સતત 7મી વાર ભારતે પાક.ને હરાવ્યું, માન્ચેસ્ટર ગ્રાઉન્ડ પર ભારતની રનસ્ટ્રાઇક

વર્લ્ડ કપ ખાતે રમાયેલી ભારત અને પાકિસ્તાનની મેચમાં ભારતે ઈતિહાસનું પુનરાવર્તન કરવાની સાથે પાકિસ્તાનને ૮૯ રને પરાજય આપ્યો હતો. રનના માર્જિનના હિસાબે વર્લ્ડકપમાં આ ભારતની પાક. વિરુદ્ધ સૌથી મોટી જીત છે. આ પહેલા 2015માં એડિલેડ ખાતે 76 રને મેચ જીતી હતી. ટીમ ઇન્ડિયાએ વર્લ્ડકપમાં પાકિસ્તાનને સતત સાતમી વાર હરાવ્યું હતું. 1992થી બંને ટીમ વર્લ્ડકપમાં એક બીજા સામે રમી રહી છે, આજ સુધી ભારત ક્યારેય હાર્યું નથી. ભારતે પ્રથમ બેટિંગ કરતા રોહિત શર્માના 140 રન થકી 336 રન કર્યા હતા. તે મેન ઓફ ધ મેચ બન્યો હતો.

ભારતીય ઓપનિંગ જોડીએ કરેલી ભાગીદારી જેટલા રન પણ પાકિસ્તાનની અડધી ટીમ કરી શકી નહોતી. વારંવાર વરસાદના કારણે મેચ અટકી જતી હતી. વરસાદના વિઘ્ન વચ્ચે ભારતીય બેટ્સમેનો પાકિસ્તાની બોલર્સ ઉપર ત્રાટક્યા હતા.

ડકવર્થ લુઈસ પ્રમાણે 40 ઓવરમાં 302 રન ચેઝ કરતાં પાકિસ્તાનની ટીમ 40 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 212 રન જ કરી શકી હતી. પાકિસ્તાન માટે બાબર આઝમ અને ફકર ઝમાને શાનદાર બેટિંગ કરતા બીજી વિકેટ માટે 114 રનની ભાગીદારી કરી હતી. જોકે તે જોડી તૂટતાં જ પાક. નો ધબડકો થયો હતો અને તેમણે 12 રનમાં 4 વિકેટ ગુમાવી હતી. ઝમાને 75 બોલમાં 62 રન અને આઝમે 57 બોલમાં 48 રન કર્યા હતા. તે બંને કુલદીપ યાદવની બોલિંગમાં આઉટ થયા હતા. તે પછી હાર્દિકે અનુભવી મોહમ્મદ હાફિઝ અને શોએબ મલિકને પેવેલિયન ભેગા કરતા મેચમાં માત્ર ફોર્માલિટી બાકી રહી હતી.

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી