લગ્નની લાલચ આપી છૂટાછેડા કરાવી શરીર સબંધ બાંધ્યો, અને બીજે લગ્ન કરી દીધા

કાગડાપીઠ પોલીસ મથકમાં પ્રેમી સામે ફરિયાદ બાદ તપાસ શરૂ

નર્સને અજાણ્યા યુવક સાથે મિત્રતા કરવી ભારે પડી

અજાણ્યા વ્યક્તિ સાથે મિત્રતા કરવી એક નર્સને ભારે પડી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં કાપડની દુકાનમાં થયેલા સંપર્ક બાદ બંને વચ્ચે મિત્રતા થઈ અને યુવકે નર્સ તરીકે કામ કરતી મહિલાને લગ્નની લાલચ આપી અગાઉના પતિ પાસે છૂટાછેડા કરાવ્યા ત્યારબાદ વારંવાર શરીર સબંધ બાંધ્યો. જોકે મહિલાએ પ્રેમીને લગ્ન માટે દબાણ કરતા યુવકે અન્ય જગ્યા પર લગ્ન કરી લીધા હોવાનું જાણવા મળ્યું. જેથી આ મામલે કાગડાપીઠ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરના સોલા વિસ્તારમાં રહેતી અને નર્સ તરીકે કામ કરતી રોમા (ઓળખ છુપાવા નામ બદલ્યું છે) કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ આપી છે કે, તેના મિત્રના પતિ કાપડનો વેપાર કરતા હોવાથી તે બરોડાથી અહીં કાપડ લેવા માટે સાથે જતી હતી. જ્યારે તે કાપડ લેવા માટે જતી હતી ત્યારે તે દુકાન પર રોમા સૌરભભાઈ નામના વ્યક્તિ મળી હતી. ત્યારબાદ સૌરભે રોમાને હોલસેલમાં કાપડ ખરીદવા માટે ધર્મેન્દ્ર નામના વ્યક્તિનો સંપર્ક કરાવ્યો હતો. બાદમાં રોમા અને ધર્મેન્દ્ર વચ્ચે અવાર-નવાર ટેલિફોન પર મેસેજ અને વાતચીત થતી હતી. ધર્મેન્દ્રએ રોમાને પોતે કુંવારો હોવાનું કહ્યું હતું. ત્યારબાદ રોમાને તેના પતિથી છૂટાછેડા લઇ અમદાવાદ આવવા માટે કહીને તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી હતી. જેથી રોમાએ તેના પતિથી છૂટાછેડા લઈને અમદાવાદમાં રહેવા માટે આવી હતી.

બાદમાં ધર્મેન્દ્ર રજાના દિવસે જ્યારે તેની ઓફિસમાં કોઈ હાજર ન હોય ત્યારે રોમાને બોલાવીને તેની સાથે અવારનવાર તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધતો હતો. જોકે ધર્મેન્દ્રએ અન્ય લગ્ન કરી લીધા હોવાની જાણ થતાં રોમાએ તેનો સંપર્ક કર્યો હતો. ત્યારે ધર્મેન્દ્રએ કહ્યું હતું કે, તેના લગ્ન થઈ ગયેલ છે અને હાલ કાનપુરમાં છે. બાદમાં તેણે રોમાનો ફોન ધર્મેન્દ્રએ બ્લોક લિસ્ટમાં નાખી દીધો હતો. જે અંગેની જાણ પોલીસને કરતા પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને હાલમાં વધુ તપાસ શરૂ કરી છે.

 56 ,  1