‘તારી પત્ની નહીં મળે..’ તેમ કહી પ્રેમીએ યુવકને મારી છરી, પતિને તડપતો મૂકી ભાગી ગઇ અર્ધાંગીની..

શહેરના ઇસનપુર ખાતે ચંડોળા તળાવ પાસેનો બનાવ

શહેરના ઇસનપુર વિસ્તારમાં ચંડોળા તળાવ પાસે પતિ, પત્ની ઔર વો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અડધી રાતે પતિને સૂતો મૂકી પત્ની પ્રેમી પાસે જતી રહી હતી. તો બીજી તરફ પત્નીને શોધતો શોધતો પતિ પ્રેમીના ઘરે આવી પહોંચ્યો હતો. આ દરમિયાન રકઝક થતાં પત્નીના પ્રેમીએ યુવકને છાતી પર છરી મારી ફરાર થઇ ગયો હતો. તો પત્ની પણ પતિને તડપતો મૂકી ભાગી ગઇ હતી. આ ઘટના બાદ ઇસનપુર પોલીસે ગુનો નોંધી વધુ તજવીજ હાથ ધરી છે.

વિગત મુજબ, ચંડોળા તળાવ પાસે રહેતો 32 વર્ષીય યુવક મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. સોમવારે રાત્રે જમી પરવારીને યુવક તેની પત્ની સાથે સુઈ ગયો હતો. બાદમાં એકાદ વાગ્યે ઉઠીને જોયું તો તેની પત્ની ઘરમાં જણાઈ આવી નહોતી. જેથી આ યુવક તેને શોધવા નીકળ્યો હતો. મહોલ્લામાં તપાસ કરી તો પત્ની મળી આવી નહોતી.

બાદમાં યુવકને શંકા ગઈ કે તેની પત્નીને એકાદ વર્ષથી દાણીલીમડામાં રહેતા અફઝલ શેખ સાથે આડા સંબંધ હોવાથી ત્યાં ગઈ હશે. જેથી ત્યાં જઈને તપાસ કરી તો પ્રેમી અફઝલના ત્યાં યુવકને તેની પત્ની મળી આવી હતી. યુવક તેની પત્નીને લઈને જતો હતો. ત્યાં આ અફઝલ રોડ પર આવ્યો અને યુવક સાથે બબાલ કરવા લાગ્યો હતો. ‘તારી પત્ની ક્યાંય નહીં જાય તેને નહીં લઈ જવા દવું, મારી સાથે જ રહેશે’ તેમ કહી બબાલ કરી યુવકને અફઝલે છરીનો ઘા છાતીમાં મારી દીધો હતો.

શરીરના અન્ય ભાગે પણ યુવકને છરીના ઘા વાગી જતા લોહી લુહાણ હાલતમાં પડ્યો હતો. ત્યાં યુવકની પત્ની તેને આ હાલતમાં મૂકી પ્રેમી અફઝલ સાથે જતી રહી હતી. યુવકે જાતે જ 108 ને ફોન કરતા તેને એલ.જીમાં સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં તેની પોલીસે ફરિયાદ નોંધી અફઝલની શોધખોળ હાથ ધરી છે.

 66 ,  1