વલસાડમાં મહિલા PSI વતી લાંચ લેતાં વકીલ ઝડપાયો

વલસાડ સીટી પોલીસ સ્ટેશનના ફરજ બજાવતા મહિલા PSI ફરાર

વલસાડ સીટી પોલીસ સ્ટેશનના મહિલા PSI વતી લાંચ લેતા વચેટિયા વકીલને ઝડપી પાડયો છે. દારૂના એક કેસમાં મહિલા PSIએ સેલવાસના એક બાર માલિકનાને હેરાન નહીં કરવા અને મેટરની પતાવટ કરવા માટે રૂપિયા દોઢ લાખની લાંચ માગી હતી. જેને લેવા જતા વચેટિયો વકીલ અમદાવાદ એસીબીના હાથે રંગેહાથ ઝડપાઇ ગયો હતો. જોકે, મુખ્ય આરોપી મહિલા PSI અત્યારે ફરાર છે. તો બીજી તરફ અમદાવાદ ACBની કાર્યવાહી બાદ વલસાડ જીલ્લાના પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.

વલસાડ સિટી પોલીસ મથકે વર્ષ 2020માં નોંધાયેલી દારૂની એક FIRમાં સેલવાસના વાઇન શોપ સંચાલકનું નામ ખૂલ્યું હતું. નામ ખૂલતાં વલસાડ PSI વાય.જે. પટેલે આરોપીને સમન્સ મોકલાવ્યો હતો. વાઇન શોપ સંચાલકે ધરપકડથી બચવા હાઈ કોર્ટમાંથી આગોતરા જામીન મેળવ્યા હતા. તે આગોતરા જામીન મેળવ્યા બાદ સિટી પોલીસ મથકે જવાબ નોંધાવવા આવ્યો હતો. તેમ છતાં 41(1)ની કલમ લાગુ કરીને PSIએ જેલમાં પૂરી દેવાની ધમકી આપી હતી. PSI શોપના માલિકને આ કેસ પોતાના માનીતા વકીલને જ લડવા આપવા દબાણ કરતી હતી, જેની સાથે તેણે રૂ. 1.50 લાખની લાંચની માગણી કરી હતી.

સિટી પોલીસ મથકના PSIએ ધમકી આપતાં ગભરાયેલા વાઇન શોપના માલિકે ACBનો સંપર્ક કર્યો હતો, જેથી ACBએ છટકું ગોઠવ્યું હતું. જે દરમિયાન મહિલા પીએસઆઇ પટેલ વતી ભરત યાદવ નામનો વચેટીયો વકીલ ફરિયાદી પાસેથી દોઢ લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથે ઝડપાઇ ગયો હતો. મહિલા પીએસઆઇ વતી લાંચ લેતાં ઝડપાયેલા આરોપી ભરત યાદવની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, મુખ્ય આરોપી મહિલા પીએસઆઇ વાય. જે. પટેલ ફરાર છે. આથી એસીબીએ મુખ્ય આરોપી મહિલા PSIને ઝડપવા તપાસ તેજ કરી છે.

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી