જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળને મંગળવારે મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ પુલવામા આતંકી હુમલાનો માસ્ટરમાઇન્ડ પૈકીનો એક જૈશ કમાન્ડર સજ્જાદ ભટને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. આ એન્કાઉન્ટરમાં એક અન્ય આતંકી પણ માર્યો ગયો છે. જ્યારે, તેમાં સેનાનો એક જવાન પણ શહીદ થયો છે. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે.
ઉલ્લેખનીય છે કે, અનંતનાગ જિલ્લાના પુલવામામાં આ વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ આતંકીઓએ સીઆરપીએફના એક કાફલાને નિશાન બનાવ્યો હતો. આતંકીઓએ સીઆરપીએફના કાફલામાં સામેલ એક ગાડીને આઈઈડી બ્લાસ્ટ કરીને ઉડાવી દીધી હતી. આ હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા. પુલવામા હુમલા બાદ આતંકીઓએ જમ્મુ-કાશ્મીરના બનિહાલમાં પણ સીઆરપીએફના કાફલાને કાર બોમ્બથી ઉડાવી દેવાનું કાવતરું ઘડ્યું હતું, જેને સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવી દીધું હતું.
14 ફેબ્રુઆરીના પુલવામામાં સીઆરપીએફ કાફલા પર થયેલા હુમલામાં સજ્જાદની કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ હુમલામાં CRPFના 40થી વધુ જવાનો શહીદ થયા હતા. આ હુમલો જમ્મુ કાશ્મીરનો સૌથી ભયાનક હુમલો હતો જેમાં 200 કિલો વિસ્ફોટક ભરેલી ગાડીને CRPFની એક બસ સાથે અથડાવવામાં આવી હતી. આ હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદે લીધી હતી.
27 , 1