ઉનામાં લૂંટેરી દુલ્હન પ્રભુતામાં પગલા માંડે તે પહેલા પોલીસ હવાલે

લગ્ન પહેલા જ વરરાજાને શંકા જતા પોલીસને જાણ કરી

લૂંટેરી દુલ્હન ‘ખેલ’ પાડે તે પહેલા જ ઝડપાઈ

ઊનામાં લગ્ને-લગ્ને કુંવારી લુંટેરી દુલ્હન એક યુવક સાથે તેના મળતિયાઓ સાથે વાજતે-ગાજતે લગ્ન કરવા પોહચી પણ વરરાજાને આ કન્યા લુંટેરી દુલ્હન હોવાનું માલુમ થતા પોલીસને જાણ કરતા આ કન્યા લગ્ન પહેલા જેલમાં પહોચી અને આ અંગેની વરરાજાએ કન્યા તેમજ તેમના મળતિયા વિરૂધ્ધ પોલીસમાં ફરીયાદ નોંધાવાની તજવિજ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે ઉનાના નાળિયેરી મોલી ગામના રમેશભાઇ હરીભાઇ રાખોલિયાએ પોતાના પુત્ર હિતેષ (ઉ. 30)ના લગ્ન કરવાના હોવાથી કાકડી મોલી ગામ ખાતે રહેતા વિનુભાઇ રાઠોડના કાને વાત નાખી હતી. જે બાદમાં તમામ લોકો કન્યા જોવા માટે રાજકોટ ગયા હતા. અહીં સપના નામની એક યુવતી સાથે હિતેષની મુલાકાત થઈ હતી. હિતેષ અને સપનાએ એકબીજા સાથે વાતચીત કરી હતી અને વાત આગળ ચાલી હતી. જે બાદમાં સગાઈની વાત થઈ હતી.

રાજકોટ મુલાકાત દરમિયાન બંને પક્ષ વચ્ચે લેવડ દેવડની વાત થઈ હતી. જે બાદમાં હિતેશે સપનાને લગ્નની ખરીદી માટે રોકડા 41 હજાર રૂપિયા આપ્યા હતા. આ ઉપરાંત લગ્ન વખતે બે લાખ રૂપિયા અને દાગીના આપવાની વાત થઈ હતી. જે બાદમાં 21 જૂને ઉના કોર્ટમાં લગ્ન કરવાનું નક્કી થયું હતું. જોકે, લગ્ન પહેલા જ લૂંટેરી દુલ્હન અને તેના કેટલાક મળતિયા ગાડી ભાડે કરીને ઉના પહોંચી ગયા હતા. જે બાદમાં તમામ લોકો વકીલ પાસે ગયા હતા.

કન્યા તેમજ તેમના મળતિયા કોર્ટ લગ્ન માટે જરૂરી તમામ દસ્તાવેજ આપીને ચાલ્યા ગયા હતા. આ દરમિયાન વકીલને શંકા પડી હતી. તપાસ કરતા તમામ પુરાવા નકલી નીકળ્યા હતા. જે બાદમાં પોલીસને આ અંગેની જાણ કરવામાં આવી હતી. બીજી તરફ કન્યા પક્ષે 21ના બદલે 23 તારીખે આવવાની વાત કરી હતી. સાથે જ બે લાખ રૂપિયા રોકડા અને ઘરેણા તૈયાર રાખવાનું કહ્યું હતું. 23 જૂને તમામ લોકો કોર્ટમાં આવી પહોંચતા સાદા ડ્રેસમાં રહેલી પોલીસે તમામની ધરપકડ કરી હતી. જે બાદમાં વરરાજાની ફરિયાદના આધારે લૂંટેરી દુલ્હન સહિત નવ લોકો સામે ગુનો નોંધાયો હતો.

 104 ,  1