September 27, 2020
September 27, 2020

“તું ઘરનું કામ સારું નથી કરતી..” તેમ કહી શેઠાણીએ નોકરાણી પર કર્યો ચાકુથી હુમલો..!!

શેઠાણી બની હેવાન..! નજીવી બાબતમાં નોકરાણી પર કર્યો ઘાતક હુમલો

અમદાવાદ શહેરના વાસણા ખાતે એક વિચિત્ર ઘટના સામે આવી છે. “તું ઘરનું કામ સારું નથી કરતી..” તેમ કહી શેઠાણીએ નોકરાણીને બેરહેમીથી માર મારી, ચાકુથી હુમલો કરી ઘરની બહાર કાઢી મૂકી હતી. ઇજાગ્રસ્ત નોકરીની હાલ હોસ્પિટલમાં સારવાર લઇ રહી છે. તો બીજી તરફ નોકરાણીની ફરિયાદ બાદ વાસણા પોલીસે શેઠાણી વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાની વિગત મુજબ, મૂળ બિહારના પટના જિલ્લાના દાનાપુરની રહેવાસી પ્રીતિકુમારી સુનિલકુમાર રામ (ઉં,25) વાસણાના જયદીપ ટાવરમાં રહેતાં શાંતનુ સિંઘના ફ્લેટમાં છેલ્લા ચાર વર્ષથી કામ કરે છે. શાંતનુ સિંઘની પત્ની કલ્યાણીદેવીએ ઘરકામ જેવી નજીવી બાબતમાં નોકરાણી પર ગુસ્સો ઠાલવ્યો હતો. એટલું જ નહીં શેઠાણીની ગુસ્સો સાતમા આસમાને પહોંચતા ટેબલ પર પડેલા ચાકુથી હુમલો કરી દીધો હતો.

પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ઘરકામ બાબતે ગુસ્સે ભરાયેલા શેઠાણી કલ્યાણીદેવીએ નોકરાણી પ્રીતિકુમારીને અપશબ્દો કહી ગડદાપાટુનો માર મારી માથામાં અને કમરના ભાગે ઈજાઓ કરી તેમ છતાં ગુસ્સો શાંત ના થતાં શેઠાણીએ ટેબલ પર પડેલું ચાકુ પ્રીતિકુમારીને માર્યુ હતું. જોકે નોકરાણીએ પોતાનો બચાવ કરવા ચપ્પુ હાથમાં પકડી લેતા ડાબા હાથની હથેળીમાં ઈજા પહોંચી હતી.

શેઠાણી કલ્યાણીદેવીએ, ‘તું ઘરનું કામ સારું નથી કરી રહી..’ કહીને નોકરાણી પ્રીતિકુમારી સાથે રકઝક કરી હતી. અને સામાન્ય એક નજીવી બાબતને લઇ શેઠાણી આક્રમક બની નોકરાણી પર તૂટી પડી હતી. જોકે ચાકુ લઈને હુમલો કરતાં પોતાનો જીવ બચાવવા પ્રીતિકુમારી હેમખેમ રીતે ત્યાંથી છટકી ગઈ હતી. પ્રીતિકુમારીને ઇજાગ્રસ્ત જોતા સ્થાનિક લોકોએ 108 બોલાવી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ હતી.

હાલ આ મામલે પોલીસે નોકરાણી પ્રીતિકુમારીનું નિવેદન લઇ આરોપી શેઠાણી કલ્યાણીદેવી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 93 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર