સુરતમાં બે લૂંટારૂ હાથકડી સાથે ચાલુ બસમાંથી કૂદકો મારી ફરાર

પોલીસની નજર સામે ભાગ્યા ચોરો, PSI સહિત 5 સસ્પેન્ડ

સુરતમાં ફિલ્મી સ્ટાઈલે બે લુટારુઓ ચાલુ બસમાં હાથકડી સાથે કૂદી ફરાર થઈ જતા પોલીસ પ્રશાસન સામે સવાલો ઉઠવા પામ્યા હતા. ત્યાર આ ઘટના બાદ પીએસઆઈ સહિત 5 ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. માંગરોળથી લાજપોર જેલ જતા સમયે આ ઘટના બની હતી. આરોપીઓ ચાલુ બસમાં પાછળની કાચની બારી ખોલી ભાગી ગયા હતા. 

માંગરોળ કોર્ટ કેસની તારીખ હોવાથી લાજપોર જેલથી પોલીસ જાપ્તામાં બે આરોપીઓને લઈ જવાયા હતા. આરોપી મુકેશ ઉર્ફે વિશાલ રત્ના બારીયા અને આરીફ ઉર્ફે ચિસ્તી મોં હૈદરને કોર્ટમાંથી સાંજે પરત જેલમાં લઈ આવવામાં આવી રહ્યા હતા. સાંજે સાડા ચાર વાગ્યાની આસપાસ પોલીસ બસમાં પરત ફરતા સમયે આ ઘટના બની હતી. સચીન હોજીવાલા વાંઝ પુલ પાસે ટર્ન આવતો હોવાથી બસ ધીમી પડતા સૌથી પહેલા આરીફ ઈમરજન્સી બારીના કાચમાંથી કૂદકો માર્યો હતો. જેથી પોલીસે તેને પકડવા ગાડી સાઈડ પર પાર્ક કરી હતી. પોલીસે ગાડી સાઇડ પર લઈ પકડવા જતા બીજો આરોપી મુકેશ ઉર્ફે વિશાલ બસમાંથી ભાગી નીકળ્યો હતો. 

5 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા 

આ ઘટના તમામ પોલીસ કર્મચારીઓની કામગીરી પર મોટા સવાલો ઉભા કરે છે. આખરે આરોપી ભાગ્યા કે તેમને ભગાડવામાં આવ્યા. જે બસમાંથી આરોપી ભાગ્યા તેમાં પાછલની બારીમાં લોખંડની ગ્રીલ જ ન હતી. આમ તો પોલીસની દરેક બસમાં લોંખડની ગ્રીલ હોય છે. ત્યારે આ બસમાંની લોખંડની ગ્રીલ ક્યાં ગઈ. તો બીજો પ્રશ્ન એ કે, બંન્ને આરોપી છેલ્લી સીટ પર બેઠા હતા. પોલીસ જાપ્તામાં રહેલા આરોપીઓને છેલ્લી સીટ પર કેમ બેસાડાયા. શું આ આયોજનપૂર્વક ભગાડવાનું પોલીસનુ જ પ્લાનિંગ હતું. 

જો કે આ ઘટના બાદ સચીન પોલીસે બંને સામે ગુનો નોંધ્યો છે. જોકે, સમગ્ર ઘટનામા 5 પોલીસ કર્મચારીઓને નિષ્કાળજી માટે સસ્પેન્ડ કરાયા છે. કામરેજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.એસ.સૈયદ, ઓલપાડ પોલીસના એએસઆઈ ઘનસુખ ડાહ્રા, કીમ પોલીસના એલઆર ઈશ્વર રમેશ, માંગરોલ પોલીસના એલઆર જગદીશ ગોવિંદ અને સુરત ગ્રામ્ય હેડ કવાર્ટરના કલ્પેશ રામુને સસ્પેન્ડ કરાયા છે. 

 90 ,  1