September 21, 2020
September 21, 2020

વડોદરા : પત્નીનું ખૂન કરી કાતિલ પતિએ દિકરીને કહ્યું – ‘રડીશ નહીં, તારા માટે બીજી મમ્મી લઇ આવીશ..’

આડા સંબંધના વહેમમાં પતિએ મિત્રો સાથે મળી પત્નીને ઉતારી મોતને ઘાટ

વડોદરા શહેરમાં વધુ એક હત્યાની ચકચારી ઘટના સામે આવી છે. બરાનપુરા વિસ્તારમાં આડા સંબંધના વહેમમાં પતિએ મિત્રો સાથે મળી પત્નીની હત્યા કરી ફરાર થઇ ગયો. એટલું જ હત્યારા પતિએ પોતાની દિકરી સામે જ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યા બાદ દિકરીને પણ જાણથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ આ મામલે પોલીસે આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરાના બરાનપુરા વિસ્તારમાં આવેલા ચુનારાવાસમાં રહેતો અમિત ચુનારાએ મિત્રોની મદદથી પત્ની સપનાની ઓશિકાથી મોંઢુ દબાવી હત્યા કરી નાખતા ચકચાર મચી ગઇ છે. છેલ્લા કેટલાક સમયથી અમિતને પત્ની સપનાના રિકી સોલંકી નામના ખંભાતના પુરૂષ સાથે આડા સંબધ હોવાની શંકા હતી, જેના કારણે અવાર-નવાર બંને વચ્ચે ઝઘડો થતો હતો. દરમિયાન આજે વહેલી સવારે પતિએ તેના બે મિત્રોની મદદ લઇ નિંદ્રાધિન પત્ની સપનાનું ઓશિકાથી મોંઢુ દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી.

ઓશિકાથી મોંઢુ દબાવતા બચવા માટે સપનાએ બચવા માટે ધમપછાડા કર્યાં હતા. સપનાબહેનના બચવાના ધમપછાડાથી રૂમમાં જ સૂઇ રહેલી દીકરી જીગીશા જાગી ગઇ હતી. જાગી ગયેલી દીકરીએ પિતા અને તેમના બે મિત્રો માતાને મારી રહ્યા હોવાનું જોતા જ તે રડવા લાગી હતી. પત્નીને મોતને ઘાટ ઉતારનાર પતિ અમિતે રડી રહેલી દીકરીને જણાવ્યું કે, તું રડીશ નહીં, તારા માટે બીજી મમ્મી લઇ આવીશ અને જો આ વાત કોઇને કહીશ તો તને પણ મારી નાંખીશ. ત્યારબાદ પત્ની માટે હત્યા નક્કી કરેલી રકમ બે મિત્રોને આપીને ફરાર થઇ ગયો હતો.

ઘટના બાદ અજુબાજુના લોકોના ટોળે ટોળા વળ્યા હતા. તો પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. અને લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી.

ACP એસ.જી. પાટીલે જણાવ્યું હતું કે, બરાનપુરા વિસ્તારના ચુનારાવાસમાં રહેતા અમિત ચુનારાને પત્ની સપનાને ખંભાતના રીકી સોલંકી નામના વ્યક્તિ સાથે આડા સંબધ હોવાનો વહેમ રાખી આજે સવારે પત્નીનું ઓશિકાથી મોંઢુ દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. અમિતે પત્નીની હત્યા કરવા માટે અન્ય કોઇની મદદ લીધી છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે. પોલીસે અમિત ચુનારા સામે હત્યાનો ગુનો નોંધીને તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યાં છે. હત્યારાની ધરપકડ થયા બાદ અન્ય વિગતો બહાર આવશે.

 115 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર