સુરતમાં કોરોનાએ 13 વર્ષના માસૂમનો ભોગ લીધો

કોરોનાનાં કોઈ જ લક્ષણ નહોતાં છતા માત્ર 5 કલાકમાં ગયો જીવ

કોરોનાની ત્રીજી લહેર બાળકો પર ભારે પડી રહી છે. હવે મોટી સંખ્યામાં બાળકોમાં કોરોનાના લક્ષણો જોવા મળી રહ્યાં છે. ત્રીજી લહેરમાં કોરોનાએ એવું સ્વરૂપ ધારણ કર્યું છે કે, તેના લક્ષણો પણ દેખાતા નથી. આ સ્વરૂપ ઘાતક નીવડી રહ્યું છે. ત્યારે લક્ષણો વગરના કોરોનાએ સુરતમાં એક બાળકનો ભોગ લેવાયો છે. 13 વર્ષનો માસુમ બાળકનો જીવ કોરોનાએ ભરખી લીધો છે. આ બાળકમાં કોરોનાના કોઈ જ લક્ષણો ન હતા. ત્યારે સૌથી નાની વયના બાળકનું મોત થયાની સુરતની આ પહેલી ઘટના છે. 

મોટાવરાછા ખાતે ડી-માર્ટ પાસે આવેલી ભવાની હાઇટ્સમાં રહેતા અને એમ્બ્રોઇડરી મશીનનું કારખાનું ચલાવતા ભાવેશભાઈ કોરાટના 13 વર્ષનો પુત્ર ધ્રુવ રવિવાર સુધી સ્વસ્થ હતો. તેને કોરોનાનાં જે સામાન્ય લક્ષણો છે એવાં કોઈ નહોતાં અને તેણે કોઈ તકલીફ થઈ રહી હોવાનું પણ કહ્યું ન હતું. રવિવારે બપોર બાદ તેને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેને હોસ્પિટલે લઈ જવાયો હતો. તેનો રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાવાયો, જે પોઝિટિવ આવ્યો અને તબિયત વધુ બગડતાં સાચી ચાઇલ્ડ હોસ્પિટલમાં શિફ્ટ કરાયો હતો, જ્યાં પાંચ કલાકની સારવાર બાદ રાત્રે 1 વાગ્યે તેણે અંતિમ શ્વાસ લીધા હતા.

ચોંકાવનારી વાત તો એ છે કે, ધ્રુવમાં કોરોનાના કોઈ લક્ષણો ન હતા. જો તેનામાં લક્ષણો દેખાયા હોત તો તેને સમયસર સારવાર મળી શકી હોત અને તેને બચાવી શકાયો હોત. આ ઘટના બતાવે છે કે, કોરોનાને હવે ગંભીરતાથી લેવાનો સમય આવી ગયો છે. પરિવારના માસુમ બાળકનો કોરોનાએ ભોગ લેતા તેમના પર દુખનો પહાડ તૂટી પડ્યો હતો. ધ્રુવને જ્યારે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે તે ખૂબ સીરિયસ હતો, તેને તરત જ વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યો હતો, પરંતુ ઝડપી સારવાર પણ ધ્રુવને બચાવી શકી ન હતી. માત્ર પાંચ કલાકના ગાળામાં જ ધ્રુવનો જીવ ગયો હતો. 

 209 ,  1