શું ચૂંટણી ખરેખર નિષ્પક્ષ અને ન્યાયી રીતે થાય છે ખરી…? કિસ્સા એસીબી કા..!!

બોલો, ચૂંટણીમાં અમાન્ય ઉમેદવારીપત્ર માન્ય કરવા માટે લાંચ લેવાઇ….!!

ચૂંટણી અધિકારી જ લાંચ લે તો એ ચૂંટણી ન્યાયી કહેવાય..?

પોસ્ટલ મતોની ગણતરીમાં પણ ઘાલમેલ…!!

એક બેઠકની આખી ચૂંટણી જ ગેરકાયદે જાહેર થઇ…

ભાજપના પ્રામાણિક ઉમેદવારનો સૂચિત સવાલ- શું આવુ જ ચાલતુ હશે..!?

લાંચ માટે બિચ્ચારી પોલીસ ખોટી બદનામ થાય છે…!!

( નેટ ડાકિયા-ખાસ અહેવાલ )

લોકશાહીમાં નિષ્પક્ષ અને ન્યાયી રીતે ચૂંટણીઓ યોજવાની જવાબદારી ચૂંટણી પંચને અને તેમના તાબા હેઠળના કાયમી અધિકારીઓની રહેલી છે. ચૂંટણીઓ દરમ્યાન કેન્દીય અને રાજ્ય ચૂંટણી પંચ સરકારી અધિકારોની ચૂંટણી કામગીરી માટે કામચલાઉ નિમણૂંક કરે છે. ચૂંટણી પૂરી થયા બાદ એ સરકારી અધિકારીઓ પાછા પોતના વિભાગની રૂટીન કામગીરીમાં ગોઠવાઇ જાય છે.

જેમને બંધારણે નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી યોજવાની જવાબદારી સોંપી છે એ ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા અધિકારી લાંચ લે, અમાન્ય ઉમેદવારીપત્ર માન્ય રાખવા માટે લાંચ માંગે અને લાંચ લેતા પકડાઇ જાય તેવો કદાજ ગુજરાત અને દેશના ચૂંટણીના ઇતિહાસમાં પહેલો કેસ એસીબીના ચોપડે નોંધાયો છે…

એસીબી મુજબ, મામલો એવો છે કે ગુજરાતમાં હાલમાં સ્થાનિક ચૂંટણીઓ ચાલી રહી છે. વિસનગર તાલુકામાં આવતી સવાલા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે રાજીબેન ચૌધરીએ ઉમેદવારી નોંધાવી. ભાજપના હરિફ ઉમેદવાર જયાબેન ચૌધરીએ વાંધો ઉઠાવ્યો કે કોંગ્રેસના ઉમેદવારે જમીન-મિલકત વગેરે અંગે ખોટુ સોગંદનામુ કર્યું છે તેથી તેમની ઉમેદવારી અમાન્ય જાહેર થાય. ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવનાર જિલ્લા રજીસ્ટ્રાર રાજેન્દ્ર પ્રતાપ બ્રહ્મભટ્ટે કોંગ્રેસના ઉમેદવારને કહ્યું હશે કે તમારી ઉમેદવારી માન્ય રાખુ, પાંચ લાખ થશે…! ભાવતાલ સોદો થતો હોય તેમાં કંઇક ઓછ કરવાનું કહેવામાં આવ્યું અને 3 લાખમાં નક્કી થયું. તેમાંથી એક લાખ લેતી વખતે જિલ્લા રજીસ્ટ્રારની કેરીયર પર કલંક લાગી ગયો….રંગે હાથે લાંચ લેતા ઝડપાઇ ગયા..!!

માન્યમાં ના આવે તેવો અને લોકશાહી માટે આઘાતજનક અને અજબ કિસ્સો છે. કોઇ ચૂંટણી અધિકારી માલસામાનની ખરીદી-વરીદીમાં પકડાય તો માની શકાય પણ ચૂંટણીમાં ઉમેદવારી કરનાર ઉમેદવાર પાસેથી, બોલ તારૂ અમાન્ય ઉમેદવારીપત્ર માન્ય કરી દઉ..કેટલા આપીશ…એવું કહે ત્યારે સવાલો તો બનતા હી હૈ….

