પતંગ ચગાવતા માસૂમના જીવનની દોર તૂટી ગઈ…! એકનો એક દીકરો ગુમાવતા પરિવાર આઘાતમાં…

 પાંચમાં માળની પટકાતા બાળકનું મોત

સુરતમાં ઉત્તરાયણ પહેલા એક કરૂણ ઘટના સામે આવી છે. અડાજણ-પાલ રોડ ઉપર એક માસૂમ પાંચમાં માળની અગાસી ઉપરથી પતંગ ચગાવતા નીચે પટકાતા મોતને ભેટ્યો હતો. બહેન અને બાળ મિત્રોની નજર સામે નીચે પટકાયો હતો. એકના એક દિકરાનું મોત થતાં પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. પીડિત પિતાએ કહ્યું કે, કાલે પહેલી જ વાર પતંગ આપ્યા ને, છ વર્ષના માસૂમ તનયના જીવનની દોર તૂટી ગઈ, પત્ની તો હજી અજાણ છે, લાડકા દીકરાના મૃતદેહને જોઈ એના પર શું વીતશે એ ખબર નથી..

અડાજણ-પાલ રોડ ઉપર નિલકંઠ એવન્યુમાં પતંગ ચગાવતી વખતે 6 વર્ષનો તનય પટેલ ધાબા પરથી પટકાતા કરૂણ મોત નિપજ્યું હતું. મૃતકના પિતા હિરેનભાઈ પટેલે જણાવ્યું હતું કે, તનય ધોરણ-1માં અભ્યાસ કરતો હતો. રોજ નીલકંઠ એવન્યુના બાળ મિત્રો સાથે બાધા પર રમવા જતો હતો. તેની મોટી બહેન એની સાથે જ રહેતી હતી. ગુરૂવારની સાંજે તનય એ પતંગ ચગાવવાની જીદ કરતા માતાએ પતંગ લાવી આપી હતી. બહેન અને બીજા બાળ મિત્રો સાથે જ હતા. તનય પટકાતા અચાનક બૂમાબૂમ અને ચિચયારીઓ પડતા લોકો ભેગા થઈ ગયા હતા.

પત્નીએ દોડીને જોયું તો તનય અગાસી ઉપરથી એટલે કે, લગભગ 60-70 ફૂટ ઉપરથી નીચે પટકાયો હતો. માથા અને છાતીમાં ગંભીર ઇજાઓ થઈ હતી. તાત્કાલિક દોડીને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જતા મૃત જાહેર કરાયો હતો. પત્નીને તો એમ જ છે કે, તનય હોસ્પિટલમાં દાખલ છે અને સાજો છે, મારું મન જ જાણે છે. હું આખી રાત દીકરાના મૃતદેહ સાથે કેમ રહ્યો છું તેમ મૃતકના પિતાએ કહ્યું હતું.

હિરેનભાઈએ વધુમાં કહ્યું કે, હું પોતે મદદનીશ પ્રાધ્યાપક છું. એગ્રીકલ્ચર કોલેજ ઘોડદોડ રોડ, સુરતમાં. બસ પોસ્ટ મોર્ટમ થાય પછી દીકરાના મૃતદેહને ઘરે લઈ જઈશું. પણ એની માતા ને કેવી રીતે અને કેમ શાંત રાખવી એ ખબર નથી પડતી. એ તો દીકરાને મળવાની જીદ પકડીને બેઠી છે. હાલ અડાજણ પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી