September 23, 2021
September 23, 2021

..અને વિદેશમાં રહેતા ભારતીયોને હથિયારો ઉપાડવા પડ્યા…!

ગાંધીજીએ અહિંસાના પ્રયોગો કર્યા ત્યાં હિંસા જ હિંસા…

ભારતના ગુપ્તાબંધુઓને કારણે મૂળ ભારતીયો બર્બાદ થયા..?

ફિનિક્સ શહેરમાં મૂળ ભારતીયો દ્વારા 12 અશ્વેતોની હત્યા…

ગુપ્તાબંધુઓ રાજકારણમાં પડ્યા અને..જેકોબનો ખેલ ખતમ

રાષ્ટ્રપતિ જેલમાં અને ગુપ્તાબંધુઓ મહેલમાં..

યે કહાની હૈ દક્ષિણ અફ્રિકા કી…આંધી ઔર તૂફાન કી..

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

દ.આફ્રિકાનું શહેર ફિનિક્સ. હાથમાં હોકી, લોખંડના સળિયા, હથોડા, ક્રિકેટ રમવાના બેટ લઇને રસ્તા પર ઉભા છે. સામેથી એક મીની બસ આવે છે અને હાથમાં બોથડ પદાર્થો સહિત તિક્ષ્ણ હથિયારો સાથે રોડ પર ઉભેલા લોકોનું ટોળુ મીની બસ પર તૂટી પડે છે અને લગભગ 12 અશ્વેતોની નિર્દયતાથી હત્યા કરી નાંખે છે.

મીની બસ પર હુમલો કરનારા અશ્વેતો નહીં પણ મૂળ ભારતીયો છે. એ ભારતીયો કે જેમના પિતા, દાદા અને એની આગલી પેઢીના લોકો ઇ.સ.18મી અને 19મી સદીમાં રોજીરોટીની શોધમાં દ.આફ્રિકા ગયા હતા અને ત્યાં જ વસી ગયા. તેમની આજની પેઢીને પોતાના વેપાર ધંધાના હિસાબ-કિતાબ માટેના ચોપડા એક બાજુએ મૂકીને સ્થાનિક અશ્વેતોના હિંસક આગજની અને હુમલાથી બચવા માટે હાથમાં હથિયારો ઉપાડવાની ફરજ પડી…!

જુલાઇ-21થી ત્યાં સ્થાનિક અશ્વેતો અને ભારતીયો વચ્ચે માથાકૂટ ચાલી રહી છે અને તેના મૂળમાં છે તત્કાલિન રાષ્ટ્રપતિ જેકોબ જુમા અને તેને ટેકો આપનાર મૂળ ભારતના યુપીના સહારાનપુરના રહેનારા અને વેપાર માટે ત્યાં ગયેલા ગુપ્તાબંધુઓ સામેનો સ્થાનિક રાજકારણમાં ભારે રોષ અને ભારે આક્રોષ.. ભ્રષ્ટાચારના આરોપસર રાષ્ટ્રપતિ જેકોબને વિરોધીઓએ જેલમાં પૂર્યા છે અને જેકોબને ખિસ્સામાં લઇને ફરનારા ગુપ્તા બંધુઓ ત્યાંથી ફરાર થઇને રશિયાના કોઇ સ્થળે સંતાયા હોવાનું મનાય છે. પરંતુ ગુપ્તાબંધુઓ તથા જોકોબ વચ્ચેના ભ્રષ્ટ રાજકિય સંબંધોની કિંમત ત્યાં રહેતા મૂળ ભારતીયોને ચૂકવવી પડી રહી છે…

