મોટાને બદલે નાનો ભાઇ આપી રહ્યો હતો ધો.10ની પરીક્ષા, ફરિયાદ દાખલ કરાઈ

હાલ રાજ્યમાં બોર્ડની પરીક્ષા ચાલુ થઇ ગઇ છે. ધોરણ 12 અને ધોરણ 10 પરીક્ષાઓને લઇને રાજ્યભરમાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહની લાગણી પ્રવર્તિ રહી છે, તો શિક્ષણ બોર્ડ દ્વારા પણ તમામ તૈયારીઓ અને ગેરરીતિ અટકાવવા સજ્જ છે. એવામાં મંગળવારે એક જ દિવસમાં બે જિલ્લામાંથી બે ડમી વિદ્યાર્થી ઝડપાતા ચર્ચા જાગી છે. જેમાં કચ્છના અંજારમાંથી એક અને દ્વારકરામાંથી એક ડમી વિદ્યાર્થી પકડાયો હતો.

પ્રાપ્ત વિગત પ્રમાણે અંજારના રતનાલ ગામે સરકારી હાઇસ્કૂલમાંથી એક ડમી વિદ્યાર્થી ચેકિંગ દરમિયાન ઝડપાયો હતો. વિદ્યાર્થી ધોરણ 10ની પરીક્ષા આપી રહ્યો હતો. પરીક્ષા કેન્દ્રમાં જ્યારે તે પેપર લખી રહ્યો હતો ત્યારે ચેકિંગ દરમિયાન સમગ્ર હકીકત સામે આવી હતી. અને સામે આવ્યું કે મોટાભાઇને બદલે નાનો ભાઇ પરીક્ષા આપી રહ્યો હતો.

હકીકત સામે આવ્યા બાદ ચેકિંગ સ્કવોડના અધિકારીઓ દ્વારા અંજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઇ હતી. તપાસમાં સામે આવ્યું કે આ ભાઇ અગાઉ પણ આવી અનેક પરીક્ષા આપી ચૂક્યો હતો. તો બીજી બાજુ ડમી વિદ્યાર્થી ઝડપાતા જિલ્લામાં ચર્ચા જાગી હતી.

તો દ્વારકાના ખંભાળિયામાંથી શ્રી કે. આર. ગાકોણી શાળામાંથી એક ડમી વિદ્યાર્થી ઝડપાયો હતો. ધોરણ 10ની પરીક્ષામાં યોગ્ય વિદ્યાર્થીના બદલે અન્ય વિદ્યાર્થી પરીક્ષા આપી રહ્યો હતો. ડમી વિદ્યાર્થી હોવાની જાણ ફરજ પર રહેલા સુપરવાઇઝર દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને કરાઇ હતી.

 34 ,  3