ફિલ્મ ‘જય ભીમ’માં પતિને પાછો મેળવવા પત્ની કોર્ટમાં કરે છે ‘હેબિયસ કોર્પસ’ની અરજી, જાણો શું છે આ હેબિયસ કોર્પસ?

2 નવેમ્બર, એમેઝોન પ્રાઈમ વીડિયોમાં સાઉથ એક્ટર સૂર્યાની તમિળ લીગલ ડ્રામા ફિલ્મ ‘જય ભીમ’ રિલીઝ થઈ છે. ‘જય ભીમ’ તમિળ, તેલુગુ તથા હિંદીમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો છે. ચો તરફ લોકો તેના વખાણ કરી રહ્યા છે.

આ ફિલ્મ 1993ની સત્ય ઘટના પર આધારિત છે. જેમાં આરોપી જેલમાંથી ફરાર થઈ ગયો હોવાનું તેની પત્નીને કહી દેવામાં આવે છે. ત્યારે તેની પત્ની તેના પતિને પાછો મેળવવા માટે લડત લડે છે અને વકીલ સાથે મળી ‘હેબિયસ કોર્પસ’ની અરજી કરે છે.

શું છે હેબિયસ કોર્પસ ?

હેબિયસ કોર્પસએ લેટિન ભાષાનો શબ્દ છે. ઈંગ્લૅન્ડની ન્યાયવ્યવસ્થામાં આ શબ્દ તેરમી સદીથી પ્રચલિત છે. આનો અર્થ છે- બંદી પ્રત્યક્ષીકરણ. કેદીને ન્યાયાધીશની સામે હાજર કરવાનો અને અટકાયતનાં કારણ રજૂ કરવાનો કોર્ટનો આદેશ આજે આ શબ્દો દ્વારા ઓળખાય છે.

કેદીને હાજર કર્યા બાદ કોર્ટ એ નિર્ણય કરે છે કે એ વ્યક્તિની અટકાયત ઉચિત હતી કે ગેરકાયદેસર ? ઈંગ્લૅન્ડમાં રાજા ચાર્લ્સ દ્વિતિયના સમયમાં હેબિયસ કોર્પસ એક્ટ 1679માં પસાર થયો હતો. તેના ત્રણસો વર્ષ પછી આ દિશામાં મહત્વપૂર્ણ પગલું ભારતમાં ભરાયું હતું.

અનુચ્છેદ 32 હેઠળ અધિકાર

બંધારણનો અનુચ્છેદ 32 મૂળભૂત અધિકારો (ફંડામેન્ટલ રાઈટ્સ) લાગુ પાડવાના સંદર્ભે સુપ્રીમ કોર્ટના વિસ્તારિત મૂળભૂત અધિકારક્ષેત્રને મંજૂરી આપે છે. હેબિયસ કોર્પસ (બંદી પ્રત્યક્ષીકરણ), મેન્ડેમસ (ઉપલી અદાલતનું નીચલી અદાલતને ફરમાન), પ્રતિબંધ, ક્વો વોરંટો અને સર્ટિઓરરિ (કાગળ મંગાવવાનો ઉપલી અદાલતનો નીચલી અદાલતને આદેશ) સહિતના નિર્દેશો, આદેશો અથવા લેખિત આદેશ લાગુ પાડવા માટે તેને સત્તા આપવામાં આવી છે. રાજ્યમાં આ અધિકારો લાગુ કરવાનું અધિકારક્ષેત્ર જેતે હાઈકોર્ટનો છે.

 49 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી