ગુજરાતના આ ગ્રીન રેલ્વે સ્ટેશનની મુલાકાત લેવા જેવી ખરી..

પર્યાવરણની દ્રષ્ટિએ આ સ્ટેશને બધુ બદલી નાખ્યું , ગ્રીન.. ગ્રીન..

કોઈપણ રેલવે સ્ટેશન વિશે તમને વિચારવા કહીએ એટલે સૌથી પહેલા તમે ગંદકી, ફેરિયાનો ત્રાસ, ઉભરાયેલી ડસ્ટબીન વગેરે મગજમાં પહેલા આવે છે. પણ સુરતમાં જ એક ગ્રીન રેલવે સ્ટેશન છે જેણે આ વ્યાખ્યા બદલી નાંખી છે.

વાત છે ,ઉધના રેલવે સ્ટેશનની જ્યાં તમને હરિયાળી સિવાય કશું જ જોવા નહીં મળે. અને એટલે જ આ રેલવે સ્ટેશનને ગ્રીન રેલવે સ્ટેશન નામ આપવામાં આવ્યું છે, જે દેશનું પહેલું રેલવે સ્ટેશન છે.

વિગતોમાં,આ સ્ટેશન ઔધોગિક વિસ્તારમાં આવેલું છે. પશ્ચિમ રેલવે માર્ગનું સુરતનું આ મહત્વનું સ્ટેશન છે. પરંતુ અત્યાર સુધી આ રેલવે સ્ટેશન પ્રત્યે એટલું ધ્યાન નથી આપવામાં આવ્યું. સુરતના લોકો પણ ટ્રેનમાં બેસવા માટે ઉધના રેલવે સ્ટેશન નહિ પણ સુરત રેલવે સ્ટેશન જ પસંદ કરતાં હતાં. જોકે છેલ્લા 3 વર્ષથી આ રેલવે સ્ટેશનની જાણે કાયાપલટ થઈ ગઈ છે.સુરતના ટેકસટાઇલ ઉધોગકાર વિરલ દેસાઈ કે જે ગ્રીન મેન તરીકે જાણીતા છે તેમણે છેલ્લા 3 વર્ષમાં અહીં નાના મોટા 2500 વૃક્ષો રોપવામાં આવ્યા છે. તથા 300 થી વધુ કુંડાઓમાં વિવિધ ફૂલ છોડની સજાવટ કરવામાં આવી છે.

નોંધનીય છે કે ,ઉધના રેલવે સ્ટેશનની મંજૂરી બાદ સ્વયંસેવી સંસ્થાઓના સહયોગથી આ રેલવે સ્ટેશનના મેક ઓવરની મદદ મળી અને આજે આ રેલવે સ્ટેશન એટલું બદલાઈ ગયું છે કે તે સ્ટેશન ઓછું અને ગાર્ડન વધારે લાગે છે. સ્ટેશનના મુખ્ય પ્રવેશ દ્વાર પર પુલવામામાં શહીદ થયેલા ભારતીય સૈનિકોની યાદમાં 44 પામ ટ્રી રોપવામાં આવ્યા છે.સ્ટેશનની દીવાલો પર પણ પર્યાવરણ બચાવવાનો સંદેશો આપતા 100 થી વધારે ચિત્રો દોરવામાં આવ્યા છે. આ બદલાવ લાવનાર વિરલ દેસાઈનું કહેવું છે કે પ્રવાસીના સહયોગથી આ શક્ય બન્યું છે. હવે અહીં લોકો સ્વચ્છતા જાળવવામાં જાતે જ સજાગ બન્યા છે અને જ્યાં ત્યાં થૂંકવાનું પણ ટાળે છે. આ સ્ટેશન પર ઉતરતા પ્રવાસીઓને પ્રવાસ દરમ્યાન વધેલું પાણી પણ વૃક્ષોમાં નાખવા જણાવવામાં આવે છે.

વધુમાં,ઉધના રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્ટર રામદાસ કનોજીયા જણાવે છે કે તેઓ 2013 થી અહીં કાર્યરત છે. અહીંનું વાતાવરણ ખૂબ સારું છે. આ જોઈને તેઓએ તેમના ઘરમાં પણ વૃક્ષારોપણ કરવાનો નિશ્ચય કર્યો. સ્કૂલના બાળકો પણ આ સ્ટેશનની મુલાકાત લઈને સંદેશો લઈને જાય છે.

 44 ,  1