અમદાવાદ ડિવિઝન પર વિવિધ પેસેન્જર સુવિધાઓનું ઉદઘાટન, ભૂમિ પૂજન

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોના હિતમાં અનેક પગલાં લેવામાં આવી રહ્યાં છે અને સ્ટેશનો પર મુસાફરોની સુવિધાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદ ડિવિઝન પર મુસાફરોની સુવિધાઓને લગતા વિવિધ કામો પણ પ્રગતિમાં છે આ ક્રમમાં વિરમગામ, મહેસાણા, પાટણ, અમદાવાદ, હિંમતનગર, ગાંધીધામ અને પાલનપુર ખાતે વિવિધ પેસેન્જર સુવિધાઓ શરૂ કરવા માટે વીડિયો લિન્કના માધ્યમથી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

ડિવિઝનલ રેલવે મેનેજર દીપકકુમાર ઝાએ જણાવ્યું હતું કે, મંડલ પર મુસાફરોની સુવિધાઓના વિકાસમાં વૃદ્ધિ હેઠળ વિરમગામ સ્ટેશન પર માનનીય સાંસદ શ્રી મહેન્દ્ર મુંજપરા દ્વારા વીડિયો લિન્કના માધ્યમથી 81 મીટર લાંબા અને 4 મીટર પહોળા પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જે 9 મહિનામાં બનીને પૂર્ણ થયું અને લગભગ 3.80 કરોડ રૂપિયાનો ખર્ચ થયો. મહેસાણા સ્ટેશન પર વીડિયો લિન્કના માધ્યમથી માનનીય સાંસદ શ્રીમતી શારદાબેન પટેલે નવનિર્મિત રિફ્રેશમેંટ રૂમ, લેડીઝ વેઇટિંગ રૂમ, મહિલાઓ, પુરુષો અને દિવ્યાંગો માટે ટોઇલેટ બ્લોક, 4 લિફ્ટ અને બે એસ્કેલેટરનું શુભારંભ કરવામાં આવ્યું હતું.

માનનીય સાંસદ ભરતસિંહજી ડાભીએ પાટણ સ્ટેશન ખાતે નવી બુકિંગ ઓફિસ અને વેઇટિંગ હોલના ભૂમિ પૂજન કાર્યક્રમનો શુભારંભ વીડિયો લિન્ક ના માધ્યમથી કર્યો હતો. આ યાત્રી સુવિધાઓ લગભગ દોઢ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે, જે મુસાફરોને ટિકિટ બુકિંગ અને વેઇટિંગ હોલ જેવી સુવિધાઓ પ્રદાન કરશે.

અમદાવાદ સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 8 અને 9 ના સાબરમતી બાજુએ 93 લાખના ખર્ચે બનાવવામાં આવનાર તેવા બે નવા એસ્કેલેટરનું ભૂમિપૂજન માનનીય સાંસદ ડો. કિરીટભાઇ સોલંકી દ્વારા વીડિયો લિંક ના માધ્યમથી કરવામાં આવ્યું. આ બંને એસ્કેલેટર ની રચના થયા બાદ દર કલાકે 6,000 મુસાફરો આ સેવાનો લાભ લઈ શકશે. સરસપુર ખાતે નવનિર્મિત પાર્સલ ઓફિસનું ઉદઘાટન માનનીય સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ ધ્વારા વીડિયો લિન્ક ના માધ્યમથી કરવામાં આવ્યું હતું. જેમાં લગભગ 1.48 કરોડ રૂપિયા ખર્ચ થયો છે. આનાથી વેપારીઓ અને મુસાફરો માટે પાર્સલ બુકિંગમાં સરળતા રેહશે. હિંમતનગર સ્ટેશન ખાતે નવનિર્મિત ફૂટ ઓવર બ્રિજનો શુભારંભ માનનીય સાંસદ દિપસિંહ રાઠોડે વીડિયો લિન્ક મારફતે કર્યો હતો. જેના પર લગભગ એક કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ એફઓબી પ્લેટફોર્મ એક થી બે અને ત્રણ ગૂડ્સ પ્લેટફોર્મ સાથે જોડવા માટે કામ કરશે. તે લગભગ 53 મીટર લાંબી અને 7 મીટર પહોળી છે, જે ભવિષ્યની જરૂરિયાતો અનુસાર પર્યાપ્ત છે.

કચ્છના માનનીય સાંસદ વિનોદ ચાવડાએ કુકામા સ્ટેશનના વિસ્તૃત હાઇ લેવલ પ્લેટફોર્મ નંબર 1 અને તેના પર કવરશેડ ઉપરાંત ગાંધીધામ સ્ટેશન ખાતે નવનિર્મિત લિફ્ટનું વીડિયો લિન્ક દ્વારા ઉદઘાટન કર્યું હતું. પ્લેટફોર્મ વિસ્તરણ અને કવરશેડ પર લગભગ 3.19 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ પ્લેટફોર્મ 372 મીટર લાંબું અને 10 મીટર પહોળું છે અને તેમાં પીવાનું પાણી, બેસવાની સુવિધા અને શૌચાલયની સુવિધા ઉપલબ્ધ છે. પાલનપુર સ્ટેશન ખાતે નવી બુકિંગ અને રિઝર્વેશન ઓફિસનું ઉદઘાટન માનનીય સાંસદ પરબતભાઈ પટેલે વીડિયો લિન્કના માધ્યમથી કર્યું હતું, જેનો ખર્ચ લગભગ દોઢ કરોડ રૂપિયા થયો છે. અહીં પાંચ યુટીએસ અને ચાર રિઝર્વેશન કાઉન્ટર લગાવવામાં આવ્યા છે. ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેનું આયોજન કરવામાં આવ્યું છે.

માનનીય સાંસદોએ પોતાના ક્ષેત્રમાં નવસર્જજિત સુવિધાઓના કાર્યક્રમના લોકાર્પણ, શુભારંભ અને ભૂમિ પૂજન આયોજનના પ્રસંગે પશ્ચિમ રેલવેનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતે વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક રવિન્દ્ર શ્રીવાસ્તવે કાર્યક્રમમાં તેમની ગૌરવપૂર્ણ હાજરી બદલ માનનીય સાંસદોનો આભાર માન્યો હતો.

 47 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર