રાજકોટમાં ભાજપ કોર્પોરેટરના પુત્રએ બાથરૂમમાં ફાંસો ખાઇ કર્યો આપઘાત

પુત્રએ મોતને વહાલું કરતા પરિવાર આઘાતમાં સરી પડ્યો

રાજકોટમાં ભાજના કોર્પોરેટરના પુત્રનો બાથરૂમાં ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા ચરચાર મચી ગઇ છે. પ્રાથમિક તપાસમાં યુવકે કોઇ અગમ્ય કારણોસર બાથરૂમમાં ફુવારા સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઇ મોતને વહાલું કર્યું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ તાલુકા પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

રાજકોટના મવડી વિસ્તારમાં બાપા સીતારામ ચોક પાસે ગ્રીન પાર્ક-1માં રહેતા અને વોર્ડ નં.11ના આ વર્ષે જ પ્રથમ વખત ભાજપમાંથી ચૂંટાયેલા કોર્પોરેટર વિનોદભાઇ સોરઠિયાના પુત્ર વિશાલ (ઉં.વ.28)એ ઘરના બાથરૂમમાં ફુવારા સાથે દોરી બાંધી ગળેફાંસો ખાય જિંદગી ટૂંકાવી છે. મોટા ભાઇએ નાના ભાઇનો લટકતો મૃતદેહ જોયો હતો. પુત્રએ આ પગલું ભરતાં પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડી તપાસ હાથ ધરી છે.

વિગત મુજબ, વિશાલ સવારે નાહવા માટે બાથરૂમમાં ગયો હતો, પરંતુ મોડે સુધી બહાર ન આવતાં પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. ત્યારબાદ બાથરૂમનો દરવાજો ખખડાવતા કોઇ જવાબ ન મળતા પરિવારને કંઇક અજુગતું બન્યાનું સમજી પુશ બટનવાળો દરવાજો ખુલ્લો જ હોય એ ખોલીને જોતાં તે શાવરમાં જ લટકતો જોવા મળ્યો હતો. બાદમાં બૂમાબૂમ કરી મૂકતાં પરિવારજનો એકઠા થઇ ગયા હતા અને 108ને જાણ કરતાં ટીમ દોડી આવી હતી, પરંતુ 108ના ઇએમટીએ વિશાલને તપાસી મૃત જાહેર કરતાં પરિવારમાં કલ્પાંત થયો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખૂલ્યા મુજબ, આપઘાત કરનાર વિશાલ ત્રણ બહેન અને બે ભાઇમાં બીજો હતો. તે મવડીમાં લોખંડનું કારખાનું ધરાવતો હતો. તેને સંતાનમાં સવા વર્ષની દીકરી છે. સસરા કોઠારિયા રોડની વિશ્રાંતિ સોસાયટીમાં રહે છે. પત્ની હાલ પિયર હોઈ તેને જાણ થતાં તે પણ આઘાતમાં સરી પડી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાતનું કોઇ કારણ હાલ બહાર આવ્યું નથી. પરિવારજનો પણ હાલ કંઇ કારણ જાણતા નથી. અંતિમવિધિ બાદ પોલીસ સ્વજનોનાં નિવેદનો નોંધી કારણ જાણવા તપાસ કરશે. 

 77 ,  2