નો-બોલના હાઈ ડ્રામા બાદ ભારતની મહિલા ટીમનો ઓસ્ટ્રેલિયા સામે પરાજય

ખેલાડીઓએ ઉજવણી શરુ કરી, અમ્પાયરે નોબોલ જાહેર કરતાં મેચમાં આવ્યો ટ્વિસ્ટ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયામાં સામે બીજી મેચ પણ ગુમાવી દીધી છે. ઝુલન ગોસ્વામીએ નાંખેલા મેચનો આખરી બોલ થર્ડ અમ્પાયરે હાઈટના કારણે ‘નો-બોલ’ જાહેર કરતાં સર્જાયેલા હાઈડ્રામા બાદ આખરે ભારતની મહિલા ટીમને ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીની બીજી વન ડેમાં પાંચ વિકેટથી હારનો સામનો કરવો પડયો હતો. ઓસ્ટ્રેલિયાને છેલ્લા બોલે ત્રણ રન કરવાના હતા, ત્યારે ઝુલન ગોસ્વામીએ નાંખેલા બોલ પર નિકોલા કારેયે સ્ટ્રોક ફટકારવાના પ્રયાસમાં કેચ ઉછાળ્યો હતો અને તે કેચ મીડવિકેટ પર ઝડપી લીધા બાદ ભારતીય ખેલાડીઓએ ઉજવણી શરૃ કરી દીધી હતી. જોકે થર્ડ અમ્પાયરે તેને નોબોલ જાહેર કરતાં મેચમાં ટ્વિસ્ટ આવ્યો હતો. જે પછીના ફ્રિહિટ બોલ પર કારેયે બે રન લેતા ટીમને જીત અપાવી હતી.

ઓસ્ટ્રેલિયાએ આ સાથે સળંગ ૨૬મી મેચ જીતી લીધી હતી. જ્યારે ભારતે ઓસ્ટ્રેલિયાની સળંગ ૨૫ વિજયની કૂચને અટકાવવાની ગોલ્ડન તક ગુમાવી હતી. ભારત સામે ૨૭૫ના ટાર્ગેટનો પીછો કરતાં ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમનો સ્કોર એક તબક્કે ચાર વિકેટે ૫૨ થઈ જતાં ભારતની જીતની આશા જન્મી હતી. જોકે કંગાળ ફિલ્ડિંગ તેમજ આખરી ઓવરમાં ઝુલનના બે નોબોલ બાદ ભારત હાર્યું હતુ.

 57 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી