યુપીમાં બહનજી માયાવતી કોના વતી લડશે…?! માલુમ નહીં કા..?

માયાવતીએ કહી દીધુ-ન ઇધર ન ઉધર એકલો જાને રે..

સપા-કોંગ્રેસ કહત હૈ-બહનજી કેસરી કો લાભ પહુચા રહી હૈ..

માયાવતીના માથે સુપ્રિમની તલવાર લટકેલી છે….

ચૂંટણીઓ બાદ સીએમપદે ફિર સે યોગી યા એ. કે. શર્મા..?

પંજો-પ્રિયંકા ભલે જોર લગાવે પરિણામ નક્કી જ છે- સત્તા તો નહીં જ…!

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

દેશના રાજકારણમાં એમ કહેવાય છે કે જેણે યુપી જિત્યુ એને દિલ્હી જીતી અને ફળી. વિધાનસભાની ચૂંટણીઓ હોય કે લોકસભાની. દરેક રાજકિય પક્ષો યુપીને કબ્જે કરવા મથે છે, મચે છે અને બીજા પક્ષો સાથે હાથ મિલાવીને સગવડિયા રાજકિય લગ્ન પણ કરે છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં સત્તાપક્ષ સપાના સીએમ અખિલેશ યાદવની સાથે રાહુલે હાથ મિલાવ્યા. સપા સરકારે, કામ બોલતા હૈ…નું સૂત્ર આપ્યું તો રાહુલ ગાંધી સાથેના ગઠબંધનને લઇને યુપી કે લડકો કા યુપી કો યે સાથ પસંદ હૈ….નું સૂત્ર પણ ના ચાલ્યું. વિધાનસભાની 403 બેઠકોમાંથી ભાજપે એકલાએ 311 બેઠકો અને સાથી પક્ષો સાથે મળીને 324 બેઠકો મેળવીને યુપી કે લડકો…યુપી કી બહનજી…અને એવા બધાને ધૂળ ચાટતા કરી નાખ્યાં….

સીએમ યોગીને કમાન સોંપાઇ પણ હવે ચૂંટણીઓ ઢુકડી હોય ત્યારે યોગીને બદલવાનું જોખમ ન લેવાય એમ કહીને ભાજપે ફરી યુપી જીતવાની કવાયત આરંભી છે. જેમાં સનદી અધિકારી એ. કે. શર્માને કેન્દ્ર સરકારની સેવામાંથી ઉપાડીને યુપી ભાજપમાં સેવા માટે મૂકીને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યાં છે. આ બધી હલચલની વચ્ચે બહનજી કહેતા માયાવતીની જાહેરાતે સૌનુ ધ્યાન ખેંચ્યું છે. પંચાયતની ચૂંટણીઓમાં માયાવતીએ પોતાના જીતેલા સભ્યોને તેમને જે ઠીક લાગે તેને વોટ આપવાનું કહીને, સપાના દાવા પ્રમાણે, માયાવતીએ ભાજપને રાજકિય લાભ કરાવી આપ્યો છે. રાજકારણમાં આક્ષેપ અને પ્રતિ આક્ષેપ તો થયા કરે પણ જ્યારે સુપ્રિમ કોર્ટ એમ કહે કે મેડમ માયાવતી, તમે સીએમ હતા ત્યારે તમે તમારી પોતાની અને બીજા બધાની જે પ્રતિમાઓ લોકોના પૈસે બનાવી છે તે યોગ્ય નથી…આ તમામ નાણાં તમારે તમારા પોકેટમાંથી આપવા જોઇએ…ત્યારે માયવતી માટે તો એક જ રસ્તો બચ્યો હોય-સબ કા સાથ સબ કા વિકાસ-સબ કા વિશ્વાસ…!

માયવતીને રાજકારણમાં લાવનાર બામસેફના દલિત નેતા કાંશીરામ. માયવતીએ પોતે સીએમ હતા ત્યારે અંદાજે 4 હજાર કરોડના ખર્ચે લખનૌ, નોઇડા અને ગ્રેટર નોઇડા વગેરેમાં પોતાની સાથે કાંશીરામની અને બચાવમાં બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકરની પ્રતિમાઓની સાથે પોતાની પાર્ટીના ચૂંટણી પ્રતિક હાથીની વિશાળ પ્રતિમાઓનું નિર્માણ કર્યું હતું. જેની સામે કોર્ટમાં રીટ થઇ અને પ્રતિમાઓ પાછળ લોકોના નાણાંનો વ્યય છે એમ કહીને તે નાણાં માયાવતી પાસેથી વસૂલવાની દાદ માંગવામાં આવી હતી.

