રાજકોટમાં વહુએ સાસુ પર સળગતો પ્રાઈમસ ફેંક્યો, સારવાર દરમિયાન મોત

સાસુને જીવતી સળગાવનાર આરોપી પુત્રવધૂ જેલના હવાલે

રાજકોટમાં વહુએ સાસુ પર સળગતો પ્રાઈમસ ફેંકવાની ચકચારી ઘટનામાં સાસુનું મોત થયું છે. વિધવા પુત્રવધૂએ ભળભળતો પ્રાઈમસ સાસુ પર ફેંકી સળગાવી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ગંભીર રીતે દાઝી ગયેલા વૃદ્ધાનું આજે નોત નિપજ્યું છે. પોલીસે 302 ની કલમ ઉમેરી આરોપી પુત્રવધુની ધરપકડ કરી હતી. આ પહેલા સારવાર લઇ રહેવા વૃદ્ધાએ પુત્રવધૂ પર ફરિયાદ નોંધાવી સમગ્ર આપવીતી જણાવી હતી.

રાજકોટ શહેરમાં રહેતા દેવુબેન નાનજીભાઇ મકવાણા નામના 70 વર્ષીય વૃદ્ધાએ દમ તોડતા પહેલા પોતાની વિધવા પુત્રવધૂ વિરૂદ્ધ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, મારો નાનો દિકરો વસંત ત્રણ વર્ષ પૂર્વે મૃત્યુ પામ્યો હતો. આથી હું મારા નાના પુત્રની વિધવા પત્ની અમૃતાબેન તેમજ તેના ત્રણ સંતાનો સાથે માધાપર ખાતે રહું છું. પરંતુ મારી નાની વિધવા પુત્રવધૂ સાથે મારે બનતું ન હોય અવારનવાર નાની બાબતોમાં મારી સાથે ઝઘડો કરતી હતી. ગત સોમવારે પણ અમારા બંનેની વચ્ચે બોલાચાલી થઈ હતી. આથી હું મારા મોટા પુત્ર શંકરને ત્યાં મનહરપુર ખાતે જતી રહી હતી.

મંગળવારના રોજ બપોરના સમયે મારા મોટા પુત્ર શંકરની પત્ની કુંદન પ્રાઇમસ ઉપર રોટલી બનાવી રહી હતી. આ સમયે અમૃતા પણ ત્યાં આવી પહોંચી હતી. ત્યારે અમૃતાએ કુંદનને આવીને કહ્યું હતું કે આ ડોશીને તમે અહીં શું કામ રાખો છો. ત્યારે કુંદને અમૃતાને કહ્યું હતું કે, તમે ન રાખો તો અમારે તો રાખવા જ પડે ને. આમ કુંદનના કહેવાથી અમૃતા ઉશ્કેરાય હતી અને સળગતો પ્રાઇમસ ઉપાડીને મારા ઉપર નાખતા મારા બંને હાથ દાઝી ગયા છે. ઘટનાની જાણ થતા મારો મોટો પુત્ર શંકર પણ દોડી આવ્યો હતો અને આગ વધુ પડતી પ્રસરતી રોકી હતી. જેના કારણે તે પણ દાઝી ગયો હતો.

આ ઘટનામાં વૃદ્ધા દેવુબેનનું ગઇકાલે રાત્રિના સમયે સારવાર દરમિયાન મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. આ બનાવ હત્યામાં પલટાતા પોલીસે 302ની કલમ ઉમેરી છે. સાસુને જીવતી સળગાવનાર આરોપી પુત્રવધુ જેલના હવાલે કરાઈ છે. હત્યાના પ્રયાસ અંતર્ગત પોલીસે ધરપકડ કરી હતી. 

 21 ,  1