એર ઇન્ડિયાની સંપત્તિઓની આજે હરાજી, 270 કરોડ મળવાની આશા

ઓછામાં ઓછામાં 28 સંપત્તિઓની હરાજી થશે

દેવામાં ડૂબી એર ઈન્ડિયાની પ્રોપર્ટીની હરાજી આજથી શરૂ થવા જઇ રહી છે. એરલાઇન્સની સંપત્તિ મુખ્યત્વે મોટા શહેરોમાં એપાર્ટમેન્ટ્સ અને કોમર્શિયલ જગ્યા શામેલ છે. સરકારી કંપની MSTC દ્વારા ઇ-હરાજીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. હરાજીની શરૂઆત ગુરુવારે બપોરે 2 કલાકે શરૂ થશે અને શુક્રવારે બપોરે 2.30 કલાકે બંધ થશે. MSTC ઇ-કોમર્સની વેબસાઇટ પર પોસ્ટ કરાયેલી માહિતી મુજબ એરલાઇન્સની ઓછામાં ઓછામાં 28 સંપત્તિઓની હરાજી થવાની છે. કંપનીને 270 કરોડ રૂપિયા ઉભા થવાની આશા છે.

હરાજી માટે પસંદ કરાયેલી આ સંપત્તિઓનું આરંભિક મૂલ્ય નાસિકમાં આવેલા એપાર્ટમેન્ટ માટે 13.3 લાખ રૂપિયાથી લઇને મુંબઇના પાલી હિલના રેસિડેન્સિયલ પ્લોટ માટે 150 કરોડ રૂપિયા સુધીનું છે અને એર ઇન્ડિયા આ તમામ 28 સંપત્તિઓના વેચાણથી 270 કરોડ રૂપિયા એક્ત્ર કરવાનું વિચારી રહી છે.

હરાજી માટે મૂકાયેલ સંપતિઓમાં ગુજરાતમાં ભૂજ ખાતે સ્ટેશન રોડ ઉપર આવેલ એરલાઇન્સ હાઉસ અને ધનશ્યામ નગરનો 231 સ્કેવર મીટરનો રેસિડેન્શિયલ પ્લોટ પણ શામેલ છે. તે ઉપરાંત એર ઇન્ડિયાની ઔરંગાબાદ, તિરુવંતપુરમ્, નાગપુર, મેંગ્લોર, બેંગ્લોર, કલકત્તામાં આવેલી સંપત્તિઓની પણ હરાજી કરવામાં આવશે.

સરકારી માલિકીની MSTC, જે ઇ-ઓક્શન યોજવામાં અનુભવી છે, તે એર ઇન્ડિયા માટે ઓનલાઇન ઓક્શનનું સંચાલન કરી રહી છે. સંપત્તિઓનું નિરિક્ષણ 20 જૂનના રોજ જનતા માટે ખોલી દેવામાં આવ્યુ હતુ અને તે 7 જુલાઇના રોજ બંધ થયુ છે. કોવિડ-19ના પ્રતિબંધો ધીમે ધીમે દૂર થવાની સાથે સાથે સારો પ્રતિસાદ મળ્યો અને ઘણા લોકોએ સંપત્તિની મુલાકાત પણ લીધી છે તેમજ ફોન ઉપર પુછપરછ કરી રહ્યા છે એવુ માહિતગાર સુત્રોએ જણાવ્યુ છે. લોકો જાતે જઇને સંપત્તિનું નિરિક્ષણ કરી રહ્યા છે. તેમને વિશ્વાસ છે કે તેમને એક સ્પષ્ટ અને પારદર્શક મૂલ્ય પ્રાપ્ત થશે કારણ કે તેઓ એક સરકારી કંપની પાસેથી ખરીદી કરી રહ્યા છે. જે લોકોએ વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવ્યુ છે તેઓ જ વિશેષ એસેટ્સ ઓક્શનમાં ભાગ લઇ શકશે. આ ઓક્શનની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થવામાં 60 દિવસ લાગી શકે છે.  

ઉલ્લેખનિય છે કે, એર ઇન્ડિયા એ ગત 18 જૂને એક સમાચાર પત્રમાં જાહેરાત દ્વારા સરકારી માલિકીની એરલાઇન્સના ડિસઇન્વેસ્ટમેન્ટ યોજનાના ભાગરૂપે મુખ્ય શહેરોમાં આવેલા પ્લોટ, કોમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્રોપર્ટીની હરાજી કરવાની ઘોષણા કરી હતી.

 54 ,  1