રસીકરણના બીજા તબક્કામાં PM મોદી કોરોનાની રસી લેશે

બીજા તબક્કામાં 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન લાગશે

ભારતમાં રસીકરણના બીજા ચરણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કોરોનાની રસી લે તેવી સંભાવના છે. બીજા તબક્કામાં 50 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોને રસી આપવામાં આવશે. રસીકરણ માટે વડાપ્રધાન સાથે રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠક યોજાઈ હતી જેમાં પીએમએ જણાવ્યું હતું કે, કોઈએ ગભરાવાની જરૂર નથી, બીજા તબક્કામાં 50 વર્ષથી વધુ ઉંમર ધરાવતા હશે તે તમામનું રસીકરણ કરવામાં આવશે.

વેક્સિનેશનના બીજા તબક્કામાં કેટલાક મુખ્યમંત્રીઓ સહિત 50થી વધુ ઉંમર ધરાવતા તમામ સાંસદો અને ધારાસભ્યો પણ રસી લે તેવી શક્યતા છે. દેશમાં હાલમાં રસીકરણનો પ્રથમ તબક્કો ચાલુ છે જેમાં 7 લાખથી વધુ આરોગ્યકર્મીઓને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે. આરોગ્યકર્મીઓનું સંપૂર્ણ રસીકરણ કરાયા બાદ બીજો તબક્કો શરૂ કરાશે.

બીજા તબક્કામાં લશ્કર, અર્ધલશ્કર દળના જવાનો સહિત 50થી વધુ ઉંમરના લોકોનું રસીકરણ હાથ ધરાશે. જો કે બીજો તબક્કો ક્યારથી શરૂ થશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી. બીજા તબક્કાની ગાઈડલાઈન નક્કી થઈ ગઈ છે. બીજા ચરણમાં વડાપ્રધાન, કેટલાક રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યપાલ તેમજ વીવીઆઈપી લોકોને રસીનો ડોઝ આપવામાં આવશે.

કેન્દ્ર સરકારના મતે કોરોનાની કઈ રસીના ડોઝ ક્યારે આપવાના છે તે રાજ્ય સરકાર પર નિર્ભર રહે છે. હાલમાં ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં કોરોના રસીકરણના લક્ષ્યને ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહ્યું છે. બીજીતરફ દિલ્હી અને પંજાબ સહિત કેટલાક રાજ્યોમાં આરોગ્યકર્મીઓ રસી મૂકાવવાથી ખચકાટ અનુભવી રહ્યા છે. આવા કર્મચારીઓનું હવે કાઉન્સેલિંગ કરવામાં આવશે.

ભારતે બે સ્વદેશી વેક્સિન સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવીશિલ્ડ તેમજ ભારત બાયોટેકની કોવેક્સિનને ઈમર્જન્સી યુઝ માટે મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત ભારત બાયોટેકની નેઝલ વેક્સિનના ટ્રાયલને પણ મંજૂરી આપવામાં આવી છે.

 65 ,  1