સ્વીટી પટેલ મિસિંગ કેસ : દહેજમાં મળેલા હાડકા યુવા વયના માનવ શરીર હોવાનું તપાસમાં ખૂલ્યું

હવે DNA, પોલિગ્રાફ અને નાર્કો ટેસ્ટ રહસ્ય ખોલશે

વડોદરા જિલ્લાના પીઆઇ અજય દેસાઈનાં પત્નીના ગુમ થવાના ચકચારી પ્રકરણમાં પોલીસને દહેજ પાસેના અટાલી ગામ નજીક ત્રણ માળના અવાવરું મકાનમાંથી તથા તેની પાછળના ભાગમાંથી સળગેલી હાલતમાં કેટલાક હાડકાં મળ્યા હતા. જેને તપાસ માટે સુરત એફએસએલમાં તપાસ મોકલ્યા હતા. આ હાડકા યુવાન અને મધ્યમ વર્ગની વયના માનવ શરીરના હોવાનું ફોરેન્સિક તપાસમાં બહાર આવ્યું છે. હાડકાં માનવીના હોવાનું બહાર આવતા પોલીસે પી.આઇ. દેસાઇ અને સ્વીટી પટેલના બે વર્ષના બાળક તથા મળી આવેલા હાડકાંના સેમ્પલ ડી.એન.એ. ટેસ્ટ માટે ગાંધીનગર ફોરેન્સીક તપાસ માટે મોકલી આપ્યા હતા. આ સાથે પોલીસે આજે પી.આઇ.નો પોલીગ્રાફ ટેસ્ટ કરાવ્યો હતો.

સ્વિટી પટેલના ગુમ થવાના ચકચારી પ્રકરણની તપાસ કરી રહેલી જિલ્લા પોલીસે પીઆઇ એ.એ.દેસાઇના પોલિગ્રાફ અને નાર્કો ટેસ્ટ કરાવાની મંજૂરી મેળવ્યા બાદ મંગળવારે પીઆઇ દેસાઇના ગાંધીનગર એફએસએલ ખાતે પોલિગ્રાફ ટેસ્ટ કરાવા માટે લઇ જવાયા હતા. જ્યાં પોલિગ્રાફ ટેસ્ટ કરાવાયો હતો. એફએસએલ દ્વારા શિડ્યૂલ નક્કી કરાયા બાદ પીઆઇનો નાર્કો ટેસ્ટ કરાવાશે.

ઉલ્લેખનીય છે કે, વડોદરા જિલ્લાના કરજણની પ્રયોશા સોસાયટીમાં રહેતા વડોદરા જિલ્લા પીઆઇ અજય દેસાઇના પત્ની સ્વીટી મહેન્દ્રભાઇ પટેલ (ઉં.વ.37) ગત 5 જૂનની રાત્રે 1 વાગ્યાથી સવારે 8:30 વાગ્યાના અરસામાં ઘર છોડીને જતાં રહ્યાં હતાં. એક મહિના પછી પણ સ્વીટી પટેલની ભાળ ન મળતાં વડોદરા જિલ્લા પોલીસે શોધખોળ શરૂ કરી હતી. વડોદરા જિલ્લા પોલીસ દહેજ અને તેની આસપાસનાં ગામોમાં સતત છ દિવસ સુધી સર્ચ ઓપરેશન કર્યું હતું. જેમાં પોલીસને અટાલી ગામ પાસેના ત્રણ મજલી અવાવરું મકાનમાંથી અને મકાનના પાછળના ભાગમાંથી બળેલા કથિત માનવ હાડકાં મળી આવ્યા હતા.

પોલીસને અટાલીના મકાનમાંથી માનવ હાડકાં મળી આવતા પોલીસે અવાવરું મકાનની આસપાસના મોબાઇલ ટાવરોની તપાસ કરી હતી. જેમાં સ્વીટીના પોલીસ પતિ એ.એ.દેસાઇના મોબાઈલ ફોનનું લોકેશન મળી આવ્યું હતું. બીજી બાજુ પોલીસે કથિત મળેલા માનવ હાડકાં મળ્યા બાદ પી.આઇ. એ.એ. દેસાઇ અને તેમની પત્ની સ્વીટી પટેલના બે વર્ષના બાળકના સેમ્પલ ડી.એન.એ. ટેસ્ટ માટે લઇ તપાસ માટે સુરત ફોરેન્સીક લેબમાં મોકલી આપ્યા હતા. 

 120 ,  1