વડોદરા : વિધર્મી યુવાને હિન્દુ યુવતી સાથે દુષ્કર્મ આચરી સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ

મુસ્લીમ યુવકે ખ્રીસ્તી હોવાનું જણાવી હિન્દુ યુવતિને ફસાવી

બળજબરી પુર્વક સંબંધ બાંધી તેની સાથે નિકાહ પઢ્યા

ગુજરાતમાં લોભ-લાલચ,બળજબરી પૂર્વક કોઇ વ્યક્તિને ધર્મ પરિવર્તન કરાવાય નહીં. આવી પ્રવૃતિ પર રોક લાગે તે માટે રાજ્ય સરકારે ગત ચોમાસુ વિધાનસભામાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય( સુધારા) અધિનિયમ-2003 રજૂ કરાયુ હતું અને સીએમ રૂપાણીએ કાયદો 15 જૂનથી લાગું કરવા જાહેરાત કરી હતી. ત્યારે કાયદો લાગુ થયા બાદ વડોદરામાં પહેલો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મુસ્લીમ યુવકે ખ્રીસ્તી હોવાનું જણાવી મિત્રતા બાંધી હિન્દુ યુવતિ સાથે બળજબરી પુર્વક સંબંધ બાંધી તેની સાથે નિકાહ પઢ્યા હતા. ત્યારે આ મામલે પોલીસે આરોપી સમીર અબ્દુલ કુરેશીની ધરપકડ કરી છે.

મળતી વિગત મુજબ ગુજરાતમાં યુવતીઓને વિધર્મી યુવાનો દ્વારા પ્રેમજાળમાં ફસાવી ધર્માંતરણ કરવાના કિસ્સાઓમાં વધારો નોંધાતા કાયદો બનાવવાની માંગ ઉઠી હતી. જેથી રાજ્ય સરકારે ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારા અધિનિયમ 2021નો કાયદો ઘડ્યો હતો અને 15 જુનથી લાગુ કરવામાં આવ્યો હતો. નવો કાયદો લાગુ કરાયાના ત્રણ દિવસમાં જ વડોદરામાં પ્રથમ કેસ નોંધાયો છે. આ અંગે વડોદરા ડીસીપી ઝોન 2 જયરાજસિંહ વાળાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, વડોદરામાં રહેતા મુસ્લીમ યુવાન સમીર અબ્દુલ કુરેશીએ ખ્રીસ્તી નામ માર્ટીન સેમ ધારણ કરીને હિંદુ યુવતિ સાથે મિત્રતા બાંધી હતી.

અને પોતે તેની સાથે લગ્ન કરશે તેવું જણાવી વિશ્વાસ કેળવીને દબાણ કરીને યુવતિ સાથે બળજબરી પુર્વક શારિરીક સંબંધ બાંધ્યો હતા. ત્યાર બાદ મુળ મુસ્લીમ યુવાને યુવતિ સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યું હતું. અને યુવતિની જાણ બહાર તેના નગ્ન ફોટા પણ પાડી લીધા હતા. નગ્ન ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપીને મરજી વિરૂદ્ધ શારીરીક સંબંધ બાંધ્યા હતા, આ દરમિયાન યુવતિ બે વખત ગર્ભવતી પણ થઇ હતી. યુવતિને પ્રથમ વખત બે માસનો ગર્ભ રહી જતા મેડીકલ સ્ટોરમાંથી તેની દવા લાવીને તેની મરજી વિરૂદ્ધ ગર્ભપાત કરાવ્યો હતો.

ત્યાર બાદ ફરી એક વખત યુવતિને પાંચ માસનો ગર્ભ રહી જતા ડોક્ટર પાસે યુવતિની મરજી વિરૂદ્ધ ગર્ભપાત કરાવ્યો હતો. આ ઘટના બાદ મુળ મુસ્લિમ યુવકે યુવતિને કલ્યાણનગર ગોસીયા મસ્જીદ ખાતે લઇ જઇ યુવતિનું હિંદુ નામ રાખવાને બદલે તેનું મુસ્લિમ નામ રાખીને બળજબરી પુર્વક નિકાહ પઢ્યા હતા. અને યુવતિનું ધર્મપરિવર્તન કરાવ્યું હતું. ત્યાર બાદ યુવતિને મુસ્લિમ ધર્મ પાળવા માટે દબાણ કરવામાં આવતું હતું તેમજ બળજબરીથી મેરેજ રજીસ્ટર્ડ કરાવ્યું હતું. લગ્નજીવન દરમિયાન યુવતી સાથે મારકુટ કરી, જાતીવિષયક અપશબ્દો કહી સાસરિયા પક્ષના સભ્યોએ જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.

અને ’તું મુસ્લિમ માટે જ બની છો’ તેમ કહીં ત્રાસ ગુજાર્યો હતો. અંતે ત્રાસ સહન કરતી યુવતી પોલીસ સ્ટેશને પહોંચી હતી અને પોતાની ફરિયાદ નોંધાવી હતી. વડોદરાના ગોત્રી પોલીસે યુવક સામે બળાત્કાર તથા એટ્રોસીટી એક્ટ અને ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનીયમ 2021 ની કલમો અંતર્ગત ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગેની વધુ તપાસ એસીપી એસસીએસટી સેલ દ્વારા હાથ ધરવામાં આવી છે.

 105 ,  3