રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન બન્યા જયેશ બોઘરા, વાઈસ ચેરમેન તરીકે વસંત ગઢીયાની વરણી

યુવા ચહેરાનું નામ જાહેર થતા સિનિયર્સ નારાજ

રાજકોટ માર્કેટ યાર્ડના સત્તાધીશોની આજે નિમણૂક કરવામાં આવી છે. જેમાં ચેરમેન તરીકે જયેશ બોઘરા અને વાઈસ ચેરમેન તરીકે વસંત ગઢીયાનું નામ જાહેર કરાયુ હતું. પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા આ વિશેની સત્તાવાર જાહેરાત કરી હતી. જોકે, આ નામ પહેલેથી જ લગભગ ફાઈનલ હતા. રાજકોટ બેડી માર્કેટયાર્ડમાં નામો જાહેર થતાં જ વિવાદ સર્જાયો હતો. સીનિયર નેતાઓની નારાજગી સામે આવી હતી. 

રાજકોટ બેડી યાર્ડની ચૂંટણી ઓક્ટોબર મહિનામાં પૂર્ણ થઇ હતી, જેના દોઢ મહિના બાદ આજે યાર્ડને નવા સુકાની મળ્યા છે. આ અંગે ભાજપે ગોંડલ યાર્ડમાં સેન્સ પણ લીધી હતી. એમાં જે નામ સૂચવવામાં આવ્યાં હતાં એ નામની યાદી પ્રદેશ કક્ષાએ મોકલી દેવાઈ હતી. મોડી રાત સુધી સ્થાનિક સહકારી જગતથી લઈને ગાંધીનગર સુધી આ અંગે બેઠકનો ધમધમાટ ચાલ્યો હતો. અંતે, પ્રદેશમાંથી આવેલાં બે નામ- જયેશ બોઘરાને ચેરમેન અને વસંત ગઢિયાને વાઇસ-ચેરમેન બનાવાયા છે.

નારાજ પરસોત્તમ સાવલિયાએ જણાવ્યું હતું કે, ચેરમેન અને વાઇસ ચેરમનની નિમણૂક માટે આખી પ્રક્રિયા હોય છે. છેલ્લે ઓલઓવર પાર્ટી નિર્ણય કરે તે અમને માન્ય કહેવાય. ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા એવો કોઇને અંદાજ હતો? આ બધુ ચાલતુ હોય છે રાજકારણમાં…

સેન્સમાં પુરુષોત્તમ સાવલિયાનું નામ સૂચવવામાં આવ્યું હતું, જેને કારણે તેઓ ડિરેક્ટર તરીકે ફાઈનલ હોવાનું મનાઈ રહ્યું હતું, પરંતુ છેલ્લી ઘડીમાં ફેરફાર થયો એમાં આંતરિક રાજકારણ જવાબદાર હોવાની સહકારી જગતમાં ચર્ચા છે. જોકે છેલ્લી ઘડીએ જયેશ બોઘરા અને વસંત ગઢિયાનાં નામો આવ્યાં હતાં, જેને કારણે સહકારી જગતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જે-તે સમયે યાર્ડના પૂર્વ ચેરમેન ડી.કે. સખિયાના પુત્ર જિતુ સખિયાનું નામ પણ સ્પર્ધામાં રહ્યું હતું. આ માટે ડી.કે. સખિયાએ ગાંધીનગર સુધી લોબિંગ શરૂ કર્યું હતું. જોકે અંતે તેમનું નામ કાપી જયેશ બોઘરા અને વસંત ગઢિયા પર પ્રદેશ ભાજપે કળશ ઢોળ્યો છે.

 37 ,  2 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી