અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ગૃહની કાર્યવાહીમાંથી એક દિવસ માટે સસ્પેન્ડ

અનુમતિ વગર બોલવાના મામલે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કર્યા સસ્પેન્ડ

એક માર્ચથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે રોજબરોજની ગૃહની કાર્યવાહી દરમિયાન વિવિધ વિભાગોની માંગણીઓ પર ચર્ચા થતી હોય છે. ત્યારે શુક્રવારે ચર્ચા દરમિયાન મંત્રીના જવાબ દરમિયાન અવરોધ ઉભો કરવા બદલ અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને એક દિવસ માટે ગૃહની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

બનાસકાંઠાની વડગામ બેઠકના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને શુક્રવારે વિધાનસભામાં ચાલી રહેલ કાર્યવાહીમાંથી એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ગુજરાત વિધાનસભામાં ગેલેરીમાં ઉંચે બેસતા અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની પૂર્વ મંજુરી લીધા વિના જ ઘોઘામાં થયેલ દલિત વ્યક્તિની હત્યાના કેસમાં તત્કાલીન PSIની ધરપકડ કેમ કરવામાં આવતી નથી? ગૃહમંત્રી કોને બચાવે છે? PSIની ધરપકડ કરે એમ એકની એક વાતનું ઉચ્ચારણ ચાલુ રાખ્યુ હતું. જે દરમિયાન અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ વારંવાર ટોક્યા બાદ પણ બોલવાનું ચાલુ રાખતા મેવાણીને સાર્જન્ટ મારફતે બહાર લઇ જવા આદેશ કર્યો હતો.

ગુરુવારે પણ જિગ્નેશ મેવાણીએ ભાવનગરના સાણોદર ગામમાં દલિત આરટીઆઇ કાર્યકરની હત્યાના આરોપી એવા પોલીસ સબ ઇંસ્પેક્ટરની ધરપકડની માંગ કરી હતી. મેવાણીએ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પાસે જવાબ માંગ્યો હતો કે કેમ સબ ઈન્સ્પેક્ટરની ધરપકડ કરવામાં આવી નથી. આ જ મુદ્દે મેવાણીને ગુરુવારે પણ વિધાનસભાની કાર્યવાહીમાંથી પણ બહાર કરવામાં આવ્યા હતા.

અત્રે એ ઉલ્લેખનીય છે કે 28 ફેબ્રુઆરીએ યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ ૨ માર્ચના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. તે દિવસે વિજયી બનેલા ઉમેદવાર દ્વારા નીકાળવામાં આવેલ વિજય સરધસ દરમિયાન સાણોદર ગામમાં એક આરટીઆઈ કાર્યકરની હત્યા કરવામાં આવી હતી. જેના પડઘા સમગ્ર ગુજરાતમાં પણ પડયા હતા.

 84 ,  1