શુવેન્દુ-નંદીગ્રામમાં ગુરૂ કરતાં ચેલો સવાયો નિકળ્યો…!

દીદીને 50 હજાર મતોથી હરાવવાની ચેલાની ઇચ્છા અધૂરી રહી..

ક્યારેક ક્યારેક ગુરૂ કરતાં ચેલો સવાયો સાબિત થાય છે. બંગાળના રાજનીતિ અને વિધાનસભાની ચૂંટણીમાં પણ એવુ જ થયું છે. ટીએમસી પાર્ટીમાં મમતાદીદીના સૌથી વફાદાર એવા શુવેન્દુ અધિકારીને ભાજપે પોતાની તરફ લઇ લીધા બાદ નંદીગ્રામમાં મમતાએ શુવેન્દુની સામે ઉભા રહેવાની જાહેરાત કરી ત્યારે તેમને કદાજ શુવેન્દુની સામે જીતવાનો વધારે પડતો આત્મવિશ્વાસ હશે. જો કે નંદીગ્રામમાં શુવેન્દુએ પોતાના પૂર્વ રાજકિય બોસને ભલે 1900 જેટલા મતોથી, હરાવીને પૂરવાર કર્યું કે ક્યારેક ક્યારેક ગુરૂ કરતાં ચેલો વધારે સવાયો કે હોંશિયાર નિકળે છે.

નંદીગ્રામ બેઠકના પરિણામોએ ભારે રહસ્યો સર્જ્યા હતા. કયારેક મમતા જીતી તો ક્યારેક શુવેન્દુ જીત્યાના સમાચારની વચ્ચે છેવટે મોડી રાત્રે પાક્કુ થયું કે મમતા શુવેન્દુની સામે 1,956 મતોથી હારી ગયા છે. દીદીએ પોતાનો પરાજય તો સ્વીકાર્યો પણ મતગણતરીમાં ધાંધલી થઇ હોવાનો દાવો કરીને તેને અદાલતમાં પડકારવાની જાહેરાત કરી છે.

અદાલતમાં શુ થશે એ તો આવનારો સમય કહેશે પણ મમતાદીદીએ ત્રીજીવાર સીએમ બન્યા બાદ પેટા ચૂંટણીમાં જીતીને વિધાનસભામાં આવવુ પડશે. જો કે તેમની સરકાર હોવાથી પેટા ચૂંટણીમાં તેઓ સરળતાથી જીતી જશે. પણ ભાજપ તેમને પેટા ચૂંટણીમાં પણ ટક્કર આપે તો નવાઇ નહીં. શુવેન્દુએ પોતે જેમની પાસેથી રાજનીતિના પાઠ શિખ્યા તે દીદીને 50 હજાર મતોથી હરાવવાની તેમની ઇચ્છા અધૂરી રહી ગઇ છે. પણ મમતાને હરાવીને તેમણે ભાજપમાં પોતાનું કદ ઉંચુ કર્યું છે. અને કદાજ ભાજપ તેમને જ વિરોધપક્ષના નેતાની જવાબદારી સોંપી શકે.

 46 ,  2