September 24, 2020
September 24, 2020

દ્વારકા : ખેડૂતોનો અનોખો વિરોધ, ખેતરના પાણીમાં યોજી તરણ સ્પર્ધા : વિજેતાને લોલીપોપનું ઈનામ

ખેડૂતોના પરેશવા પર ફરી વળ્યા પાણી..! સરકારની યોજનાને લોલીપોપ ગણાવી

રાજ્યમાં ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે. ભારે વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બનાવી દીધી છે. ખેતરો વરસાદી પાણીમાં ગરકાવ થતાં ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે. ચોમાસાની સિઝનમાં પાકને થયેલા નુકસાન અંગે ખેડૂતો વળતરની માંગ કરી રહ્યા છે. ત્યારે દ્વારકાના રાવલ પંથકના ખેડૂતોએ ખેતરમાં ભરાયેલા પાણીમાં તરણ સ્પર્ધા યોજી અનોખો વિરોધ કર્યો હતો. આ સાથે જ તરણ સ્પર્ધામાં વિજેતા ઉમેદવાર માટે લોલીપોપનું ઈનામ રાખવામાં આવ્યું હતું. ખેડૂતોએ અનોખો વિરોધ કરીને સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો.

ભારે વરસાદને કારણે ખેતરોમાં 6 ફૂટ પાણી ભરાઈ ગયા છે જ્યાં ખેડૂતોએ અનોખું વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. કિસાન કોંગ્રેસે પાણીથી લબાલબ ખેતરોમાં તરણ સ્પર્ધા યોજીને વિરોધ વ્યક્ત કર્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે દ્વારકા સહિત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે વર્તુ-2 ડેમ, સોરઠી ડેમ અને સોની ડેમના પાણી કલ્યાણપુરના રાવલ ગામમાં ઘૂસી ગયા હતા. જેથી રાવલ ગામ આઠમી વખત બેટમાં ફેરવાયું છે. રાવલ ગામનુ બસ સ્ટેન્ડ 4-4 ફુટ પાણીમાં ગરકાવ થઈ ગયું છે.

ખેડૂતોએ આરોપ લગાવ્યો છે કે, તંત્રની બેદરકારીના કારણે રાવલના લોકો તારાજીનો ભોગ બન્યા છે. ખેડૂતોએ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને લોલીપોપ ગણાવીને ખેડૂતોને તાત્કાલીક સહાય ચૂકવવાની માંગ કરી છે.

નોંધનિય છે કે, દ્વારકા જિલ્લાના રાવલ ગામમાં છેલ્લા દોઢ મહિનાથી પાણી ભરાઈ ગયું છે. આ સાથે જ ખેતરોમાં 4થી 6 ફૂટ જેટલુ પાણી ભરાઈ ગયું છે. જેથી ખેડૂતોએ 4થી 6 ફૂટ ભરાયેલા ખેતરોના પાણીમાં તરણ સ્પર્ધા યોજી સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.

વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ CM રૂપાણીને લખ્યો પત્ર

રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે. ચોમાસાની સિઝનમાં ખેડૂતોને થયેલા નુકસાન અંગે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. પરેશ ધાનાણીએ લખેલા આ પત્રમાં અતિશય વરસાદથી લીલા દુકાળ જેવી પરિસ્થિતી સર્જાયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાથે જ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જોગવાઈમાં ફેરબદલની પણ પરેશ ધાનાણીએ માંગ કરી છે.

 62 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર