હથિયાર સાથે ઝડપાયો કુખ્યાત ‘રઘુ’, પોલીસને કહ્યું- શોખ માટે રાખું છું પિસ્તોલ..

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે પિસ્તોલ તથા કારતૂસ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી

રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગેરકાયદેસર પિસ્તોલ તથા કારતૂસ સાથે રઘુભાઈ ધારાભાઈ ભરવાડ નામના વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ જ્યારે પૂછપરછ કરી ત્યારે આરોપીએ બિન્દાસ જણાવ્યું હતું કે, હથિયાર રાખવાનો શોખ હોવાને કારણે તેણે પોતાની પાસે પિસ્તોલ રાખી છે. પોલીસે આ મામલે આરોપીને પૂછપરછ શરૂ કરી છે. આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાની માહિતી પણ પોલીસ તપાસમાં ખુલવા પામી છે.

મળતી વિગત મુજબ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.વી.રબારી અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સાથેના કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ જાડેજા અને ધર્મેન્દ્રસિંહ ઝાલાને મળેલી ચોક્કસ બાતમીના આધારે કુવાડવા રોડ પાસે ડી માર્ટ નજીક મારૂતિનગર મેઈન રોડ પર વોચ ગોઠવી હતી. જે દરમિયાન નામચીન રઘુ ધારા ભરવાડ(ઉ.વ.42, રહે. મારુતિનગર મેઈન રોડ)ને રૂ.10 હજારની કિંમતની એક પિસ્ટલ રૂ.200ની કિંમતના બે કાર્ટીસ સાથે ઝડપી લીધો હતો.

આરોપીની પૂછપરછમાં પોતે જણાવ્યું હતું કે, તેમણે શોખ ખાતર પિસ્ટલ સાથે રાખી હતી. આ હથિયાર ક્યાંથી લાવ્યો હતો તેની વધુ તપાસ ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે.

રઘુ ભરવાડ અગાઉ પણ પોલીસ ચોપડે ચડી ગયેલ છે તેમના વિરુદ્ધ બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં, ચોટીલા પોલીસ સ્ટેશનમાં, અને થાન પોલીસ સ્ટેશનમાં જુગાર અને રાજકોટમાં જાહેરનામા ભંગનો કેસ નોંધાયો છે.

 48 ,  1