આ ગ્લોબલ હંગર ઇન્ડેક્સવાળાઓને બીજુ કોઇ કામ છે કે નહીં…?!

3 હજારની પ્રતિમા છે, 8 હજારનું વિમાન છે આ દેશમાં…

હંગરવાળા, તમારે 70 વર્ષ રાજ કરનારાઓને પૂછવુ જોઇએ, સમજ્યા ને….

જિસ દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી….ત્યાં ભૂખમરો હોય જ નહીં…

હંગર ઇન્ડેક્સવાલે…તેરા મૂંહ કાલા….

સરકારને વિરોધપક્ષોવાળા કામ જ કરવા દેતા નથી એ તો જુઓ….

દુનિયામાં એવી ઘણી સંસ્થાઓ અને એજન્સીઓ છે કે જેમની પાસે કોરોના કાળમાં કોઇ કામ જ નથી અને છાશવારે જાતજાતના સર્વે-મોજણી-તારણો અને ભાત ભાતના રિપોર્ટ જાહેર કરીને ભારત જેવા દેશને વગોવ્યાં કરે છે ખાલી-પીલી….!!

આ જુઓને… એક એજન્સીએ જાહેર કર્યું કે ભારત ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં પાછળ છે. પાકિસ્તાન-નેપાળ-આમાર બાંગ્લા વગેરે. દેશો ભારત કરતાં પાછળ છે. એટલે કે ભારતમાં ભૂખમરો વધારે છે અને આજુબાજુના પડોશી દેશોમાં ભૂખમરો એટલો નથી જેટલો ભારતમાં છે, એમ આ ઇન્ડેકસનું કહેવું છે.

અરે, ભઇ… ભારતની સરખામણી આ દેશો સાથે થાય….? ભારત એટલે ભારત. ભારતની વસ્તી 130 કરોડ અને નેપાળની વસ્તી ગણીને માર 3 કરોડ. હવે એવા દેશ સાથે સરખામણી કરો તો તે કજોડુ કહેવાય ને. ભરતની તુલના ચીન સાથે કરો તો એમ લાગે કે ના, બેઉ બળિયા છે. બાંગ્લાદેશ અને પાકિસ્તાનની વસ્તી ભારત કરતાં સાવ એટલે સાવ જ ઓછી, છતાં તેની સરખામણી ભૂખમરા સાથે કરવામાં આવે તો યે બહોત નાઇન્સાફી હૈ જજસાબ..!

ભાજપના મતે, ભારતમાં 70 વર્ષમાં તો કાંઇ થયું જ નહીં. આ તો ભાજપે 2014થી ભારતની શાસનધૂરા સંભાળી ત્યારે ભારતે ગતિ અને પ્રગતિ શરૂ કરી છે ત્યારે 6 વર્ષ માટે ઇન્ડેક્સવાળા ભારતને વગોવે તો એ સરાસર અન્યાય છે નયા ભારત માટે અને કોણ કહે છે કે ભારત ગરીબ છે, ભારતમાં એક પ્રતિમા બનાવવા 3 હજાર કરોડનો ખર્ચ થઇ સકતો હોય તો એ દેશને ગરીબ કઇ રીતે કહી શકાય..? પેલા હંગર-બંગર વાળાઓને ખબર હોવી જોઇએ 3 હજાર કરોડની પ્રતિમાની અને તે પછી ભારતને રેન્ક આપવો જોઇતો હતો. દેશના મુખ્ય નેતા માટે 8 હજારનું વિમાન ખરીદવામાં આવતું હોય એ દેશમાં ભૂખમરો ના જ હોય એ પણ ઇન્ડેક્સવાળાઓએ નોંધવાની જરૂરત હતી.

ભારતમાં ધનિકોની સંખ્યા વધી રહી છે, લોકડાઉનમાં એક કંપનીના મુખિયા પોતાની જુગ જુગ જિઓ કંપનીમાં વિદેશથી રોકાણ લાવી લાવીને આત્મનિર્ભર થઇ ગયા અને તેમના જ બીજા એક મુન્દ્રાલેખ વાળા સાથી પણ એ જ રીતે પોતાની કંપનીમાં વિદેશી રોકાણ મેળવીને આત્મનિર્ભર બનવા જઇ રહ્યાં છે તેની પણ હંગરવાળાઓએ સમજવુ જોઇએ. ઇન્ડેક્સવાળાઓએ વિમાનમાં બેસીને ભારતનું ભ્રમણ કરવુ જોઇતું હતું, ગામડે ગામડે જવાની કોઇ જરૂર નહોતી.

