સાબર ડેરી : પશુઓનો આયુર્વેદિક પદ્ધતિથી ઉપચાર શરૂ કરાતાં દૂધની ગુણવત્તામાં વધારો

એનડીડીબીના સહયોગથી સાબરડેરી દ્વારા સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના દૂધાળા પશુઓ માટે એલોપેથી સારવારની સાથે સાથે આયુર્વેદિક ચિકિત્સા પધ્ધતિ ચારેક માસથી પ્રાયોગિક ધોરણે અપનાવાતા સારા પરિણામો જોવા મળ્યા છે. આયુર્વેદિક ઉપચાર પધ્ધતિથી દૂધાળા પશુઓના દૂધની ગુણવત્તામાં પણ વધારો થવાની સંભાવનાઓ અમે જોઇ રહ્યા છીએ તેમ સાબરડેરીના ચેરમેન મહેશભાઇ પટેલે જણાવ્યુ હતું.

એલોપેથી દવાઓના વિવિધ ઘટક પશુઓના શરીરમાં પ્રવેશ્યા બાદ તેના કેટલાક તત્વો દૂધમાં પણ આવે છે અને દૂધની ગુણવત્તા જળવાતી નથી. તેથી એનડીડીબીના સહયોગથી સાબરડેરી દ્વારા પહેલ કરી પશુઓનો આયુર્વેદિક ચિકિત્સા પધ્ધતિથી ઉપચાર શરૂ કરાયો છે.

પશુઓને મોટાભાગે થતી બિમારીઓ જેમાં આંચળની બિમારી, ખરવા-મોવાસા, તાવની બિમારી, ઝાડાની બિમારી સહિતના રોગમાં ઘરઘથ્થુ ઉપચારમાં વપરાતા લસણ, જીરૂ, અજમો, કુવારપાઠુ, કડીચૂનો, હીંગ, ખસખસ, મરીયા, મીઠો-કડવો લીંમડો, સરગવાના પાન વગેરેની રોગ પ્રમાણે પેસ્ટ બનાવી ઉપયોગ થઇ રહ્યો છે અને તેના સારા પરિણામ મળ્યા છે.

ડેરીના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ૩૬,૪૦૭ વિઝીટનો સરેરાશ ઘટાડો થયો છે અને એન્ટીબાયોટીક દવાઓમાં પણ ૨૫ થી ૩૦ ટકાનો ઘટાડો થયો છે.

રોગ પ્રતિકારક શકિત વધે છે…

સાબરડેરીના ચેરમેન મહેશભાઇ પટેલે જણાવ્યુ હતું કે એલોપેથી સારવારથી પશુઓની રોગ પ્રતિકારક શકિત ઘટી જાય છે અને દવાઓના ઘટકો લાંબા સમય સુધી દૂધની અંદર આવતા રહે છે. જેના કારણે દૂધની ગુણવત્તા પર પણ અસર થાય છે. આયુર્વેદિક ઉપચાર પધ્ધતિમાં વપરાતા ઘટકોથી ખૂબ જ ઝડપી અને સારા પરિણામ મળવાની સાથે પશુઓની રોગ પ્રતિકારક શકિત પણ વધે છે અને તેથી દૂધની ગુણવત્તામાં પણ વધારો થવાની શકયતા અમે જોઇ રહ્યા છીએ તેમ જણાવ્યુ હતું.

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી