ભારતમાં વીજ સંકટના ભણકારા!, માત્ર 4 દિવસ ચાલે તેટલો જ બચ્યો છે કોલસાનો સ્ટોક

70 ટકા વીજ ઉત્પાદન કેન્દ્રો કોલસા આધારિત, શું તમારા ઘરની વીજળી ગુલ થઈ જશે?

દેશમાં આગામી થોડા દિવસોમાં ચીન જેવું વીજ સંકટ ઊભું થવાની અને ઔદ્યોગિક ગતિવિધિઓ ઠપ થવાની શક્યતા દેખાઈ રહી છે કારણ કે, દેશમાં માત્ર 4 દિવસનો કોલસો બાકી છે. ભારતમાં વીજ ઉત્પાદન માટે કોલસાનો સૌથી વધુ ઉપયોગ થાય છે અને ઉર્જા મંત્રાલયના જણાવ્યા અનુસાર કોલસા આધારિત વીજ ઉત્પાદન મથકોમાં કોલસાનો સ્ટોક ઘણો ઓછો થઈ ગયો છે.

દેશમાં 70 ટકા વીજ ઉત્પાદન કેન્દ્રો કોલસા પર આધારિત છે કુલ 135 થર્મલ પાવર પ્લાન્ટ્સમાંથી 72 પાસે કોલસાનો સ્ટોક 3 દિવસથી ઓછો છે જ્યારે 50 પાવર પ્લાન્ટ એવા છે જ્યાં કોલસાનો 4 થી 10 દિવસનો સ્ટોક બાકી છે અને માત્ર 13 પ્લાન્ટ છે જ્યાં 10 દિવસથી વધુ સમય માટે કોલસો બાકી છે.

ઉર્જા મંત્રાલયના જણાવ્યા અનુસાર, તેની પાછળનું મુખ્ય કારણ કોલસાના ઉત્પાદન અને આયાતમાં પડતી સમસ્યાઓ છે. ચોમાસાને કારણે કોલસાનું ઉત્પાદન ઘટી ગયું છે. તેના ભાવ વધ્યા છે અને પરિવહનમાં ઘણી અડચણો આવી છે. આ એવી સમસ્યાઓ છે જેના કારણે આવનારા સમયમાં દેશમાં વીજળીનું સંકટ આવી શકે છે. જાણકારોનું કહેવું છે કે, કોલસાની અછતને પગલે વીજળી ડુલ થવા લાગશે તો દુનિયામાં સૌથી ઝડપથી ગ્રોથ કરતી ઈકોનોમીના પૈડાં થોડા સમય માટે થંભી જશે. અડધાથી વધુ પ્લાન્ટ્સમાં ઉત્પાદન ઠપ થવાને લઈને એલર્ટ આપી દેવાયું છે.

કોલસાની અછતને જોતા એલ્યુમિનિયમ કંપનીઓ અને સ્ટીલ કંપનીઓ સહિત મહત્વના ગ્રાહકોને મળતા સપ્લાયમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે. એવામાં ભારતને પણ ચીનની જેમ બે મોરચે પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. પહેલો, કોરોનાને લગતા પ્રતિબંધો હટ્યા પછી ઈન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી વધવાથી વીજળીની માંગમાં વધારો થયો છે. બીજી તરફ કોલસાના સ્થાનિક ઉત્પાદનમાં ઝડપથી ઘટાડો આવ્યો છે.

આ દરમિયાન એલ્યુમિનિયમ પ્રોડક્શન કંપનીઓની ફરિયાદ છે કે, કોલ ઈન્ડિયાએ પાવર પ્લાન્ટ્સને કોલસો આપવા માટે તેમનો સપ્લાય ઘટાડી દીધો છે. કોલસા સચિવ અનિલ કુમાર જૈને કહ્યું કે, વરસાદને પગલે ખાણોમાં પાણી ભરાઈ જવાથી પાવર પ્લાન્ટ્સને રોજ 60થી 80 હજાર ટન ઓછો કોલસો મળી રહ્યો છે.

જૈનના કહેવા મુજબ, કોલસાના મહત્વના ઉત્પાદન કેન્દ્ર- ઝારખંડના ધનબાદમાં ગત મહિને ભારે વરસાદ થવાથી સ્થિતિ બગડી છે. તેમણે કહ્યું કે, કંપની પાવર પ્લાન્ટ્સમાં જરૂરિયાત પૂરતો કોલસો પૂરો પાડવા માટે સપ્લાય ઓક્ટોબરના બીજા સપ્તાહ સુધી જ વધારી શકશે. પરંતુ, સ્ટોકને જૂના લેવલ પર લાવવામાં સમય લાગશે.

 52 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી