September 19, 2021
September 19, 2021

દક્ષિણ ગુજરાતમાં આવતા અઠવાડિયે વરસાદ બોલાવશે ધબધબાટી

હવામાન વિભાગ દ્રારા કરવામાં આવી આગાહી

રાજ્યમાં છેલ્લાં કેટલાય દિવસોથી વરસાદ પાછો ખેંચાતા જગતના તાત ખેડુતો પણ ચિંતામાં મુકાયા છે. હાલ વરસાદના પણ કોઈ એંધાણ દેખાતા નથી. ત્યારે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રાહત કમિશનર અને અધિક સચિવના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગ્રૂપની બેઠક વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી.

હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, પાંચ દિવસની હવામાનની આગાહી જોતા રાજ્યમાં હાલ ઓછા વરસાદની સંભાવના છે. જો કે, આવતા અઠવાડિયે દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની સંભાવના છે. જ્યારે રાહત કમિશનરે જણાવ્યું કે, મંગળવારે રાજ્યના 8 જિલ્લાના 12 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે નવસારી તાલુકામાં 13 એમએમ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યમાં 24 ઓગસ્ટ સુધી કુલ 350.33 એમએમ વરસાદ નોંધાયો છે. જે છેલ્લાં 30 વર્ષની એવરેજ 840 એમએમની સરખામણીએ 41.71 ટકા છે.

પરંતુ હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતા સપ્તાહે સારા વરસાદની સંભાવના છે. તો કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું કે, ચાલુ વર્ષે 23 ઓગસ્ટ સુધીમાં અંદાજિત 80.06 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. ગયા વર્ષે આ સમયગાળામાં 80.64 લાખ હેક્ટર વાવેતર થયું હતું. છેલ્લાં ત્રણ વર્ષના સરેરાશ વાવેતર વિસ્તારની સામે 93.59 ટકા વાવેતર થયું છે.

સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના અધિકારીએ જણાવ્યું કે, સરદાર સરોવર ડેમમાં હાલ 1,52,544 એમસીએફટી પાણીનો સંગ્રહ થયેલો છે. જે કુલ સંગ્રહ શક્તિના 4ય66 ટકા છે. તો સિંચાઈ વિભાગના અધિકારીએ જણાવ્યું કે, રાજ્યના 206 જળાશયોમાં 2,82,489 એમસીએફટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શક્તિના 50.68 ટકા છે. તો રાજ્યમાં હાઈ અલર્ટ પર કુલ 7 જળાશય છે. તો અલર્ટ પર કુલ 8 જળાશય અને વોર્નિંગ પર 6 જળાશય છે.

મહત્વનું છે કે, આ બેઠકમાં જળસંપતિ અને સરદાર સરોવર નિગમ લિમિટેડના અધિકારીઓ, બાયોગેસ, ઈસરો, જીએસઆરટીસી, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, કોસ્ટગાર્ડ, જીએમબી, આરોગ્ય વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, ઉર્જા વિભાગ, મત્સ્ય વિભાગ, વન વિભાગ વગેરે જોડાયા હતા.

 42 ,  2