અમેરિકામાં થતી લૂંટફાટના ટીવી દ્રશ્યોમાં મુખ્યત્વે અશ્વેતોના ટોળા જ જોવા મળતા હોય તો જ્યાં જેમની મોટી વસ્તી હોય અને પોતાનો જ દેશ હોય ત્યાં રહેતા અશ્વેતો આવા સમયે બેસી રહે ખરા..? દક્ષિણ આફ્રિકામાં ફિનિક્સ, ડર્બન, જોહાનિસબર્ગ વગેરેમાં રહેતા ભારતીયોની માલ મિલકતો સળગાવી દેવામાં આવી, મૂળ ભારતીયોના મોલ, ધંધાના સ્થળોએ લૂંટ ચલાવીને સળગાવી દેવામાં આવ્યાં અને ઘણાની હત્યા થઇ છે. ફિનિકસ શહેરમાં મીની બસ પર થયેલો હુમલો મૂળ ભારતીયો પર થયેલા હિંસક હુમલાના બદલારૂપે અથવા અમને મારવા આવી રહ્યાં છે… એમ માનીને તેમને મારી નાંખવામાં આવ્યાં હોઇ શકે.

એ દક્ષિણ આફ્રિકા કે જે મહાત્માં ગાંધીજીની કર્મ ભૂમિ રહી છે, જ્યાં ગાંધીજીએ અહિંસાના સૌથી પહેલાં પ્રયોગો કર્યા અને એ પ્રયોગોના આધારે ભારતને ત્યારબાદ આઝાદી મળી એ દ. આફ્રિકામાં રહેતાં ભારતીયોને હથિયારો ઉપાડવા પડ્યા અને પોતાના જીવ બચાવવા માટે અશ્વેતોની હત્યા કરવાની ફરજ પડી હોય એ ઘટના સામાન્ય નથી. એને અસામાન્ય જ કહી શકાય. અમેરિકામાં કોઇ ભારતીય દુકાનદારની અશ્વેત દ્વારા દુકાનમાં લૂંટ કરીને હત્યા કરવામાં આવે ત્યારે તેના ઘેરા પ્રત્યાઘાતો ભારતમાં પડતા હોય છે પણ દ. આફ્રિકામાં ઘણાં ભારતીયોની હત્યા, તેમની માલ-મિલકતોને આગ લગાડીને તેમને રોડ પર લાવી દેવામાં આવ્યાં, ત્યાં રહેતા ભારતીય પરિવારોને આત્મરક્ષણ માટે હાથમાં હથિયારો ઉપાડવા પડ્યા છતાં ભારતમાં તેની ખાસ કોઇ નોંધ લેવાઇ નથી.

ઝી ન્યૂઝવાળા સુધીર ચૌધરીએ પોતાના ડીએનએ કાર્યક્રમમાં તેની વિગતો દર્શાવી કે 1990ના દાયકામાં સહરાનપુરથી દ. આફ્રિકા ગયેલા ગુપ્તાબંધુએ ત્યાં જઇને પોતાના વ્યાપાર ધંધા માટે કઇ રીતે જેકોબ જુમાની સરકાર પર આધિપત્ય જમાવ્યું અને જેકોબના વિરોધીઓના નિશાને આવી ગયા. ડીએનએમાં ચૌધરીએ એવો પણ ઉલ્લેખ કર્યો કે ગુપ્તા બંધુઓએ 250 કરોડ આપીને પોતે કહે એને નાણામંત્રી બનાવવાનો પણ પ્રયાસ કર્યો હતો અને એ સરકારના તેમના નાણાંકિય સંબંધોના એવા ઘેરા રાજકિય ઘેરા પ્રત્યાઘાતો એવા પડ્યા કે જેકોબ સામે પગલા લેવાય તે પહેલાં સમય પારખીને અબજોપતિ ગુપ્તાબંધુઓ ત્યાંથી ફરાર થઇ ગયા અને જેમણે દ. આફ્રિકાને જ પોતાની કર્મભૂમિ કે જન્મભૂમિ બનાવી એ ભારતીયો જેકોબના વિરોધીઓના ભોગ બની ગયા…! આને કહેવાય- કરે કોઇ અને ભરે કોઇ…..!

ગુજરાતમાંથી પણ દ. આફ્રિકામાં હજારો લોકો વર્ષો પહેલાં ત્યાં જઇને વસ્યા અને ઝાંઝીબાર સહિત ઘણાં સ્થળોએ વેપારધંધો કરીને ઠરીઠામ થયા પણ તેમની સાથે આવુ ક્યારેય થયું નથી. પારસીઓ ભારત આવીને દૂધમાં સાકરની જેમ ભળી ગયા તેમ ગુજરાતી સાહસિકો ત્યાં જઇને ભળી ગયા. પરંતુ એ સમયકાળ અને આજના સમયકાળમાં તફાવત જોવા મળે છે. ગુજરાતી સાહસિકોએ સ્થાનિક સામેલગીરી વ્યાપાર સુધી મર્યાદીત રાખી. ત્યાંના સ્થાનિક રાજકારણમાં કે ગુપ્તાબંધુઓની જેમ કોઇ સરકારની સાથે ભળીને મળીને ખોટુ કર્યુ નથી. પરંતુ ભ્રષ્ટ નાણાંના જોરે પોતે સરકાર ચલાવવા જાય તો શું થાય તેનો કડવો દાખલો અને અનુભવ દ. આફ્રિકા છે.
ગુપ્તા બંધુઓ પર એક નજર….

ગૂગલબાબા અનુસાર, અજય ગુપ્તા, અતુલ ગુપ્તા અને રાજેશ ગુપ્તા. આ ત્રણ ભાઇઓ છે અને યુપીના સહરાનપુરના નિવાસી છે. જેકોબ સરકારમાં તેમની બોલબાલા હતી. જાણે આખી સરકાર તેમના ઇશારે ચાલતી હતી. અને મોટા પાયે સરકારી ખજાનાની લૂંટ ચલાવતા તેઓ જેકોબની વિરોધી પાર્ટીના નજરે ચઢી ગયા. અને ભ્રષ્ટાચારની પરાકાષ્ટા આવી હોય તેમ દ. આફ્રિકામાં જેકોબને જેલના સળિયાની પાછળ ધકેલ્યા બાદ ફરાર ગુપ્તાબંધુએનો પકડવા માટે નવી સરકારે ઇન્ટરપોલની મદદ માંગી છે.

કોઇ ભારતીયોએ વિદેશની ધરતી પર જઇને આવુ કર્યું હોય તેવુ પહેલીવાર બની રહ્યું છે. આખી સરકારને ભ્રષ્ટ કરીને અબજો અબજો કમાઇને અને જેમના કારણે એ સરકારના રાષ્ટ્રપતિને જેલમાં જવુ પડ્યું તેઓ એટલે કે ગુપ્તાબંધુઓ જેલની બહાર ક્યાં સુધી રહેશે એવા સવાલોના જવાબો કરતાં ત્યાં રહેતા મૂળ ભારતીયો તેમની સામે ફાટી નિકળેલા રમખાણોની વચ્ચે કેવા હાલાતમાં રહી રહ્યાં હશે…? અને હવે ક્યાં સુધી તેઓ ત્યાં સલામત રીતે રહેશે કે રહી શકશે કે કેટલા ભારત પરત આવશે…? ગુપ્તાબંધુઓની હાલત ભારતના નિરવ મોદી, વિજય માલ્યા, મેહુલ ચોકસી જેવી થઇ ગઇ છે…આજે નહીં તો કાલે ભારતના ફરારીઓને ભારતની જેલમાં જવુ જ પડશે તે ગુપ્તાબંધુઓને પણ દ. આફ્રિકાની નવી સરકાર જેલમાં નાંખ્યા વગર નહીં રહે..? સત્તાનો સાથ અને સ્વાદ શરૂઆતમાં મીઠો મધ જેવો લાગે પણ પછી બગડે ત્યારે..કોઇ ન બચાવે…!

 44 ,  1