બીએસએફ અને પોલીસને અથડાવવાનું કાવતરૂ તો નથી ને..?

મમતાદીદીએ હવે બીએસએફની સામે શિંગડા ભરાવ્યાં..

દાણચોરો 15 કિ.મી.થી દૂર નિકળી જાય તો કોણ રોકશે..?

સંઘિય માળખાને તોડવાનો પ્રયાસ તો નથી ને..?

દેશહિત માટે બીએસએફને અપાયેલી સત્તા કોને ન ગમે..?

બીએસએફ ખોટુ કરે તો કાયદો તો છે જ ને..વિરોધ શા માટે..?

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

દુનિયાના દરેક દેશની જેમ ભારત પાસે પણ પોતાની બાહ્ય અને આંતરિક સુરક્ષા માટે અલગ અલગ સુરક્ષા એજન્સીઓ કાર્યરત છે. ભારતનું સૈન્ય કહેતા આર્મીની તૈનાતી સામાન્ય સંજોગોમાં નહીં પણ અસામાન્ય પરિસ્થિતિમાં બાહ્ય સુરક્ષા માટે સરહદે અને જરૂર પડે તો આંતરિક સુરક્ષા માટે પણ ક્યારેક ક્યારેક સેનાની ટુકડીઓને અશાંતગ્રસ્ત વિસ્તારમાં જરૂરીયાત પૂરતુ તૈનાત કરાય છે અને શાંતિ સ્થપાઇ જાય એટલે આર્મીની ટુકડીઓને પરત બંકરોમાં કે મુખ્યમથકમાં મોકલી અપાય છે.

ભારતની સીમાઓની રખેવાળી કરવાની જવાબદારી બીએસએફ-બોર્ડર સિક્યુરીટી ફોર્સ-ના શિરે છે. જે ચોવીસે કલાક ખડે પગે મા ભોમની રક્ષા માટે ભરી બંદૂકે ફરજ બજાવે છે. રણવિસ્તાથી લઇને ઉંચા બર્ફિલા પહાડો પર પાકિસ્તાન અને ચીનની સામે ઉન્નત મસ્તકે હાડ ગાળે નાંખે એવી કાતિલ ઠંડીમાં ફરજ પર તૈનાત છે. ખાસ પ્રકારના ગરમ મોજામાંથી આંગળા બહાર કાઢે તો ખરી પડે એવી કાતિલ ઠંડીમાં ફરજ બજાવતા કેટલાય જવાનો શહિદ થતાં હોવાની ઘટના બનતી હોય છે. તેમ છતાં આપણાં જવાનો એવા બર્ફિલા પહાડો અને રણની ધોમધગધગતી રેતીવાળા રણ વિસ્તારમાં સતત દુશ્મનો પર નજર રાખે છે.

ફાઇલ ફોટો

કેન્દ્ર સરકારે સીમાવર્તી રાજ્યોમાં સામા પારથી આવતા નશીલા પદાર્થો, માનવ તસ્કરી, દેશવિરોધી ગતિવિધિ વગેરેને ધ્યાનમાં રાખીને બીએસએફને એવી સત્તા આપી છે કે તેના જવાનો સીમાથી 15 કિ.મી.ના બદલે 50 કિમી. સુધી દેશની અંદરના ભાગામાં આવી દેશવિરોધી ગતિવિધિ માટે સ્થાનિક પોલીસને પૂછ્યા વગર જાતે દરોડો પાડી શકશે અને કોઇની પણ અટકાયત કે ધરપકડ કરી શકશે. કેન્દ્ર સરકારે ત્રણ સીમાવર્તી રાજ્યો આઇબી ઇનપુટ્સ વગેરેના આધારે આસામ-પંજાબ અને પ.બંગાળમાં આ પ્રકારની જોગવાઇ કરી છે.

પંજાબ પાકિસ્તાનને સાવ અડીને અને બંગાળ પણ બાંગ્લાદેશની સાથે આંતરરાષ્ટ્રીય સીમાથી સાવ અડીને આવેલા રાજ્યો છે. જ્યાં દેશ વિરોઘી ગતિવિધિઓની સામે બીએસએફના જવાનો સરહદથી હવે 50 કિ.મી.ના વિસ્તારમાં આવતા સ્થળો, શહેરો, ગામડાઓ વગેરે.માં ધરપકડ સહિતની કાર્યવાહી કરી શકશે. દેશહિત માટે તે જરૂરી હોવા છતાં પંજાબ અને બંગાળ સરકારોએ તેમાં રાજકારણ લાવીને તેની સામે કાગારોળ અને રાડારાડ કરી નાંખી છે….! પંજાબ અને બંગાળ સરકારોએ દાવો કર્યો કે આ અમારી સત્તા પર તરાપ સમાન છે અને અમને હેરાન કરવા માટે સરકારે બીએસએફને વધુ પડતી સત્તા આપી છે.

પંજાબમાં કોંગ્રેસની ચન્ની સરકાર સંમગ્ર મામલાને મિડિયામાં ચગાવીને સુપ્રિમ કોર્ટમાં લઇ ગઇ. પણ બંગાળના સીએમ મમતાદીદીએ તો જાણે કે બીએસએફની સામે પોલીસને લડાવવાનું હોય તેમ બંગાળની પોલીસને ખુલ્લેઆમ આદેશ આપ્યો છે કે બંગાળના સરહદી વિસ્તારમાં બીએસએફના જવાનો પર નજર રાખજો..અને કાંઇપણ કાર્યવાહી 50 કિ.મી.ના ક્ષેત્રમાં કરે તો તેનું ધ્યાન રાખજો..! એક રાજ્યના સીએમ પોલીસને દેશના સુરક્ષા દળના જવાનો પર જાણે કે તેઓ વિદેશી હોય તેમ તેમના પર નજર રાખવાના આદેશો આપે છે..! અને બંગાળની પોલીસ ધારો કે બીએસએફને રોકે તો શું થઇ શકે તેની કલ્પના કરવી પડે…સામ સામે ગોળીબારો…લોહિયાળ જંગ… એક જ દેશમાં બે સુરક્ષા દળો વચ્ચે ફાટી નિકળે તો….? મમતાદીદીને તો શું થાય પણ આપણાં જવાનો અંદરોઅંદર ખપી જાય તેનુ શું..?!

