નથવાણીજી, જામનગરને સલામત બનાવ્યું, આખા ગુજરાતને સલામત ના બનાવો…?!

જયેશ પટેલ દાઉદના આડા રસ્તે ચાલીને માફિયા ડોન બન્યો, ગુજરાતે પ્રગતિ કરી કે પછી….

નથવાણીએ ટ્વીટ કર્યું અને પોલીસ તંત્ર દ્વારા જામનગર સલામત બન્યું….

પરિમલભાઇએ હવે ગુજરાતને સલામત બનાવવા માટે ટ્વીટ કરવુ જોઇએ….જય હો…

નેટડાકિયા-ખાસ અહેવાલ

રિલાયન્સ દ્વારા પોતાના માદરે રાજ્ય ગુજરાતના જામનગર જિલ્લામાં પેટ્રોલિયમ રિફાઇનરી નાંખવામાં આવી ત્યારે તેમના કર્તાહર્તાઓને પણ કદાજ ખ્યાલ નહીં હોય કે રિફાઇનરીના બિઝનેસને લઇને એવી જાડાજલાલી થશે કે જયેશ પટેલ નામનો ડોન સરકારના એક મંત્રીના જોરે બેફામ ખંડણી ઉઘરાવશે અને જામનગરને સલામત બનાવવા માટે કંપનીના એક ઉચ્ચ હોદ્દેદાર પરિમલ નથવાણીને ટ્વીટ કરી કરીને રાજ્ય સરકારને ઉંઘમાંથી જગાડવાની ફરજ નિભાવવી પડશે….!

બની શકે કે રિલાયન્સને અને નથવાણીને જામનગરમાં પોતાના કારોબારી ચિંતા હોઇ શકે. કેમ કે જયેશ પટેલ નામના એક માફિયાએ દાઉદની જેમ વિદેશમાં બેઠા બેઠા જામનગરમાંથી ઉઘરાણીનો મલાઇદાર બિઝનેસ શરૂ કર્યો હતો. પરંતુ જ્યારે પાણી નાક પરથી પસાર થયું ત્યારે કંપનીના પદાધિકારીએ જામનગરમાં પોલીસ તંત્રમાં ફેરફાર કરાવ્યાં અને નવા પોલીસ અધિકારી નિમાતા જ માફિયાડોનના સાગરિતો એક પછી એક પકડાઇ રહ્યાં છે. અગાઉના પોલીસ તંત્ર દ્વારા તેઓ પકડાતા નહોતા કે પકડવાનો સમય નહીં હોય. જયેશ પટેલની સામે સરકારે કડકમાં કડક બનાવેલો કાયદો ગુજશીટોક(જુનુ નામ ગુજકોક) હેઠળ ગુનો નોંધ્યો છે. સંગઠિત ગુનાખોરીને રોકવા આ કાયદો બનાવવામાં આવ્યો છે, જેમાં આતંકવાદની સામે પગલા લેવાની પણ જોગવાઇ છે.

પરિમલ નથવાણી

નથવાણીના સ્થાને કોઇ સામાન્ય પરિમલભાઇએ ટ્વીટ કર્યું હોત તો સરકારે પગલા ભર્યા હોત એવા સવાલ ના કરશો કેમ કે હાલમાં સરકારોને સવાલ ગમતા નથી….સવાલ કરનારાઓને દેશવિરોધી માની લેવામાં આવે છે. પણ જામનગર સલામત બન્યું અને માફિયાના નેટવર્કને તોડવામાં સફળતા પોલીસને પ.ન.ટ્વીટ પછી મળી રહી છે અને ટૂંક સમયમાં જયેશ પટેલ પણ હાજિર હો…..

કાંઠાળા જામગનરને સલામત બનાવવા સરકાર અને પોલીસની સક્રિયતા જોઇને ગુજરાતને પણ એમ થાય કે માત્ર જામનગર જ શું કામ, શું નથવાણીજી, આખા ગુજરાતને સલામત બનાવવા એક પછી એક ટ્વીટ ના કરી શકે….?! સવાલ તો બનતા હૈ..

કેમ કે ગુજરાતે ભલે તેમને રાજ્યસભામાં ના મોકલ્યા પણ તેમ છતાં ગરવી ગુજરાતનું હિત તેમના હૃદયમાં હોય જ. કેમ કે રિલાયન્સનો આધાર જામનગરની રિફાઇનરી ઉપર છે. અને જામનગર ગુજરાતમાં છે. તેથી નથવાણીજીએ સમય મળે તો જામનગરની જેમ સમગ્ર ગુજરાતને સલામત બનાવવા અને ભાજપે 1995માં આપેલા ભય,ભૂખ અને ભ્રષ્ટાચારમુક્ત ગુજરાતના વચનનો પણ અમલ થઇ સકે…..

કુખ્યાત જયેશ પટેલ

25 વર્ષ થયા એક જ પક્ષની સરકારને. છતાં ગુજરાતમાં જયેશ પટેલ નામનો માફિયા પેદા થાય છે અને 25 વર્ષમાં, જિલ્લાશિક્ષણાધિકારીની લાંચની રકમ પણ 10 લાખ થઇ અને પોલીસ ખાતામાં શ્વેતા જાડેજાએ 35 લાખની લાંચ લઇને લાંચનો એક બેંચમાર્ક નક્કી કર્યો હોય તો પણ નવાઇ નહીં. પાસાના કાયદામાં સુધારો કરીને સીએમ વિજય રૂપાણીએ સિંહગર્જના કરી- ગુંડાઓ ગુંડાગીરી છોડો યા ગુજરાત છોડી દો….અને જયેશ પટેલે ગુજરાત જ નહીં દેશ છોડી દિધો….!! ચલો, કમ સે કમ એક જણે તો અમલ કર્યો….!! બીજા કેટલા અમલ કરે છે તે પણ ગુજરાત જોશે….

વાંચજો બરાબર હોં….

રાજ્ય સરકારમાં ભ્રષ્ટાચાર અંગે સીએમ રૂપાણીજીએ થોડાક સમય પહેલા એક જાહેર કાર્યક્રમમાં એમ કહ્યું હતું- 25 વર્ષ પહેલા( જ્યારે કોંગ્રેસનું શાસન હતું) કોઇ કર્મચારીને કોઇ લાંચ આપે તો કર્મચારી એમ કહેતો કે ના ભાઇ ના,,,,મારે અનિતીનું ના ખપે, મારા ઘરે બૈરી-છોકરા છે. અને 25 વર્ષ પછી એટલે કે (ભાજપનું રાજ) હવે સરકારમાં પ્રજાનું કામ થાય ત્યારે કર્મચારી સામેથી એમ કહે છે કે શું ભાઇ, બસ ને…મારા ઘરે પણ બૈરી-છોકરા છે હોં..(એટલે કંઇક આપતા જાઓ)…..! બચ્ચન કી દમદાર ઔર શાનદાર આવાજ મેં કહે તો -ફર્ક દિખતા હૈ…

સીએમજીને તે વખતે ઉતાવળ હશે અથવા તો કોઇના કહેવાથી આમ કહ્યું હશે પણ કહ્યાં પછી ટીવી મિડિયામાં તેની ચર્ચા થઇ કે તેનો મતલબ રૂપાણીજીના મતે એમ થાય કે 25 વર્ષ પહેલાં સરકારી કર્મચારીઓમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ નહોતુ પણ 25 વર્ષમાં સરકારમાં આ દૂષણ વ્યાપી ગયું……!! પાર્ટીમાં કોઇને રૂપાણીજી ના ગમતા હોય તો તે એમ પણ કહે કે ભાજપના સીએમએ કોંગ્રેસના શાસનને ભ્રષ્ટાચારમુક્તનું પ્રમાણ પત્ર અનાયાસે આપી દીધુ…..!!

કેટલાકને નવાઇ લાગે કે નાણા પાટનગર મુંબઇમાં દાઉદ જેવા માફિયા પાકે તો તે મસજી શકાય પણ, ગુજરાતમાં માફિયા ડોન અને તે પણ વિદેશમાં બેઠા બેઠા પોતાનોં ધંધો ગુજરાતમાં અને જામનગરમાં કરે….? ગુજરાતે પ્રગતિ કરી કે અધોગતિ થઇ….? દાઉદને સત્તામાં બેઠેલાઓ પૈકી કોઇનો સહકાર મળતો હતો. તેના બેનંબરી ધંધા માટે, એમ જયેશ પટેલને પણ એક મંત્રીનો સહકાર મળ્યો છે એમ ખુલ્લેઆમ અખબારોમાં લખાયું છે. તેથી એવી આશા રાજકિય રીતે રાખીને કેટલાક કહે છે કે વિધાનસભાની પેટા ચૂંટણી બાદ એ મંત્રી, પછી મંત્રીપદ પર નહીં હોય…..!! હકુભા અજુબા બની જાય તો નવાઇ નહીં હોં….કે….

તો, શ્રીમાન પરિમલભાઇને માલુમ થાય કે, જામનગરની જેમ સમગ્ર ગુજરાતને સલામત બનાવવા મોબાઇલ હાથમાં લે અને એક પછી એક ટ્વીટ લખવાનું શરૂ કરે…..!

શું કહ્યું….? નેટવર્ક નથી….? જિઓનું નેટવર્ક છે….? .

તો તો પછી આ જિઓની હરિફ મોબાઇલ કંપનીઓનું કામ હશે….

એની વે, રાજ્યસભાની કામગીરીમાંથી સમય મળે તો જામનગરની જેમ ગરવી ગુજરાતની પણ ચિંતા કરશોજી….!!

થોડુ લખ્યું…ઝાઝુ વાંચશો…..!!

તંત્રી – દિનેશ રાજપૂત

 121 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર