September 19, 2021
September 19, 2021

ઈંગ્લેન્ડના કપ્તાન જો રૂટ સામે ભારતીય બોલર્સ ઘૂંટણીએ પડી ગયા, સદીની હેટ્રિક

ઈંગ્લેન્ડને જંગી સરસાઈ, ભારતને હારથી ચમત્કાર જ બચાવી શકશે

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનો કપ્તાન જો રૂટ હાલમાં શાનદાર ફોર્મમાં છે. તેણે ભારત વિરુદ્ધ પાંચ ટેસ્ટ મેચની સીરિઝમાં સળંગ ત્રીજી મેચમાં સેન્ચુરી ફટકારી છે. લીડ્સમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના પ્રથમ દાવમાં તેણે સદી ફટકારી જે તેની 23મી ટેસ્ટ સદી છે. આ સાથે જ તેણે કેટલાક ખાસ રેકોર્ડ્સ પણ પોતાના નામે કર્યા છે. જો રૂટ સામે ભારતીય બોલર્સ લાચાર જોવા મળ્યા હતા. લોર્ડ્સમાં ભારતે વિજય નોંધાવ્યો હતો તે મેચમાં પણ જો રૂટ ભારત માટે માથાનો દુખાવો બન્યો હતો.

તેણે ઈનિંગ્સની 104મી ઓવર કરી રહેલા ઈશાન્ત શર્માના બીજા બોલ પર ચોગ્ગો ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી અને 121 રન કરીને બુમરાહનો શિકાર બન્યો હતો. નોટ્ટિંગહામમાં પ્રથમ ટેસ્ટના બીજા દાવમાં 109 રન ફટકાર્યા હતા અને લોર્ડ્સ ટેસ્ટના પ્રથમ દાવમાં 180 રનની યાદગાર ઈનિંગ્સ રમી હતી જ્યારે ત્રીજી ટેસ્ટમાં જો રૂટે ભારત વિરુદ્ધ સળંગ ત્રીજી સદી ફટકારી છે.

ઈંગ્લેન્ડે લીડ્સમાં ભારત વિરુદ્ધ રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ ક્રિકેટ મેચમાં પોતાની પકડ મજબૂત બનાવી દીધી છે. મેચના બીજા દિવસે ઈંગ્લેન્ડે શાનદાર બેટિંગ પ્રદર્શન કરતા વિરાટ કોહલીની ટીમ સામે 345 રનની જંગી સરસાઈ મેળવી લીધી છે. ભારતના પ્રથમ દાવને 78 રનમાં સમેટી લીધા બાદ ઈંગ્લેન્ડે ગુરૂવારે બીજા દિવસના અંતે તેના પ્રથમ દાવમાં 8 વિકેટે 423 રન નોંધાવ્યા છે. ક્રેગ ઓવરટન 24 અને ઓલિ રોબિનસન ખાતું ખોલાવ્યા વગર ક્રિઝ પર છે.

 59 ,  1