સુરત : ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ભાજપના નેતા પીવીએસ શર્માના નિવાસસ્થાને ITના દરોડા

નોટબંધી દરમિયાન કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો લગાવ્યો હતો આરોપ

સુરતમાં કલામંદિર જ્વેલર્સ અને આઈટી અધિકારીઓ સામે કરચોરી અને ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર પૂર્વ આઈટી અધિકારી અને ભાજપના નેતા પીવીએસ શર્માને નિવાસ્થાને ઇન્કમ ટેક્સની રેડ પડી હતી.

ભાજપના નેતા પીવી શર્માએ આક્ષેપ કર્યા હતા કે નોટબંધી દરમિયાન કલા મંદિર જવેલર્સ દ્વારા કરોડો રૂપિયાનો કૌભાંડ આચરવામાં આવ્યું છે. જેના પુરાવા તેમની પાસે છે. પીવીએસ શર્માએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રીને ટ્વીટ કરી ED અને CBI તપાસની માંગ કરી હતી.

ભાજપના નેતાએ આરોપ લગાવ્યો છે કે, નોટબંધી સમયમાં કલામંદિર જ્વેલર્સે સોનું વેચી 110 કરોડ રૂપિયા બેંકમાં ડિપોઝિટ કર્યા હતા. 33 ટકા લેખે ટેક્સ ભરવાને બદલે માત્ર 80 લાખ ટેક્સ ભરવા પાત્ર થાય છે, તેમણે દાવો કર્યો છે કે તેમની પાસે તેના પુરાવા પણ છે આ સંદર્ભે તેમના ત્યાં આવક વેરા વિભાગે દરોડા પાડ્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે અને તેમની પૂછપરછ કરવામાં આવી છે.

ઈન્કમટેક્સના દરોડા પડ્યા બાદ પીવીએસ શર્મા પોતાના જ ઘરની બહાર કોમ્પ્લેક્સમાં ધરણાં પર બેસી ગયા હતા. તેમણે કહ્યું હતું કે, મારી ધરપકડ ભલે થાય હું જેલમાં જવા તૈયાર છું. જ્યાં સુધી મૌલિક અધિકારી નું હનન થશે ત્યાં સુધી ધરણા પરથી ઉઠવાનો નથી. જે આઇટી અધિકારીના નામ જાહેર કરવાનો છું તેમાં ફફડાટ મચ્યો છે. હું મારી લડત આગળ પણ ચલાવીશ.

તો બીજી તરફ આ મામલે કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જૂન મોઢવાડિયાએ કહ્યું હતું કે ભાજપમાં જ હોવા છતાં શર્માએ આ કૌભાંડ ઉજાગર કર્યું છે અને નોટબંધી ભાજપ સાથે ઘનિષ્ઠતાથી જોડાયેલા કેટલાક લોકો માટે આશીર્વાદ સાબિત થઇ. નોટબંધીની રાત્રીએ અન્ય જવેલર્સ દ્વારા પણ મોટા પ્રમાણમાં મની લોન્ડરિંગ થયું હોઇ શકે છે.

પીવીએસ શર્માના નિવાસસ્થાને આઈટીના દરોડા મુદ્દે કોગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ સરકાર પર આરોપ લગાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, સરકાર આઈટી, ઈડી, સીબીઆઈ અને પોલીસનો કરી રહી છે ખોટો ઉપયોગ.

 82 ,  1