ચૂંટણી ફરજમાં આ અધિકારીએ આ અગાઉ આવુ નહીં કર્યું હોય તેની શી ખાતરી…? એસીબી એની પણ તપાસ કરે..

સરકારી જિલ્લા રજીસ્ટ્રાર તરીકે તેમણે કેટલુ ખોટુ કર્યુ હશે…? એસીબી તેની પણ તપાસ કરે…

જો ચૂંટણીમાં ઉમેદવાર પાસેથી બેધડક કોઇનો ડર રાખ્યા વગર લાંચ લેવાની હિંમત ધરાવતો હોય તો જિલ્લા રજીસ્ટ્રાર તરીકે તો તેણે ભૂક્કા કાઢી નાંખ્યા હશે…? એસીબી તેની પણ તપાસ કરે…

આવક કરતાં વધારે સંપત્તિ ધરાવે છે કે કેમ એની પણ તપાસ એસીબી કરશે જ. કેમ કે એસીબીએ આવા લાંચિયાબાબુઓને રંગે હાથે પકડ્યા બાદ સીસ્ટેમેટીકલી તપાસ કરીને બેનામી, આવક કરતાં વધારે સંપત્તિ છે કે કેમ તેની તપાસ કરે છે. મહેસુલ વિભાગના કોઇ વિરમ દેસાઇ નામના અધિકારીની આવી 30 કરોડની બેનામી સંપત્તિ એસીબીએ શોધી કાઢી છે. જિલ્લા રજીસ્ટ્રાર રાજેન્દ્રની કેટલી બેનામી સંપત્તિ હશે કે મળશે એ માટે એસીબીને સમય આપીએ. એસીબી ચોક્કસ તેની વિગતો જાહેર કરશે જ.

ગુજરાતે જોયુ છે કે લાંચ લેવા બદલ ક્યા વિભાગના અને કેવા કેવા પ્રકારના લોકો પકડાય છે….

ડોક્ટરો કે જેને ભગવાનનું બીજુ સ્વરૂપ માનવામાં આવે છે એ પણ લાંચ માંગે અને તે પણ સોલા સરકારી હોસ્પિટલમાં કોરોના કાળમાં દર્દીઓ માટેની કેન્ટીન ઠેકેદાર પાસેથી કુલ રકમના 30 ટકા રકમ લાંચ તરીકે માંગે એવુ પણ એસીબીના ચોપડે નોંધાયું છે અને લાંચની રકમ છે 12 લાખ. અને લાંચ લેતા પકડાયા છે આરએમઓ-રેસડિડેન્ટ મેડિકલ ઓફિસર…..!!

જે રાજ્યો ગુનાખોરી કે લાંચ જેવા દૂષણ માટે બદનામ છે એવા રાજ્ય કે રાજ્યોમાંથી પણ કોઇ ચૂંટણી અધિકારી ઉમેદવાર પાસેથી અમાન્ય ઉમેદવારીપત્ર માન્ય કરવા બદલ લાંચ માંગતા પકડાયા હોય તેવો કોઇ કિસ્સો ત્યાંના એસીબીના ચોપડે નોંધાયો નહીં હોય. પણ ગરવી ગુજરાતમાં આ કિસ્સો રાજકીય પક્ષો અને ચૂંટણીમાં ઉમેદવારી કરતાં ઉમેદવારો માટે ચોંકાવનારો તો છે જ પણ તેની સાથે સાથે કોઇ ઉમેદવારના મનમાં એવી પણ શંકા પણ ઉપજાવે કે આવુ અગાઉ નહીં થયું તેની શી ખાતરી..?! બને કે કોઇ હારેલા ઉમેદવાર તપાસ કરે તો આવુ કંઇક નિકળી શકે….?! અમાન્ય માન્ય ઠર્યા હોય અને માન્ય અમાન્ય જાહેર કર્યા હોય..ખાસ કરીને મોટાશહેરોને બદલે દૂરઅંતરિયાળ વિસ્તારમાં કોઇ ચૂંટણી અધિકારીએ વગદાર ઉમેદવાર કે વગદાર નેતાના દબાણમાં કે લેતીદેતી લઇને આવુ ઘણુ કર્યું હોઇ શકે….ઢૂંઢો તો જાનો…..પણ પહેલ કોણ કરશે…? ભાજપ કે કોંગ્રેસ….?