વિધાનસભાની ચૂંટણીમાં જંગી બહુમતિથી પ.બંગાળ જીતીને પોતાના રાજકિય સલાહકાર પ્રશાંત કિશોરના માર્ગદર્શન હેઠળ “બંગાળી વાઘણ” મમતાદીદીને દેશ આખામાં ખેલા હોબે..કહીને વડાપ્રધાન બનવાની એવી તાલાવેલી લાગી છે.. કે બસ, ક્યારે લોકસભાની ચૂંટણીઓ આવે અને સલાહકારની સલાહ પ્રમાણે દેશ આખામાં, આમ કરી નાંખુ ને તેમ કરી નાંખુ… અને બસ…પછી તો રાષ્ટ્રપતિ ભવનમાં ફટાફટ બંગાળી ભાષામાં શપથવિધિ પણ યોજી નાંખુ…એવા સપના સાથે તેમણે હમણાં ભારત ભ્રમણ કર્યુ અને હવે કેન્દ્રની વધુ એક મહત્વની સુરક્ષા એજન્સી સામે શિંગડા ભરાવવાનું કામ કર્યુ છે…રાજકિય ઇચ્છાઓને પરિપૂર્ણ કરવા કેન્દ્રીય એજન્સીઓની સામે શિગડા ભરાવીને પરિણામની ચિંતા નહીં કરનાર દીદી વડાપ્રધાન બનશે કે કેમ એ તો વિરોધપક્ષો એક થાય તો અને સમય કહેશે પણ જો બંગાળમાં પોલીસ સીએમને વ્હાલા થવા બીએસએફની સાથે ભીડી ગયા તો….!?

બોર્ડર સિક્યુરિટી ફોર્સની દેશની સુરક્ષા માટેની કામગીરીના અધિકારોમાં કરાયેલા વધારા અંગે પશ્ચિમ બંગાળના સીએમ મમતા પોતાની પોલીસને આપેલા આદેશ અંગે બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે શું કહ્યું..? ” બીએસએફ દેશની સુરક્ષા માટે કામ કરી રહ્યુ છે.બીએસએફ સરહદથી પચાસ કિલોમીટર અંદર સુધી કાર્યવાહી કરી શકશે અને આમ છતા મમતા બેનરજી પંદર કિમીના અધિકાર ક્ષેત્રની વાત કરીને સ્થાનિક પોલીસ તેમજ બીએસએફ વચ્ચે તનાવ સર્જવા માંગે છે….કેન્દ્ર સરકારે બીએસએફને સરહદથી પચાસ કિલોમીટર અંદર સુધી કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હોવા છતા મમતાદીદીએ રાજ્યની પોલીસને નિર્દેશ આપ્યો છે કે, બીએસએફને પંદર કિલોમીટરના દાયરાની બહાર કાર્યવાહી કરવા દેવી નહીં…..”

એટલે કે જો બીએસએફના જવાનો બંગાળમાં માનવ તસ્કરી કે નશીલા પદાર્થોની દાણચોરી કરનારા માફિયાઓ કે દાણચોરોને પકડવામાં તેમની પાછળ પાછળ સીમાથી ભારતની અંદર 15 કિ.મી.ની બહાર નિકળી જાય તો ત્યાંની પોલીસ બીએસએફના જવાનોને અટકાવી દેશે…!? ખબરદાર…તમારી હદ પૂરી થઇ ગઇ હવે અમારી હદ લાગૂ પડે છે..ઇસસે આગે નહીં જા સકતે….!? રાજ્યપાલે મમતા બેનરજીને પત્ર લખીને તેમના આ નિર્ણયને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો બતાવ્યો છે….

જે રાજ્યોમાં કોંગ્રેસ- ટીએમસી-શિવસેના, વામપંથી (કેરળ)ની સરકારો છે એ રાજ્યોમાં કેન્દ્રીય તપાસ એજન્સીઓ સીબીઆઇ, ઇડી, આઇટી, કસ્ટમ્સ વગેરેનીની સામે જે તે સરકારોએ બાંયો ચઢાવી છે…ફરમાનો બહાર પાડ્યા છે કે સીબીઆઇ, ઇડી વગેરએ રાજ્ય સરકારોને પૂછ્યા વગર પ્રવેશવાનું નહીં..સીબીઆઇને નવા કેસ નહીં આપીએ… અને તેમાં હવે બીએસએફનો ઉમેરો કર્યો છે. જે દેખીતીરીતે જ પ્રથમ દ્રષ્ટિએ દેશહિતમાં તો નથી જ…

ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના ફેડરલ સ્ટ્રકચર-સંઘિય માળખા-ને લઇને કેટલાક રાજ્યોએ કેન્દ્રીય એજન્સીઓની સામે જે રીતે વિરોધ શરૂ કર્યો છે તેનાથી ક્યારેકને કયારેક મોટી ઘટના ન બને તો જ નવાઇ લાગશે…બીએસએફના મામલે બંગાળમાં શુ થાય છે….શુ થશે…? દીદી જાણે…

 46 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી