September 19, 2021
September 19, 2021

VIDEO : જેમ્સ બોન્ડની ‘નો ટાઈમ ટુ ડાઈ’ફિલ્મ ગુજરાતી ભાષામાં થશે રિલીઝ

અમેરિકામાં રિલિઝ થવાના એક સપ્તાહ અગાઉ આ ફિલ્મ ગુજરાતીમાં રજૂ કરાશે

કોરોના મહામારીને કારણે રજૂ કરવાની તારીખ વારંવાર મુલતવી રહેવા છતાં જેમ્સ બોન્ડની આ ફિલ્મ જોવા માટે ચાહકો આતુર છે. જેમ્સ બોન્ડની આગામી ફિલ્મ ‘નો ટાઈમ ટુ ડાઈ’નું ગુજરાતી ટ્રેલર હાલ સોશ્યલ મિડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. જેમ્સ બોન્ડની આ પહેલી ફિલ્મ છે જેને ગુજરાતી ભાષામાં ડબ કરીને રજૂ કરવામાં આવી રહી છે.

આ ફિલ્મના નિર્માતા યુનિવર્સલ પિકચર્સે ઇંગ્લીશ અને હિન્દી ઉપરાંત આ વખતે ગુજરાતી ભાષામાં પણ આ ફિલ્મને રજૂ કરવાની જાહેરાત કરીને જેમ્સ બોન્ડના ગુજરાતી ચાહકોને ખુશ કરી દીધાં છે.

રસપ્રદ બાબત તો એ છે કે જેમ્સ બોન્ડની આ ફિલ્મ અમેરિકામાં રિલિઝ થવાના એક સપ્તાહ પૂર્વે જ ભારતમાં રજૂ થઇ જશે. આ ફિલ્મને 30 સપ્ટેમ્બરના રોજ ભારતમાં રજૂ કરવામાં આવશે. આ ફિલ્મ આમ યુકેની સાથે સાથે જ ભારતમાં રિલિઝ થશે.

જેમ્સ બોન્ડ સિરિઝની આ 25મી ફિલ્મ છે અને જેમ્સ બોન્ડ તરીકે ડેનિયલ ક્રેગની આ આખરી ફિલ્મ હોવાથી તેના ચાહકો આ ફિલ્મ જોવા માટે તલપાપડ થઇ રહ્યા છે.મજાની વાત તો એ છે કે એમ-16ના એજન્ટ તરીકે જેમ્સ બોન્ડ આ ફિલ્મમાં ફાંકડું ગુજરાતી બોલીને દુશ્મનોના છક્કા છોડાવી દેશે.

નોંધનીય છે કે, નામ? જેમ્સ, જેમ્સ બોન્ડ. સમ્રગ વિશ્વમાં જેમ્સ બોન્ડની ફિલ્મોના ચાહકોનો આ માનીતો ડાયલોગ આજકાલ ગુજરાતી ભાષામાં સંભળાઇ રહ્યો છે.

 85 ,  1