અમાન્ય ઉમેદવારીપત્ર પૈસા લઇને માન્ય કરવાના કિસ્સાની સાથે મતોની ગણતરી વખતે પણ એવુ જ થતું હશે કે એવુ થયું હશે..? વિધાનસભાની 2017ની ચૂંટણીમાં ધોળકા બેઠક પર નજીવી મતોથી જીતેલા ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની સામે હારી ગયેલા કોંગ્રેસના ઉમેદવાર અશ્ર્વિન રાઠોડે પરિણામની પ્રક્રિયાને હાઇકોર્ટમાં પડકારી ત્યારે સાબિત થયું કે અંદાજે 400 જેટલા પોસ્ટલ મતોની ગણતરીમાં ફરજ પરના ચૂંટણી અધિકારી ધવલ જાનીએ હેરફેર કરીને એ મતો કોંગ્રેસને મળેલા હોવા છતાં ભાજપના ઉમેદવારના ખાતામાં નાંખ્યા અને ભાજપના ઉમેદવારને જીતેલા જાહેર કર્યા હતા….

સત્તા હૈ તો સબકુછ હૈ…!! જો કે પુરાવાના આધારે હાઇકોર્ટે ભાજપના એ ઉમેદવારની આખી ચૂંટણી જ ગેરકાયદે જાહેર કરી તે ઘટના તાજી જ છે…. સરકારી અધિકારી ધવલ જાનીને ભાજપના ઉમેદવારેને જિતાડવા બદલ શું મળ્યું કે પછી મફતમાં સેવા કરી તેની કોઇ તપાસ થઇ નથી. બચી ગયો…!! રાજેન્દ્ર ઝડપાઇ ગયો….!

ચૂંટણીમાં ઉમેદવારીપત્ર માન્ય કરવા માટે લેતી અને દેતી થતી હોય અને મતદાન બાદ મતોની ગણતરી વખતે ગોબાચારીના કિસ્સા બનતા હોય કે બન્યા હોય તો ચૂંટણી પંચ નિષ્પક્ષ અને ન્યાયી રીતે ચૂંટણી યોજે છે એમ કહેવાય….?????!!

એસીબીની હાલની કામગીરી પર એક નજર……

નીચલી અદાલતમાં નિર્દોષ છૂટેલા સામે ઉપલી અદાલતમાં અપીલ નહીં કરવા બદલ મદદનીશ સરકારી વકીલ-પેટલાદ યજ્ઞનેશ ઠાકર 35 હજારની લાંચ લેતા ઝડપાયા..

એસટી નિગમના અમરેલીના સહાયક ટ્રાફિક નિરીક્ષક સુરેશ ચૌહાણ 5 હજાની લાંચ લેતા ઝડપાયા, નોકરી ફરી શરૂ કરવા બાબતે ટ્રાઇવર પાસેથી લાંચ લીધી

તાપી જિલ્લામાં બોરુવા આદર્શ આશ્રમ શાળાના આચાર્યા દમયંતિ ચૌહાણ આશ્રમશાળાના એક કર્મચારીને પગાર પંચનો લાભ આપવા બદલ -20 હજારની લાંચ લેતા ઝડપાયા..

ધોળકાના મામલતદાર હાર્દિક ડામોર અને તેમના એજન્ટ જગદીશ પરમાર એક ખેડૂતની જમીન માપણીના કેસમાં માત્ર 25 લાખની લાંચ લેતા ઝડપાયા..

અને હાં, પેલા આરઆર સેલના 50 લાખ, મહિલા એએસઆઇના 35 લાખ…ની આમાં ગણતરી નથી….!! જ્યાં ચૂંટણી અધિકારી જ લાંચ લેતા હોય તો પોલીસ કર્મી ના લે…?? આ કોઇ તેમનો બચાવ નથી પણ આ તો એક વાત છે…અને વાત વાતમાં કહીએ તો, વાત તો આખરે વાત છે…

-દિનેશ રાજપૂત

 25 ,  1