તેમ પણ નથી.

 46 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી