લોક લાગણી – આ ભાજપવાળાને કોઇ કહેનાર છે કે નહીં…?

ભાજપ નેતાએ લગ્ન પ્રસંગે ભીડ એકત્ર કરી, જવાબદાર કોણ

ગુજરાતમાં કોરોનાના કેસ રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. તેમાં પણ સુરત અને અમદાવાદની સ્થિતિ કફોડી છે. રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી કુલ નોંધાતા કેસના 50 ટકા આ બે શહેરોમાં જ નોંધાઈ રહ્યા છે. કોરોનાના વધતા કહેર વચ્ચે સરકાર એકબાજુ લોકોને કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવા વિનંતી કરી રહી છે ત્યારે ભાજપના જ નેતાઓ કોરોનાની ગાઇડલાઇનને ઘોળીને પી ગયા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

સુરત જિલ્લાના માંગરોળમાં ભાજપના કાર્યકર ઈંદ્રિશ મલેકે પોતાની દીકરીના લગ્નના પ્રસંગમાં ભીડ ભેગી કરી હતી. સામાન્ય માણસોની ભીડ એકઠી થવા પર સરકારે પ્રતિબંધ લગાવ્યો છે, પરંતુ લાગે છે કે આ પ્રતિબંધ નેતાઓ માટે નથી. કોરોના કહેર વચ્ચે નેતાઓ લગ્ન પ્રસંગમાં ભીડ ભેગી કરવામાં મસ્તમગન બન્યા છે. ભાજપના કાર્યકર ઈંદ્રિશ મલેકે પોતાની દીકરીના લગ્નના પ્રસંગમાં ડીજે પાર્ટીનું આયોજન કર્યું હતું. માંગરોળના વેરાકુઈ ગામે ડીજે નાઈટમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. 

આ અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગઈકાલે તાપી જિલ્લામાં ભીડ ભેગી કરવા બદલ આયોજક સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને પોલીસ કર્મીને સસ્પેન્ડ કરાયા હતા. ત્યારે હવે ભાજપ કાર્યકર સામે કેવા પ્રકારની કાર્યવાહી થાય છે તે મહત્વનું બની રહેશે.

 68 ,  1