સુરતમાં પઠાણી ઉઘરાણીથી ત્રસ્ત યુવકે ફાંસો ખાઇ મોતને કર્યું વહાલું

યુવકે પિતાની સારવાર માટે ખાનગી કંપનીમાંથી લોન લીધી હતી

સુરતના અડાજણ વિસ્તારમાં ખાનગી ફાયનાન્સ કંપનીઓની પઠાણી ઉઘરાણીથી કંટાળી યુવકે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. યુવકે લોનના રૂપિયા ચુકવવામાં અસક્ષમ હોવાના કારણે ચારેકોરથી નાણા માટે પ્રયાસો કર્યા હતા. પરંતુ પરિવારના મતે તેને આર્થિક મદદ ન મળતા તે પત્ની અને દીકરીને સાસરીમાં મૂકી આવ્યો હતો અને ત્યારબાદ સતત માનસિક તણાવમાં રહેતો હતો. જોકે, આજે તેણે પ્રાઇવેટ કંપનીના કર્મચારીઓનાં ત્રાસથી કંટાળી અને જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ છે.

મૃતક યુવકનું નામ વિજય લખારા છે અને તે શહેરના અડાજણ પાલનપુર જકાતનાકા વિસ્તારમાં સુખ સાગર એપાર્ટમેન્ટમાં પોતાના પરિવાર સાથે રહેતો હતો. બનાવની વિગતો મુજબ પિતા રામજી લાખારા કેન્સરની સારવાર શરૂ છે અને પિતાની કેન્સરની સારવાર માટે વિજયે ત્રણ ખાનગી કંપનીમાંથી લોન લીધી હતી. વિજય કિરણ જ્વેલર્સ નામના શો રૂમમાં નોકરી કરતો હતો. પોતાના પગારમાં ઘર ચલાવવું અને પિતાની સારવાર શક્ય ન હોવાથી તેણે કથિત રીતે ત્રણ કંપનીમાંથી લોન લીધી હોવાનું તેના પરિવારે જણાવ્યું હતું.

જોકે, લૉકડાઉન બાદ તેની સ્થિતિ વધુ કથળી અને નોકરી પણ છુટી ગઈ હતી. દરમિયાનમાં ત્રણેય કંપનીઓ એક પછી એક નોટિસ મોકલાવતી હોવાનો પરિવારે આક્ષેપ કર્યો હતો. આ સ્થિતિમાં વિજય દબાણમાં આવી ગયો હતો. ગુરૂવારે તે પોતાની પત્ની અને 3 વર્ષની બાળકીને સાસરીમાં મૂકી આવ્યો હતો અને ગઈકાલે આખો દિવસ ગુમસુમ હતો.

જોકે, પિતાને કે ભાઈને આ વાતનો અણસાર ન આવ્યો કે તેમનો વ્હાલસોયો આપઘાત કરી જિંદગી ટૂંકાવી લેશે. જોકે, આજે તેણે આત્મહત્યાનું અંતિમ પગલું ભરી લેતા આ પરિવારનો માળો વિખાઈ ગયો છે અને એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે.

 106 ,  1