કોરોના મહામારીમાં ભારતમાં 2020માં દરરોજ આટલા બાળકોએ કરી આત્મહત્યા…

આંકડો જોઈ તમને પણ નહીં થાય વિશ્વાસ

કોરોના મહામારીએ ભારત સહિત વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો હતો. કરોડો લોકોએ આ મહામારીમાં પોતાના સ્વજનો ગુમાવ્યા હતા. ત્યારે સરકારી આંકડા અનુસાર, 2020માં ભારતમાં દરરોજ સરેરાશ 31 બાળકોએ આત્મહત્યા કરી હતી. નિષ્ણાંતોએ આ માટે કોવિડ-19 મહામારીના કારણે બાળકો પરના માનસિક દબાણને જવાબદાર ગણાવ્યું છે.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના ડેટા અનુસાર, 2020માં દેશમાં 11,396 બાળકોએ આત્મહત્યા કરી હતી, જે 2019ની સરખામણીમાં 18 ટકા વધુ છે. NCRBના ડેટા અનુસાર, 2019માં 9,613 અને 2018માં 9,413 બાળકોએ આત્મહત્યા કરી હતી.

NCRBના ડેટા અનુસાર, 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની આત્મહત્યા માટે પારિવારિક સમસ્યાઓ (4,006), પ્રેમ સંબંધો (1,337), બીમારી (1,327) મુખ્ય કારણો હતા. કેટલાક બાળકોના આત્મહત્યા માટે વૈચારિક કારણો, બેરોજગારી, નાદારી, નપુંસકતા અને ડ્રગ્સનો ઉપયોગ જેવા અન્ય પરિબળો હતા.

નિષ્ણાંતોના મતે, મહામારીના કારણે શાળાઓ અને રમતગમતની પ્રવૃત્તિઓ બંધ થવાને કારણે બાળકોના માનસિક અને શારીરિક વિકાસ પર ખરાબ અસર પડી છે. વધુમાં તેઓ જણાવે છે કે, કોવિડ-19ના પરિણામે શાળાઓ બંધ થવા ઉપરાંત, સામાજિક એકલતાના કારણે બાળકો સહિત પુખ્ત વયના લોકોનું માનસિક સ્વાસ્થ્ય ખરાબ રીતે પ્રભાવિત થયું છે.

નિષ્ણાંતોનું કહેવું છે કે, આપણે એક સમાજ તરીકે બાળકોના શિક્ષણ અને શારીરિક સ્વાસ્થ્ય જેવી મૂળભૂત બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, પરંતુ તે દરમિયાન અમે તેમના માનસિક સ્વાસ્થ્યની કાળજી લેતા નથી અથવા તેમને માનસિક અને સામાજિક રીતે સમર્થન આપતા નથી.

નિષ્ણાંતો કહે છે કે, બાળકોમાં આત્મહત્યાના કેસોમાં સતત વધારો થતા સમગ્ર તંત્રની નિષ્ફળતા છતી થઈ છે. માતા-પિતા, પરિવારો, પડોશીઓ અને સરકારની સામૂહિક જવાબદારી છે કે બાળકો તેમના ઉજ્જવળ ભવિષ્ય અને તેમના સપના સાકાર કરી શકે તેવું સાનૂકુળ વાતાવરણ ઊભું કરવું જોઈએ.

 16 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી