September 18, 2021
September 18, 2021

ભારત મુશ્કેલીમાં, અને આ બે રાજ્યો આવુ કરે..? વેરી બેડ…વેરી બેડ..!

બે દુશ્મન દેશો બાઝે તેમ આસામ-મિઝોરામ બાખડ્યા..

મિઝો સાંસદ ઉવાચ-અમે તો બધાને મારી નાંખીશું…!

નદીનું પાણી-જમીનની માપણી અને નેતાઓની અવળ વાણી..!

દિવ-દમણ અને માઉન્ટ આબુ ગુજરાતમાં હોત તો..

જબરો વિવાદ-મારા ઘરે બેસીને પીવા દો…!

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

મિઝો એટલે ભારતના પૂર્વોત્તરમાં આસામ નજીકના એક રાજ્યમાં રહેતી એક જાતિનું નામ અને રોમ કે રમ એટલે જમીન,. મિઝોરમ એટલે મિઝો જાતિની જમીન. કુલ 21,081 ચો.કિ.મી.માં ફેલાયેલા આ પહાડી રાજ્યની વસ્તી માત્ર 15 લાખની જ છે. લોકો અલગ થલગ પહાડી વિસ્તારોમાં વસે છે, લોકસભામાં તેનાી એક જ બેઠક છે. વિધાનસભાની બેઠકો માત્ર 40 છે. હરવા ફરવા માટે મિઝોારમ પર્યટનની રીતે આકર્ષણ ધરાવે છે. મૂળ મિઝો જાતિના ચહેરા મોહરા સહેજ મોંગોલિયન પ્રકારના કહી શકાય અને તેમનું બામ્બુ ડાન્સ પ્રખ્યાત છે. પરંતુ હાલમાં જ મિઝોરામના લોકોએ આસામ સીમાએ હાથમાં બામ્બુની સાથે ઘાતક અને તિક્ષ્ણ હથિયારો સાથે હલ્લો મચાવીને આસામના પાંચ કરતાં વધુ પોલીસકર્મીઓની ધોળા દિવસે હત્યા કરી નાંખી…!
મિઝોરામના એક માત્ર સાંસદ વાનલાલવેન છે. જમીન વિવાદ મામલે આસામ સાથે સર્જાયેલી હિંસક ઘટનાના સંદર્ભમાં તેમણે બોલ્યા- ઘટનાના દિવસે આસામની 200 પોલીસ અમારા રાજ્યમા ઘૂસી આવી. તેમણે સૌથી પહેલા ફાયરિંગ કર્યું. તેઓ નશીબદાર છે કે અમે તેમને માર્યા નહીં. જો તેઓ ફરી આવશે તો અમે બધાને મારી નાંખીશું..!

ભારત પાકિસ્તાનના સીમા વિવાદની જેમ અંગ્રેજો આ બે રાજ્યોમાં પણ સીમા વિવાદ મૂકતા ગયા હોય તેમ માત્ર 160 કિ.મી.ના વિસ્તાર માટે ભારતના બે દેશોની વચ્ચે બે દુશ્મન દેશોની જેમ સામસામે ગોળીબાર, હિંસા મારો-કાપો જેવા દ્રશ્યો સર્જાયા.પરિણામ..? આસામના પોલીસ કર્મીઓ માર્યા ગયા. મામલો એટલો હિંસક બન્યો કે એ સ્થળ સીઆરપીએફની ટુકડીઓ તૈનાત કરવી પડી છે. આ ઘટના પછી આસામ સરકારે કોઇ દેશની જેમ એડવાઇઝરી બહાર પાડીને આસામીઓને કહ્યું છે કે તેઓ મિઝોરામની મુલાકાત ના લે ત્યાં તેમની સુરક્ષાની જવાબદારી અમે લઇ શકીએ તેમ નથી..! આસામ પોલીસનો દાવો છે કે મિઝોરામમાં માત્ર પોલીસ જ નહીં પણ ત્યાંના નાગરિકો પણ ઓટોમેટિક ગન સાથે સુસજ્જ થઇને આસામ સામે તાકીને બેઠા છે..!

ભારતમાં નદીઓના પાણીને લઇને રાજ્યો વચ્ચે વિવાદ થાય છે, જમીન સીમાને લઇને વિવાદ થાય છે, યે તેરા યે મેરા..ની જેમ ઘર્ષણ થાય છે અને હજુ એવુ જ ચાલી રહ્યું છે. ગુજરાતે પણ જો કે નર્મદાના પાણીને લઇ મધ્યપ્રદેશ સાથે શાંતિથી કામ લીધુ હતુ અને લવાદ મારફતે સુખદ ઉકેલ આવ્યો તે પછી ડેમનું કામ શરૂ થઇ શક્યુ હતું. હાં, એટલુ ખરૂ કે ભાષાકીય રીતે અલગ ગુજરાત માટે ગુજરાતીઓને 4 વર્ષ સંઘર્ષ કરવો પડ્યો જે મહાગુજરાત ચળવળના નામે ઓળખાય છે. અલગ ગુજરાતમાં દીવ-દમણ અને માઉન્ટ આબુ ના મળ્યાં…! મળ્યા હોત તો…? આજની જેમ દીવ-દમણ અને માઉન્ટ આબુમાં બારમાં જઇને ટેસથી બે ઘૂંટડા પી શક્યા હોત…?1600 કિ.મી. લાંબા દરિયા કિનારે આ બે ઘૂંટડા જ ખૂટે છે…! જો તેની મંજૂરી અપાય તો દિવ-દમણ અને માઉન્ટ આબુમાં તાળા લાગી જાય…! સૌરાષ્ટ્ર માટે તો સમૃધ્ધિના દ્વાર ખુલી જાય…!

સૌરાષ્ટ્રથી યાદ આવ્યું થોડાક વર્ષેો પહેલાં ગુજરાતમાં અલગ સૌરાષ્ટ્રની માંગણી માટે આંદોલનો થતાં હતા…એ આજની પેઢીને કદાજ એ ખબર નહીં હોય. અમારી સાથે ગાંધીનગરથી અન્યાય થાહે હૈ…એમ કહીને ગુજરાતથી અલગ થવાની વાતુ થતી હતી. પણ એવી માંગણીને હવા નો જ મળવી જોઇએ..કેટલાક આદિવાસી નેતાઓ વળી અલગ ભીલીસ્તાનની માંગણી ચૂંટણીઓ આવે એટલે કરતાં હોય છે. ચૂંટણી પૂરી થાય એટલે ભીલીસ્તાનને ભૂલીને માળિયામાં મૂકી દે..!

ચીન ભારતના અરૂણાચલપ્રદેશ પર દાવો કરે છે, નેપાળે ચીનના ઇશારે ભારતના નજીકના વિસ્તારો પર દાવા કર્યા હતા…મહારાષ્ટ્ર-કર્ણાટક વચ્ચે જમીન વિસ્તારને લઇને વિવાદ છે, કાવેરી નદીના જળપ્રવાહને લઇને કર્ણાટક અને તામિલનાડુ વચ્ચે વિવાદ ચાલે છે..ગોદાવરી નદીના જળ પ્રવાહને લઇને પાંચ રાજ્યો વચ્ચે વિવાદ સર્જાયો હતો..લદાખ, હિમાચલપ્રદેશમાં પણ જમીન સીમાને લઇને વિવાદ છે તો ગુજરાતમા ઘરમાં બેસીને દારૂ પીવાની માંગણીનો નવો વિવાદ કોર્ટના દ્વારે છે…!

આસામ અને મિઝોરામ એક જ દેશના બે રાજ્યો છતાં બે અલગ અલગ દેશોની જેમ સામ સામે બંદૂકો લઇને તનાતની કરે તે જોઇને દુશ્મન દેશોમાં ભારત હાંસીને પાત્ર ઠરે, એ આ બે રાજ્યોની સરકારોએ વિચારવુ જોઇએ..ભલે એ વિવાદી વિસ્તારો બીજા રાજ્યમાં રહે એ રાજ્ય પણ આપણું જ છે ને…એમ બન્ને વિવાદી રાજ્યોએ મોટુ મન રાખીને પડતુ મૂકવુ જોઇએ…! નહીંતર હિંસાનો માર્ગ ખુલ્લો જ છે…થાકી જાય ત્યાં સુધી બાઝો..આખડો…લડો…ધાંય…ધાંય…ધૂમ ધડાકા અને પછી…? ખાયાપિયા કુછ નહીં ગિલાસ તોડા બારહ આને…! સાવન કો આને દો..બિહુલા..મધુશ્રાવણી ત્યૌહાર આવત હૈ..

 19 ,  1