યુપીમાં ચૂંટણીઓના પડઘમ સંભળાઇ રહ્યાં છે. સ્થાનિક ચૂંટણીઓમાં યોગીને સફળતા મળી નથી. સપાએ મેદાન માર્યુ અને કોંગ્રેસ એક બાજુ ધકેલાઇ ગઇ છે. કિસાન આંદોલન ભલે દિલ્હીની સરહદે ચાલી રહ્યું હોય પણ તેની અસરો યુપીની સ્થાનિક ચૂંટણીઓમાં જોવા મળી છે અને યુપીની ચૂંટણીઓમાં કિસાન આંદોલન અને રાકેશ ટિકૈત ભાજપને હરાવવા કંઇ નવાજુની કરશે એમ ભાજપને લાગી રહ્યું છે. ભાજપને કિસાનો કરતાં કોંગ્રેસની વધારે ચિંતા એ છે કે બીજા ભલે જીતે પણ પંજો તો નહીં જ….અને તેને અમલમાં મૂકવાના દાવપેચમાં યુપીને 3 રાજ્યોમાં વિભાજિત કરવાની એક રણનીતિ છે. બીજા દાવપેચ પણ હશે…

માયાવતીએ કહી દીધુ- યુપીની વિધાનસભા ચૂંટણીમાં બસપાની નીતિ હશે-એકલો જાને રે….ચલ અકેલા..ચલ અકેલા…ચલ અકેલા….મૈં તો ચલી જીધર ચલે કેસરી…મુઝે ક્યા ખબર હૈ..કહાં મેરી મંઝિલ…! બહનજી કહે કે ના કહે પણ તેઓ જાણે જ છે કે મંઝિલ કહાં હૈ…! તેમની એક ખાસિયત એ છે કે તેઓ પત્રકાર પરિષદમાં લખેલુ તૈયાર નિવેદન વાંચી જાય છે., પેટા સવાલોના જવાબો ભાગ્યે જ આપે..નિવેદન વાંચી સંભળાવીને ઉભા થઇ જાય. પેટા પ્રશ્નોમાં વળી કાંઇક આડુ અને અવળુ બોલાઇ જાય તો પ્રતિમાઓનો ખર્ચો કોણ આપશે ભલા…! ઇસલિયે બહનજી સંભલકે કદમ રખતી હૈજી. તેઓ તેમની રીતે યોગ્ય હશે. પણ યુપીમાં માયાવતીનો જે રાજકિય દબદબો હતો તે હવે…ભરતી પછી ઓટમાં દરિયાનું પાણી ધીમે ધીમે કિનારાથી દૂર થાય તેમ દૂર કહીં જબ દિન ઢલ જાયે..,ની જેમ…

બુઆ માયવતીને બબુવા અખિલેશ ભૂલી શકે તેમ નથી. વર્ષો પછી સપા અને બસપા વચ્ચે રાજકિય ચૂંટણીલક્ષી ગઠબંધન થયું અને પરિણામ બાદ બુઆ ઉત્તરમાં અને બબુવા દક્ષિણમાં…તે પછી બહનજીએ નક્કી કર્યું કે કોઇની સાથે જોડાણ નહીં… ! 2022ની ચૂંટણીઓ બસપા એકલા હાથે લડશે. સપા અને કોંગ્રેસના પ્રિયંકા ગાંધીનો પ્રતિભાવ- બહનજી ભાજપને લાભ કરાવવા માંગે છે..!! માયાવતી તો આવા આરોપો અને આક્ષેપોથી ટેવાઇ ગયા છે. દલિત નેતા તરીકે ચાર વખત સીએમ એક વખત સાંસદ અને હવે તેમની નવી જાહેરાતથી પાર્ટીમાં ભંગાણ પડે તો કહ નહીં સકતે…કેમ કે તાજેતરમાં બસપાના કેટલાક ધારાસભ્યો અખિલેશને મળ્યા હતા,.. એટલે આવન અને જાવનનો શુભારંભ..!

માયાવતીની કોઇ મજાક કરવાની હિંમત કરતા નથી., પણ બોલીવુડના કલાકાર રણદીપ હુડાએ માયાવતીના રંગરૂપ અંગે એવી અભદ્ર મજાક કરી હતી કે સંયુક્ત રાષ્ટ્ર સંઘે હુડ્ડાને તેના એક પ્રોજેક્ટના એમ્બેસેડરપદેથી દૂર કર્યા.ત્યારથી હુડ્ડા ખો ભૂલી ગયા હશે. રાજકારણમાં કોઇ કાયમી દોસ્ત કે દુશ્મન હોતા નથી.,એકબીજાને પછાડવા માટે મળે પણ ખરા અને સામ સામે લડે પણ ખરાં. માયાવતી ઠીક એવુ કરવા જઇ રહી છે. સપાની સામે, કોંગ્રેસની સામે ઉમેદવારો ઉભા રાખશે.

પેલી બાજુથી મુસ્લિમ પાર્ટી એઆઇએમઆઇએમના ઔવેસીએ યુપીમાં 100 બેઠકો લડવાની જાહેરાત કરી છે. અપના દલને કેટલીક બેઠકો ગઠબંધનમાં અપાશે. માયાવતીના હરિફ નવા દલિત યુવા નેતા ચંદ્રશેખર આઝાદ પણ ચૂંટણીમાં ઝંપલાવશે. જ્યાં મતોનું વિભાજન થાય ત્યાં અપક્ષ ઉમેદવારો હશે. કેટલાક સ્થાનિક કિસાન નેતાઓ પણ ઉભા રહેશે ટિકૈતની અસર ઓછી કરવા અને પરિણામ…..? ઔર કુલ મિલા કે ઇસબાર ભી યુપી મેં ભાજપાને ફિર એક બાર 300 સે જ્યાદા સીટે જીત લી હૈ…! નયે સીએમ… ? યોગી…? હોતુ હશે…? નવા સીએમ પૂર્વ સનદી અધિકારી એ.કે. શર્મા…?!

 48 ,  1