‘જવાદ’ વાવાઝોડાનું સંકટઃ આંધ્રપ્રદેશમાં 55 હજાર લોકોનું સ્થળાંતર

ઓડિશા-આંધ્રપ્રદેશ અને બંગાળમાં 46 ટીમો તૈનાત, ભારે વરસાદની આગાહી

બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાત ‘જવાદ’ને લઈને આંધ્રપ્રદેશ અને ઓડિશામાં વિશેષ પ્રકારની તકેદારી રાખવામાં આવી રહી છે. વાવાઝોડાના કારણે બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ સહિત આસપાસના ઘણા રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સાઉદી અરેબિયાએ આ ચક્રવાતને ‘જવાદ’ નામ આપ્યું છે.

વાવાઝોડા ‘જાવાદ’ને ધ્યાને રાખીને આંધ્રપ્રદેશના 3 જિલ્લામાં 11 NDRF, 5 SDRF, 6 કોસ્ટ ગાર્ડ અને 10 મરીન પોલીસની ટીમો તૈનાત કરવામાં આવી છે. વિશાખાપટ્ટનમ, વિઝિયાનગરમ અને શ્રીકાકુલમના નીચાણવાળા વિસ્તારોમાંથી આશરે 55 હજાર જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે, વાવાઝોડું ‘જાવાદ’ વિશાખાપટ્ટનમથી લગભગ 230 કિમી દક્ષિણપૂર્વમાં પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીમાં, ગોપાલપુરથી 340 કિમી દક્ષિણમાં પુરીથી 410 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં અને પારાદીપથી 490 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં કેન્દ્રિત છે.

હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાના જણાવ્યા અનુસાર, ‘જાવાદ’ ઉત્તર આંધ્ર પ્રદેશની ઉપર બંગાળની ખાડીના પશ્ચિમ મધ્ય કિનારા તરફ આગળ વધી રહ્યું છે. શનિવારની સવાર સુધીમાં, તે આંધ્ર પ્રદેશ અને ઓડિશાની નજીક પહોંચશે અને ત્યારબાદ ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ વળશે અને 5 ડિસેમ્બરે પુરીના કિનારે અથડાશે.

રેડ એલર્ટ જાહેર કરાયું
હવામાન વિભાગે આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ, વિજિયાનગરમ અને વિશાખાપટ્ટનમ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય ઓડિશાના ગાઝાપટ્ટી, ગંજમ, પુરી અને જગતસિંહપુર જિલ્લાઓ માટે પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચક્રવાતને કારણે પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં શનિવાર-રવિવારે અને આસામ, મેઘાલય અને ત્રિપુરામાં રવિવાર-સોમવારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે માછીમારોને રવિવાર સુધી મધ્ય અને ઉત્તર બંગાળની ખાડીમાં ન જવાની સલાહ આપી છે.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી