સખાવતી દાનના પ્રથમ ભારતીય વિશ્વગુરૂને સો સો સલામ..!!

આપણને તો એમ જ કે બિલ ગેટ્સ સૌથી મોટા દાનવીર છે..!

રતન તાતા પરિવારે દુનિયા આખીમાં ભારતનો ડંકો વગાડ્યો..!

સો વર્ષમાં સૌથી વધારે દાન કરનાર ગેટ્સ નહીં પણ જમશેદજી…!!

ભાવિ સાહસિકો માટે નેનોની નિષ્ફળતાનો અભ્યાસ થવો જોઇએ..

ઘણાં ભેગુ કરવામાં માને છે તો ઘણાં સમાજને પરત આપવામાં..

(ખાસ અહેવાલ – દિનેશ રાજપૂત)

આપણને તો એવા જ ઘૂંટડા પિવડાવવામાં આવ્યાં કે આખી દુનિયામાં સૌથી વધારે દાન અમેરિકન બિલ ગેટ કે વોરેન બફેટ જ કરે છે. તેમાં વળી બિલ ગેટ્સનું નામ તો દર વખતે છવાયા કરે. પણ અડેલગિવ હુરૂન ઇન્ડિયા નામની એક સંસ્થાએ કરેલા સંશોધનમાં પ્રત્યેક ભારતીયની છાતી ગજ ગજ ફૂલે તેમ આખા વિશ્વમાં સૌથી વધારે દાન કરનારાઓમાં છેલ્લાં 100 વર્ષમાં જો કોઇ હોય તો તે જમશેદજી તાતાનું નામ ટોચ પર છે…! 1920થી લઇને 2020 સુધીના 100 વર્ષમાં સૌથી વધુ દાન જો કોઇએ કર્યું હોય તો એ પારસી કોમના ઉગ્યોગપતિ જમશેદજી તાતાએ કર્યું છે. તેમણે અત્યારસુધીમાં અધધ.. 102 અબજ ડોલરનું દાન સામાજિક અને આરોગ્ય સેવાઓ માટે આપીને ભારતનું ઋણ ચૂકવવાનો પ્રયાસ કર્યો છે. કેમ કે પારસીઓ મૂળ ભારતના નથી. પણ વર્ષો પહેલા પોતાનો ધર્મ બચાવવા ગુજરાતના ઉદવાડાના સંજાણ બંદરે વહાણમાં આવ્યાં હતા અને ઉદવાડાના રાણાએ તેમને પોતાના પ્રદેશમાં રહેવાની મંજૂરી આપી હતી.

રતન તાતા જે પરિવાર અને કંપનીના છે એ તાતા કંપની જમશેદજી તાતાએ સ્થાપી હતી અને આજે ધનિકોમાં ભલે મુકેશ અંબાણી કે ગૌતમ અદાણીના નામો લેવાતા હોય પણ સમાજમાંથી લઇને સમાજને પાછુ આપવાની વૃતિ એટલે દાનની પ્રવૃતિમાં તો તાતા જુથ સૌથી મોખરે છે. રતન તાતાને કત્યારેય એશિયના કે વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં આવવાનો શોખ નથી. પણ દાન આપવાનો જબરો શોખ છે અને આજે ભારતમાં અને વિશ્વમાં તેમના દ્વારા સ્થપાયેલી શાળાઓ કોલેજોમાં અનેક વિદ્યર્થીઓના જીવન બદલાઇ ગયા છે. રાજકિય પક્ષોને પણ દાન આપવામાં રતન તાતાની કંપનીઓ આગળ છે.

છેલ્લાં 100 વર્ષમાં દુનિયા આખીમાં 832 અબજ ડોલરનું સખાવતી દાન થયું છે જેમાં 74.6 અબજ ડોલરના દાન સાથે બિલ ગેટ્સ અને મેલિન્ડા ગેટ્સ દંપતિ બીજા સ્થાને છે તો આપણને ગર્વ થાય તેમ આપણો ભારતીય સૌથી મોખરે છે…!! તાતા કંપનીઓની કમાણીમાંથી કેટલોક નફો અલગ તારવીને દાન માટે બનાવવમાં આવેલા ટ્રસ્ટો દ્વારા સમાજને પરત દાન સ્વરૂપે આપવામાં આવે છે.

કુદરતી આફત હોય કે મુંબઇ આતંકી હુમલો હોય તાતા જુથે દાનની સરવાણી વહેવડાવવામાં પાછા વળીને જોયુ નથી. 2008માં મુંબઇ પર આતંકી હુમલો થયો ત્યારે તાતા જુથની હોટેલ તાજમાં પણ આતંકીઓ ઘૂસ્યા હતા અને એ હુમલામાં હોટેલના ઘણાં કર્મચારીઓ માર્યા ગયા હતા. તાતા જુથે એ કર્મચારીઓના પરિવારની જવાબદારી લીધી. હાલમાં કોરોના કાળમાં પણ તાતા જુથે તેમના જે કર્મચારીઓ સંક્રમણથી માર્યા ગયા હોય તેમના પરિવારને તમામ આર્થિક મદદની જાહેરાત જ નહીં તેનો અમલ પણ કર્યો છે.

જમશેદજી પરિવારનું તાતા જુથ પ્રસિધ્ધિની કોઇ ખેવના રાખ્યા વગર સામાજિક જવાબદારી અદા કરવામાં માને છે. જો કે એ તાતા જુથમાં શાપૂરજી કંપનીના અને પારસી એવા સાયપ્રસ મિસ્ત્રીને હવાલો સોંપાયો ત્યારે ભારે ગરબડો થઇ. સાયપ્રસ મિસ્ત્રીએ રતન તાતા સાથે જ સંબંધો બગાડવાની સાથે સમગ્ર મામલો કોર્ટમાં લઇ ગયા અને છેવટે રતન તાતાની જીત થઇ અને સાયપ્રસ મિસ્ત્રીને, બડે બેઆબરૂ હોકર નિકલે તેરે કૂચે સે…ની જેમ નાલેશીભરી રીતે તાતા જુથના સર્વોચ્ચ પદ પરથી ઉતરી જવુ પડ્યું.

તાતા જુથનો ઇતિહાસ છે કે તે એવા મામલા ક્યારેય કોર્ટ કચેરીમાં ગયા નથી. પણ કોઇ અલગ પ્રકૃતિના સાયપ્રસ મિસ્ત્રીએ જ્યારે કોર્ટ કાર્યવાહી કરી ત્યારે ભારતના ઔધૌગિક સેક્ટરમાં ઘણાંને નવાઇ લાગી હતી. રતન તાતા સાયપ્રસને ઓળખવામાં થાપ ખાઇ ગયા તેમ નેનો કાર પ્રોજેક્ટમાં પણ રતન તાતા થાપ ખાઇ ગયા તે કરતાં નાની કાર અને તે પણ એક લાખની કારને લોકોમાં લોકપ્રિય બનાવવમાં એવા નિષ્ફળ ગયા કે ગુજરાતના સાણંદમાં નેનો પ્લાન્ટમાં હવે લખટકી નેનો કારનું ઉત્પાદન થતું નથી. રોડ પર પણ નેનો કાર ભાગ્યે જ જોવા મળે છે. ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીઓ વખતે કોંગ્રેસના રાહુલ ગાંધીએ નેનો કારની નિષ્ફળતાને ભાજપ સરકારની સાથે જોડીને પ્રચાર કર્યો હતો. નોંધનીય છે કે રતન તાતાની કંપનીઓ ભાજપની જેમ કોંગ્રેસને પણ ઇલેકટોરલ બોન્ડ દ્વારા રાજકિય ફંડ આપે જ છે. બની શકે કે નેનો સામેના પ્રચાર પછી ફંડમાં ઘટાડો કર્યો હોય તો કહ નહીં શકતે..!

નેનોની નિષ્ફળતાનો ઉદ્યોગ સાહસિકતાનું ભણાવનાર સંસ્થાઓએ અભ્યાસ કરવો જોઇએ. એક સફળ અને કામિયાબ ઉદ્યોગપતિ રતન તાતા ગુજરાતમાં નેનોમાં કેમ નિષ્ફળ ગયા અને તેમાં ક્યા પરિબળો જવાબદાર છે તેનો અભ્યાસ થાય તો બીજા સાહસિકો તેમાંથી ધડો લઇ શકે.

નેનોમાં નિષ્ફળ તાતા જુથ એક સમયે હાલની એર ઇન્ડિયા કંપનીના માલિક હતા. અને હવે ફરીથી એ જ એર ઇન્ડિયા એર લાઇન્સ કંપની તાતા ખરીદવા માંગે છે.. ખોટમાં ચાલતી એર ઇન્ડિયાને હજારો કરોડમાં ખરીદીને નફાકારક બનાવવાનું આયોજન તાતાજુથે કર્યુ જ હશે. તો પછી નેનોમાં કેમ નિષ્ફળ ગયા..? સખાવતી દાનમાં કોઇ કસર રહી ગઇ હશે..? હશે. ભારતે અને રાહુલે પણ નેનોની નિષ્ફળતાને એક બાજુએ મૂકીને સદીના સૌથી વધુ દાનવીર જમશેદજી તાતાના વધામણાં કરીને સલામ કરવી જોઇએ..! રાહુલ તરફથી એવી ટ્વીટ ક્યારે આવશે…?! સખાવતી દાનમાં ભારતનું નામ દુનિયા આખીમાં પહેલા નંબરે લઇ જવા બદલ જમશેદજી…, આપને સો સો સલામ..!

 19 ,  1