યુનોના મહામંત્રીએ ભારતની કોરોના રસીની ઉત્પાદન ક્ષમતાને બિરદાવી

 દુનિયાભરમાં રસીકરણના કાર્યમાં ભારતની ભૂમિકા મહત્ત્વની બની : એન્ટોનિયો ગુતારેસ

કોરોના મહામારી વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુતારેસે ગુરુવારે ભારતના ખુબ વખાણ કર્યા. તેમણે કહ્યું કે ભારતે ગ્લોબલ વેક્સિનેશન અભિયાનમાં મહત્વની ભૂમિકા ભજવવી જોઈએ. યુએન ચીફે ભારતની વેક્સિન નિર્માણ ક્ષમતાના વખાણ કરતા કહ્યું કે આજે તે દુનિયા માટે ‘સૌથી મોટી અસ્કયામત છે.

યુનોના મહામંત્રીએ ભારતની કોરોના રસીની ઉત્પાદન ક્ષમતાને બિરદાવતા કહ્યું હતું કે ભારતની કોરોના રસી વિશ્વની સૌથી શ્રેષ્ઠ સંપત્તિ હતી. તેમણે કહ્યું કે સમગ્ર વિશ્વ આ રસીનો ભરપુર ઉપયોગ કરશે એવી મને આશા છે. ‘કોરોનાની રસીની બાબતમાં ભારત મહત્ત્વનું પ્રદાન કરશે એવી મને આશા છે. ભારત પાસે બધી જાતની સાધનસામગ્રી છે અને દુનિયાભરમાં રસીકરણના કાર્યમાં ભારતની ભૂમિકા મહત્ત્વની બની રહેશે. ભારતના પ્રયાસોથી વૈશ્વિક રસીકરણનો કાર્યક્રમ સફળ થશે.’

ભારતે પાડોશી દેશોને રસીના લાખો ડૉઝ આપ્યા છે એવા સમયે ગુતારેસના આ શબ્દો મહત્ત્વના બની રહે છે. પાડોશી દેશો ઉપરાંત ભારતે ઓમાન, નિકારાગુઓ, પેસિફિક આયલેન્ડ સ્ટેટ્સ અને CARICOM દેશોને પણ કોરોનાની રસી આપવાનો કાર્યક્રમ બનાવ્યો છે.

ભારતમાં પૂણેની સીરમ ઇન્સ્ટીટ્યુટ અને ભારત બાયોટેકે વિરાટ પાયા પર કોરોનાની રસી બનાવવાનો મહત્ત્વાકાંક્ષી કાર્યક્રમ અમલમાં મૂક્યો હતો. એક તરફ દેશમાં વિવિધ રાજ્યોમાં રસીકરણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે બીજી બાજુ પાડોશી દેશો અને અન્ય રાષ્ટ્રોને પણ કોરોનાની રસી આપવાનો કાર્યક્રમ ભારતે ઘડ્યો હતો. યુનોએ આ માનવતાવાદી કાર્યક્રમની નોંધ લીધી હતી અને યુનોના મહામંત્રી એન્ટોનિયો ગુતારેસે આ કાર્યક્રમની પ્રશંસા કરી હતી.

દેશમાં અત્યાર સુધીમાં કુલ 23 લાખ 28 હજારથી વધુ લોકોને અપાઈ રસી

દેશમાં અત્યાર સુધીમાં કુલ 23 લાખ 28 હજારથી વધુ લોકોને કોવિડ રસી આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં 13 હજારથી વધુ દર્દીઓ સાજા થતાં સાજા થવાનો દર 96.91 ટકા પર પહોંચી ગયો છે. મંત્રાલયે કહ્યું કે આ રોગમાંથી એક કરોડ ત્રણ લાખ 72 હજારથી વધુ દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. કોવિડનાં સક્રિય કેસ દેશમાં સતત ઘટતા રહ્યા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 70 હજાર 856 છે જે કુલ સકારાત્મક કેસોનાં માત્ર 1.65 ટકા છે.

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, દેશભરમાં છેલ્લા 24 કલાક દરમિયાન 123 લોકોનાં મોત થતા કુલ મૃત્યુઆંક એક લાખ 53 હજાર 885 થયો છે. ભારતીય તબીબી સંશોધન પરિષદે જણાવ્યું છે કે વિવિધ પ્રયોગશાળાઓએ છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસનાં નમૂનાઓનાં સાડા પાંચ લાખથી વધુ પરીક્ષણો કર્યા છે અને દેશમાં અત્યાર સુધીમાં 19 કરોડ 36 લાખથી વધુ પરીક્ષણો કરવામાં આવ્યા છે.

 44 ,  1