ઇન્ડેક્સમાં જે દેશ સૌથી ટોચે 107મા નંબરે છે તે ચાડ નામના દેશ કરતાં તો ભારતની સ્થિતિ સારી છે એ રીતે જોવુ જોઇએ વિરોધીઓએ. બાકી, ભારતની સ્થિતિ સારી છે. 3 હજારની પ્રતિમા અને 8 હજારનું વિમાન છે, બાકી બધુ સારૂ છે. નેપાળના લોકો ભારતમાં રોજગારી મેળવે છે અને નેપાળને તો પેલા ચીનવાળા ખાનગીમાં પૂરૂ કરે છે, તેની જાણ હંગર-બંગરવાળાએ લેવી જોઇએ. નેપાળની સરખામણીમાં ભારતની સ્થિતિ સારી છે. ભારતમાં મનરેગા હેઠળ હિરોઇન જેકલીન પણ કામ કરીને કઠોર પરિશ્રમનો કોઇ વિક્લ્પ નથી એવો સંદેશો આપી રહી છે તેની નોંધ પણ બંગરવાળાઓએ લેવી જોઇતી હતી…..

ભારતના શાસકો પણ શું કરે બિચારા… હજુ તો 70 વર્ષના ખાડા પૂરવાના બાકી છે. એ ખાડા પૂરાઇ જાય પછી કંઇક નવુ નવુ થાય ને… એક બાજુ પેલા કેજરીવાલ હેરાન કરે, બીજી બાજુ પંજાવાળાઓ ટ્વીટ કરી કરીને સરકારને બદનામ કરે છે, ત્રીજી બાજુ કેટલાક એનજીઓ સરકારની સામે વારેઘડીએ સુપ્રિમમાં જઇને સરકારનો જવાબ માંગે છે, રાફેલ વિમાન લાવે ભારતની સુરક્ષા માટે તો પણ વિપક્ષોને તેમાં વાંધો પડે છે, ઓલી કોર મમતા બેનર્જી પણ ચુપ બેસતા નથી અને વારે વારે ભાજપને અને સરકારને બદનામ કર્યા કરે છે, એવું તે કાંઇ હોતુ હશે..

અધૂરામાં પૂરૂ હોય તેમ પાકિસ્તાન વાળા પુલવામા કરે છે અને હવે તો ચીનવાળાઓએ ભારતની સામે બાંયો ચઢાવી છે ત્યારે સરકાર ક્યાં ક્યાં પહોંચે હંગર માટે….? હંગરવળાની વાત ખોટી…ખોટી…અને સાત વાર ખોટી…..અને ખોટી વાતને ભારત માની નહીં શકે.

લોકડાઉનમાં એક કરોડ લોકો દૂર દૂરથી માદરે વતન પહોંચ્યા, બાકી બધુ ઠીક છે.

એક શ્રમજીવી મહિલા પોતાના બાળકને સુટકેસ પર સુવડાવીને સુટકેસને રોડ પર ખેંચતા ખેંચતા લઇ જાય, બાકી બધુ ઠીક છે.

રેલવે લાઇન પર રોટલા-પાણી કરીને સુતેલા 18 શ્રમજીવી ખપી ગયા ત્યારે તેમની પાસેથી રોટલા મળ્યા હતા એની પણ હંગરવાળાઓએ નોંધ લેવાની જરૂર હતી, બાકી બધુ ઠીક છે.

ભાઇશ્રી, હંગર ઇન્ડેક્સવાળા…

અમેરિકામાં ગરીબો નથી….,? રશિયામાં ગરીબો નથી…..? ચીનમાં ભૂખમરો નથી….? યુરોપના કેટલાય દેશોમાં ગરીબો છે કે જેમને કાતિલ શિયાળામાં ફૂટપાથ પર સુવુ પડે છે. એની નોંધ હંગરવાળાઓએ લેવી જોઇતી હતી.

જહાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી હે બસેરા….

વો ભારત દેશ હૈ મેરા…..

મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી….મેરે દેશ કી ધરતી….

એવા દેશમાં ભૂખમરો હોય જ નહીં…..

હંગર ઇન્ડેક્સવાલે તેરા મૂંહ કાલા….!!

તંત્રી – દિનેશ રજપૂત

 63 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર