સુરતમાં દુર્લભ પટેલ આત્મહત્યા કેસની તપાસ પોલીસ કમિશનરને સોંપાઇ

સુરત જિલ્લાના માંડવીના ખંજરોલી ગામના પાટીદાર આગેવાન ક્વોરી માલિક દુર્લભભાઇ પટેલે પોતાની જ ક્વોરીમાં આપઘાત કર્યો હતો. ત્યારથી અત્યાર સુધીમાં આ કેસની તપાસને લઇને અન્ય કારણોસર શહેરમાં સૌથી વધુ ચર્ચાનો વિષય રહ્યો છે. ત્યારે આ કેસના લઇને કેટલાક પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયાં છે જ્યારે રાંદેર પોલીસ મથકના પીઆઇ સહિત અન્ય પોલીસકર્મી સહિત 11 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા આ કેસની તપાસ કમિશનરને સોપાઇ છે.

સુરતના રાંદેર રોડની સુર્યપુર સોસાયટીમાં રહેતા 74 વર્ષીય દુર્લભભાઈ ગાંડાભાઈ પટેલે માંડવીના ખંજરોલી ખાતે આવેલી તેમની માલિકીની જલારામ સ્ટોન ક્વોરીની ખાણમાં પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. દુર્લભભાઈની આત્મહત્યા બાદ તેના પુત્ર ધર્મેશે રાંદેર પીઆઇ લક્ષ્મણ સિંહ બોડાણા, રાજુ લાખા ભરવાડ, હેતલ દેસાઈ, ભાવેશ સવાણી, કનૈયાલાલ નારોલા, કિશોર કોસીયા, વિજય શિંદે, મુકેશ કુલકર્ણી, અજય ભોપાળા, કિરણસિંહ રાઇટર વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી. આ પ્રકરણમાં અત્યારસુધીમાં 10 પૈકી 7ની ધરપકડ થઈ ચૂકી છે જ્યારે ત્રણ મુખ્ય સૂત્રધારો હેતલ નટવરભાઈ દેસાઈ, કનૈયાલાલ લાભુભાઈ નારોલા અને કિશોર ભૂરાભાઈ કોસીયા હજી પકડાવા બાકી છે.

પોલીસે ત્રણેયને પકડવા માટે માંડવી કોર્ટમાં વોરંટ માટે અરજી કરી હતી. જેમાં કોર્ટે ત્રણેયના વોરંટ ઈશ્યુ કરતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. જો કે ત્રણ પૈકી બે આરોપીઓ કિશોર કોસીયા અને કનૈયા નારોલા વિદેશ ભાગી ગયા હોવાની પણ વાત સામે આવી રહી છે ત્યારે પોલીસ તેમને પકડવા કેવા પ્રયાસો કરે છે તે જોવું રહ્યું. બીજી તરફ કોર્ટ દ્વારા આ પ્રકરણમાં આઈ.પી.સી.કલમ 386, 270, 271,201 અને 120(બી) નો ઉમેરો કરવાનો હુકમ પણ કરવામાં આવ્યો હતો.

 70 ,  1